Home »Magazines »Madhurima» Article Of Healthy Women By Dr Smita Sharad Thakar In Madhurima Magazine

વંધ્યત્વ અને પુરુષ

Dr. Smita Sharad Thakar | Apr 17, 2017, 20:25 PM IST

  • વંધ્યત્વ અને પુરુષ,  madhurima news in gujarati
વંધ્યત્વ અને પુરુષ

શગુફ્તાએ બૂરખો હટાવ્યો અને મારી સાથે વાત કરવાની શરૂઆત કરી, ‘મેડમ, મેરી શાદી કો દો સાલ હોને વાલે હૈ. અભી તક મૈં એક બાર ભી...’ મુસલમાન ઔરત હતી. કદાચ પહેલી વાર ગાયનેકોલોજિસ્ટ પાસે આવી હશે. એટલે શરમાઈને અટકી ગઈ, પણ એની આંખો બધું કહી રહી હતી. એને ગર્ભ રહેતો ન હતો. સાદી ભાષામાં એને વંધ્યત્વ કહે છે, પણ હવે તો અલ્પશિક્ષિત લોકો પણ વંધ્યત્વ કરતાં ઇન્ફર્ટિલિટી કે સ્ટરીલિટી જેવા અંગ્રેજી શબ્દો વધુ સમજતાં થઈ ગયા છે.

મેં પૂછ્યું, ‘હું ગુજરાતીમાં વાત કરું તો ચાલશેને?’
‘હા, બહેન! હું બી.એ. પાસ છું. મને ગુજરાતી બોલતા ફાવે છે.’
‘શગુફ્તા, તેં અત્યાર સુધીમાં કોઈ ડોક્ટર પાસે જઈને તપાસ કરાવી છે? કોઈ રિપોર્ટ્સ કે...?’

‘ના બહેન! હું પહેલી વાર જ તમને મળવા આવી છું.’ ‘તો મારે તને કેટલીક સમજણ આપવી પડશે. ક્યારેક સારવાર કરતાં વધારે અગત્યની સમજણ હોય છે.’ ‘તો સમજાવોને બહેન!’
‘સૌથી પહેલાં તો તારે એ જાણી લેવું જોઈએ કે કોઈ પણ ખામી ન હોય તેવાં દંપતીઓ પણ તદ્દન સહેલાઈથી ગર્ભધારણ કરી શકતાં નથી. કોઈ પણ જાતના કુટુંબનિયોજનનાં સાધનો ન વાપરતાં હોય એવાં સો યુગલોમાંથી ફક્ત 22 યુગલો લગ્નના પહેલા મહિનામાં ગર્ભધારણ કરે છે. ત્રણ મહિનાના અંતે પચાસ ટકા, છ મહિનાના અંતે પંચોતેર ટકા અને બાર મહિનાના અંતે 90 ટકા યુગલો ગર્ભધારણ કરી શકે છે. દર સો યુગલોમાંથી 10થી 15 ટકા યુગલો બે વર્ષના અંતે પણ બાળક મેળવી શકતાં નથી, જેમને યોગ્ય નિદાન અને સારવારની જરૂર પડે છે.’

‘બહેન, આવું થવા પાછળ જવાબદાર તો ઔરત જ હોયને?’
‘ના, એ ખોટી માન્યતા છે. વંધ્યત્વનાં 100 યુગલોમાંથી 40 ટકા સ્ત્રીની ખામીને કારણે, 40 ટકા પુરુષની ખામીને કારણે અને 20 ટકા બંનેની ખામીને કારણે બાળક મેળવવામાં નિષ્ફળ રહે છે.’
‘તો પછી દોષનો ટોપલો માત્ર ઔરત પર જ શા માટે ઢોળી દેવાય છે?’

‘કારણ કે આપણો સમાજ પુરુષપ્રધાન સમાજ છે માટે. જોકે, હવે સ્થિતિ બદલાતી જાય છે. સ્ત્રીઓ બોલવા લાગી છે. પુરુષોની આંખ ઊઘડવા માંડી છે. આ વિષયમાં અવેરનેસ આવતી જાય છે.’
‘બહેન, મારા કિસ્સામાં તમે શી સલાહ આપશો?’
‘તું આજે આવી છો એટલે હું તારી શારીરિક તપાસ તો કરી જ લઈશ, પણ પછી સૌથી પહેલું કામ હું તારા પતિના વીર્યનું પરીક્ષણ કરાવવાની આપીશ.’

‘યા અલ્લાહ! મેરા ઘરવાલા તો નહીં માનેગા!’
‘કેમ નહીં માને? તું એક વાર એને મારી પાસે લઈ આવજે. હું એને શાંતિથી સમજાવીશ. એને પણ બાપ બનવાની તમન્ના હશેને? એ જરૂર મારી સલાહ સ્વીકારશે.’
‘બહેન, એક સવાલ કરું? પુરુષની તપાસમાં ખામી હોઈ શકે ખરી?’

‘હોઈ શકેને? આજકાલ તો એનો દર વધતો જાય છે. આજની માનસિક તણાવયુક્ત જિંદગી, પર્યાવરણની અસર, તમાકુ અને આલ્કોહોલ જેવાં વ્યસનોની અસર પુરુષોના જાતીય જીવન પર તથા શુક્રાણુની સંખ્યા અને ગુણવત્તા પર પડી છે. વિશ્વભરમાં પુરુષની ખામીને લીધે જોવા મળતાં વંધ્યત્વનું પ્રમાણ ક્રમશ: વધતું જાય છે.’
શગુફ્તાએ માથું હલાવ્યું, ‘બહેન, આપની વાત સાંભળીને મને ઘણું બધું સમજાઈ ગયું છે. તમે મારી તપાસ કરી લો, પછી મને એપોઇન્ટમેન્ટ આપો એ દિવસે હું મારા ઘરવાળાને લઈને તમારી પાસે આવી જઈશ.

અમારી સારવારની શરૂઆત એનો રિપોર્ટ કઢાવવાથી જ કરીશું. શુક્રિયા મેડમ!’ અને મેં શગુફ્તાને તપાસવાના ટેબલ પર લીધી.
(Madhurima Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Magazines Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Article of Healthy Women by Dr Smita Sharad Thakar In Madhurima Magazine
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended