Home »Magazines »Madhurima» Article Of Kavya Setu By Lata Hirani In Madhurima Magazine

તને સુખ પામતી જોવા લાગ્યો

Lata Hirani | Feb 21, 2017, 00:00 AM IST

  • તને સુખ પામતી જોવા લાગ્યો,  madhurima news in gujarati
તને સુખ પામતી જોવા લાગ્યો

તને મેં ચિતા પર મૂકી હળવાશથી
બધા ઘોંઘાટ કરે કે આખા શરીરે ખૂબ ઘી ચોપડી દો
શરીર ઝડપથી બળશે!

સૌ પ્રથમ મેં તારા કપાળ પર આંગળીઓ ફેરવી ઘીવાળી,
તું કેવો મજાનો ગોળ લાલ ચાંદલો.

ઓઢીને ઘરમાં ફરતી  ખૂણામાં સંતાતું અંધારું પણ લાલ લાલ!
પછી તારા પગના તળિયે,
તારી ખરબચડી યાત્રાનાં વરસો પર મને સ્પર્શનો લેપ કરી,

તારો થાક ઉતારવાની ઝંખના હતી,
પણ તારા પગ ક્યારેય અટક્યા નહીં.
હવે મારી ઘીવાળી આંગળીઓને જોયા કરું.

તું જ કહે મારા હાથ ક્યાં લૂછું?
મારી નજર પડી તારા કોરાકટ્ટ સાડલા પર,
મા, લૂછી નાખી આંગળીઓ!

શેરીમાંથી રમીને આવતોક, તને વળગી પડતો,
ઓઢી લેતો, તારો મેલોઘેલો સાડલો. ઘરકામની સુગંધથી સુંવાળો!
મને બહાર આવવાની જરા પણ મરજી નહીં

પણ આજે તારા કોરાકટ્ટ સાડલાની ધાર વાગી મને સાવ અજાણ્યો!
ઘીના પ્રતાપે કઠોર જ્વાળાઓ ફૂંકાવા લાગી,
કોરાકટ્ટ સાડલાની હૂંફમાં તને સુખ પામતી જોવા લાગ્યો.  
-જયેશ ભોગાયતા
માહૂંફ આપે છે, હાશ આપે છે અને પોતે કદી પામતી નથી! એનું સંતાન, જેના મનમાં પોતાની માને હાશ આપવાની ઝંખના છે એને માટેય એ ક્ષણ આવતાં આવતાં આખરે માની ચિતાની આગ સુધી પહોંચી જવાયું હોય છે, જ્યાં એ નક્કી નથી કરી શકાતું કે માને કદાચ હવે સુખ મળ્યું કે શું? જીવનભર તો એના હાથ-પગ ક્યારેય અટક્યા નહીં. શ્વાસ અને લોહીના પરિભ્રમણ સાથે તાલ પુરાવતા જ રહ્યા. માને રાહત આપવા ‘આમ કરીશ’નું આયોજન આવતીકાલને આજમાં ઓગાળતું રહ્યું. સરવાળે છેલ્લી ઘડીએ આંખ સામે સતત અને સખત પરિશ્રમભર્યું જીવન ધુમાડો બનીને વિલીન થતું રહ્યું.

હવે સ્મરણોમાં છલકાય છે મા. એને માટે પોતાની જાતની કોઈ અગ્રતા જ નહોતી. પોતાના સુખ-સુવિધા કે આરામ-સગવડનો એણે ક્યારેય વિચાર જ ન કર્યો, જીવનયાત્રા સમાપ્ત થવા સુધી. સંતાન ‘કાશ...’ના કઠેડામાં કેદી બનીને કોરું કલ્પાંત કર્યા કરે છે. અલબત્ત માને કોઈ ફરિયાદ નથી. એણે તો પોતાનું જીવનકર્મ પૂરું કર્યું છે. આ માત્ર નાયકની જ નહીં, મોટાભાગનાં સંતાનોની વ્યથા છે. માના લલાટના લાલ ચાંદલામાં એનું પોતાનું જ નહીં, આખા ઘરનું સૌભાગ્ય છે.

પિતાનું અસ્તિત્વ જૂતાંની આવનજાવનમાં સીમિત રહી શકે, પણ માનો ચાંદલો દિવસ-રાત ઘરના ખૂણે ખૂણે એક નમણું હૂંફાળું અજવાળું ફેલાવ્યા કરે. બાળકની આંખમાં એ જ તગતગ્યા કરે. એના માટે એ જ સૂરજ ને એ જ ચંદ્ર. માનો ઘરકામ અને રસોડાની ગંધવાળો સાડલો બાળકને છુપાવા માટે કેવી ઓથ બને! દોસ્તો સાથેની સંતાકૂકડી હોય કે પિતાના  રોષથી બચવું હોય. માનો સાડલો ઈશ્વરની છાયા. માત્ર છુપાવા માટે જ નહીં, બાળક એનાથી પોતાના હાથ લૂછે કે નાક રગડે, માની આંખોમાંથી માત્ર વહાલ નીતરે. હવે એના શબ પર ઓઢાડેલા કોરા સાડલાની ધાર મનને વાગે છે અને એનો કશો ઉપાય નથી.
 
(Madhurima Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Magazines Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Article of Kavya Setu by Lata Hirani In Madhurima Magazine
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended