Home »Magazines »Madhurima» Article Of Ek Bija Ne Gamta Rahiye By Kajal Oza Vaidya In Madhurima Magazine

સમાનતા એટલે સરખા હક્ક, યસ, પણ સરખી જવાબદારી નહીં?

Kajal Oza Vaidya | Apr 17, 2017, 20:19 PM IST

  • સમાનતા એટલે સરખા હક્ક, યસ, પણ સરખી જવાબદારી નહીં?,  madhurima news in gujarati
સમાનતા એટલે સરખા હક્ક, યસ, પણ સરખી જવાબદારી નહીં?
તમે જે કહ્યું એનાથી મારી વાઇફને બહુ દુ:ખ થયું છે. એ રડી રહી છે.’ એક જણે બીજી વ્યક્તિને કહ્યું. વાત તદ્દન પ્રોફેશનલ અથવા બિઝનેસ સાથે જોડાયેલી હતી. આપેલા વચન મુજબ કામ ન થાય કે કહ્યા મુજબ વસ્તુ ડિલિવર ન થઈ શકે તો ક્લાયન્ટને ફરિયાદ કરવાનો અધિકાર હોય જ. ફક્ત બિઝનેસના ઉસૂલ નહીં, પણ કાયદો પણ કન્ઝ્યૂમર પ્રોટેક્શનની વાત કરે છે. આમાં જ્યારે સ્ત્રી કર્મચારી સાથે કામ કરવાનું હોય ત્યારે એક વિચિત્ર પ્રકારની મુશ્કેલી નડે છે!

સામાન્ય રીતે પોતાની જાતને વ્યાવસાયિક ગણાવતી કે નાની નાની વાતમાં ‘પ્રોફેશનાલિઝમ’ની વાતો કરતી સ્ત્રીઓને જ્યારે કશુંક સ્પષ્ટ, મોઢે કે જરાક કડક રીતે કહેવામાં આવે ત્યારે એ રડવા માડે છે. આંસુ એ સ્ત્રીનું ઘરેણું છે, એનો શૃંગાર છે, એની ઋજુતા છે, એનું સ્ત્રીત્વ છે, એનું સત્ત્વ છે કે પછી એનું સ્વત્વ છે. કબૂલ, પરંતુ સ્ત્રી જ્યારે એને હથિયાર બનાવે છે ત્યારે એની સાથે કેવી રીતે કામ પાડવું એ ઘણા પુરુષોને નહીં, સ્ત્રીઓને પણ સમજાતું નથી.

હમણાં થોડા વખતથી એક નવો ટ્રેન્ડ બજારમાં આવ્યો છે. યુવાન પતિ-પત્ની સાથે મળીને બિઝનેસ કે સ્ટાર્ટઅપ શરૂ કરે. પતિ માર્કેટિંગમાં રસ લે અને પત્ની ઓનલાઇન કે બીજી રીતે પ્રોફેશન સંભાળે. આ બહુ આવકારદાયક પગલું છે. સાથે મળીને કામ કરતાં પતિ-પત્ની એકબીજાની તકલીફ, સંઘર્ષ અને વ્યવસાયમાં આવતી સમસ્યાને સાથે મળીને સમજે અને ઉકેલે તો કદાચ એમના લગ્નજીવનમાં પણ એક નવો રંગ ઉમેરાય. પ્રશ્ન ત્યાં છે કે, સાથે કામ કરતાં પતિ-પત્નીની બાબતમાં આવા કિસ્સા અવારનવાર બનતા હોય છે.

પત્ની કામ કરવા માગે છે, પણ એનાથી એ કામમાં ભૂલ કે કામ સાથે જોડાયેલી કેટલીક કડવી સચ્ચાઈઓ સાંભળી શકાતી નથી. ક્લાયન્ટની ફરિયાદ કે જરાક આકરા શબ્દો સામે પત્ની રડવા લાગે છે. એ સમયે પતિ એક પ્રોફેશનલની જેમ વર્તવાને બદલે પૂરો પાક્કો, આખ્ખો હિન્દુસ્તાની પતિ બની જાય છે. પત્નીની આંખમાંથી ટપકેલાં આંસુનો બદલો લેવા આવો પતિ મરણિયો બનીને ઝઝૂમે છે! ફરિયાદ કરનાર ક્લાયન્ટ બિચારા ભોંઠા પડી જાય, ઝંખવાઈ જાય. એની ફરિયાદ સાચી હોય તો પણ એને અપરાધભાવ થાય એવો પ્રયાસ આ યુગલ મળીને કરે છે. કેટલાક પ્રોફેશનમાં પૈસા એડવાન્સ લેવામાં આવે છે.

ક્વોર્ટરની ફી કે હેન્ડલિંગ ચાર્જિસ, મેઇન્ટેનન્સ કોન્ટ્રાક્ટ કે ડિઝાઇન ફી જેવી રકમ અગાઉથી ચૂકવી હોય એ પછી પણ જો સર્વિસ બરાબર આપવામાં ન આવે તો ક્લાયન્ટને ફરિયાદ કરવાનો અધિકાર છે કે નહીં? જો અધિકાર છે તો ક્લાયન્ટની ફરિયાદ સાંભળવાની જવાબદારી જેણે એડવાન્સ પૈસા લીધા છે એની છે કે નહીં? જો આ બંને સવાલનો જવાબ હા હોય તો રડીને નૌટંકી કરવાને બદલે જે સ્ત્રી પોતાને વ્યાવસાયિક કે પ્રોફેશનલ ગણાવતી હોય એણે ક્લાયન્ટની ફરિયાદનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરવો જોઈએ.

ફરિયાદ જો સાચી હોય તો એનું સમાધાન થવું જોઈએ અને જો ખોટી હોય તો પૂરી ઈમાનદારી અને આત્મવિશ્વાસથી એ ગ્રાહક સાથે દલીલ કરવાની આવડત સ્ત્રીમાં હોવી જોઈએ, ન હોય તો કેળવવી જોઈએ.
કેટલીયે કોર્પોરેટ કંપનીમાં એવો નિયમ છે કે, પતિ-પત્ની એક જ કંપનીમાં સાથે કામ ન કરી શકે. એક સાથે કામ કરતા બે કર્મચારીઓ જો પ્રેમમાં પડે અને લગ્ન કરે તો બેમાંથી એકે એ કંપની છોડવી પડે. આમ જોઈએ તો હ્યુમન રાઇટ્સવાળા આ કાયદાની સામે ઊહાપોહ કરી રહ્યા છે, પરંતુ પ્રેક્ટિકલી જોઈએ તો સમજાય કે આ સત્ય છે.

ઓફિસમાં દાખલ થયા પછી કે કામ કરતી વખતે જો પતિ-પત્ની સહકર્મચારી ન રહી શકવાના હોય તો એમણે પોતાના ઇમોશનલ અને પ્રોફેશનની વચ્ચે ક્યાંક બેલેન્સ કેળવવું પડે. સવાલ એ નથી કે પતિ-પત્નીએ સાથે કામ કરવું જોઈએ કે નહીં, સવાલ એ છે કે સાથે કામ કરતાં પતિ-પત્નીએ, પ્રેમી-પ્રેમિકાએ, ભાઈ-બહેને પણ કામ કરતી વખતે વ્યાવસાયિક અભિગમ અપનાવવો જોઈએ. એક જ કંપનીમાં બે ડિપાર્ટમેન્ટ હોય, તદ્દન જુદા અને એકબીજાના કામમાં દખલ નહીં કરવાની શરત સાથે જો બે જણા કામ કરે તો કદાચ એ કામ વધુ સારી રીતે અને વધુ પ્રોફેશનલી થઈ શકે, પરંતુ આપણે ગમે તેટલું કહીએ તો પણ ભારતીય વિચારધારા અને પરિવેશમાં પ્રોફેશનાલિઝમ નામનો શબ્દ હજી જોઈએ તેવો અને તેટલો સ્વીકારાયો નથી. આપણે ત્યાં હજી કોર્પોરેટ પણ પેઢીની જેમ જ વપરાય છે.

પિતાની ગાદી પર દીકરો બેસે અને હવે તો કદાચ દીકરી પણ બેસે ત્યારે એને કંપનીની જેમ નહીં, પણ વારસાની જેમ ટ્રીટ કરવામાં આવે છે. આવી જ રીતે પતિ-પત્ની સાથે કામ કરતાં હોય ત્યારે પણ વ્યવસાયને બદલે વ્યવહાર વચ્ચે આવી જાય છે. કામ કરતી વખતે પ્રોટેક્ટિવ થવાનો કે પોતાના પતિપણાને પ્રૂવ કરવાનો પ્રયાસ કેટલો ફની હોય છે! સ્ત્રી કૌટુંબિક જવાબદારીઓ, તબિયત અને બીજી કેટલીયે ચીજોને આગળ ધરીને નોકરી અને વ્યવસાયમાં સ્વાભાવિકપણે ડિસ્કાઉન્ટ માગતી થઈ જાય છે. આમાં કશું ખોટું છે એવો કહેવાનો આશય નથી, અગત્યની બાબત એ છે કે પુરુષ પાસેથી પૂરા સમયના કામની અપેક્ષા રખાય છે તો સ્ત્રીને એ બાબતમાં વારંવાર ડિસ્કાઉન્ટ માગવાનો અધિકાર છે?

સાચું એ પણ છે કે સ્ત્રીએ ઘરે જઈને બેવડી જવાબદારી નિભાવવાની હોય છે. મધ્યમવર્ગની સ્ત્રીઓ વોશિંગ મશીન ચાલુ કરવાથી  લઇને બાળકના હોમવર્ક, રસોઈ અને સાસુ-સસરા કે માતા-પિતાના સ્વાસ્થ્ય સુધીની જવાબદારી લે છે. આ માટે એમને સલામ કરવી જોઈએ. આપણે એનું સન્માન કરી શકીએ, પરંતુ જ્યારે આર્થિક જવાબદારી કે અધિકારોની વાત આવે છે ત્યારે સમાનતા માગતી સ્ત્રીએ આ બાબતમાં સમાન ધોરણ સ્વીકારવા જોઈએ. આપણને સ્ત્રીઓ માટે રિઝર્વેશન જોઈએ છે, બસની સીટથી શરૂ કરીને વિધાનસભાની સીટ સુધી, પરંતુ વાતે વાતે રડી પડતી, ખોટું લગાડતી કે પરિસ્થિતિને સમજીને એનો ઉકેલ નહીં શોધી શકતી સ્ત્રીઓ આ સીટ ઉપર બેસશે તો સાચે જ કોઈ કમાલ કરી શકશે ખરી?

બીજી મહત્ત્વની વાત એ છે કે, જે સ્ત્રીઓ પોતાને પુરુષ સમોવડી કહેવડાવતી હોય એમણે વ્યાવસાયિક રીતે ડીલ કરતાં પણ શીખવું જોઈએ. ફરિયાદ સાંભળી ન શકે, કોઈ ભૂલ બતાવે તો ખોટું લાગે અને કોઈ સાચું કહે તો રડીને એને ડરાવવાની આખીયે પ્રવૃત્તિ તદ્દન અનપ્રોફેશનલ, બિનવ્યાવસાયિક પ્રવૃત્તિ છે. જે સ્ત્રીઓ સાચા અર્થમાં ઇક્વાલિટી ઇચ્છતી હોય એણે ક્યારેક જોવું જોઈએ કે પુરુષ પોતાના વ્યવસાયમાં કેવી રીતે કામ કરે છે! શું પુરુષને કોઈ ખખડાવતું નથી? શું પુરુષને એના બોસ કે ક્લાયન્ટ ફરિયાદ કરતા નથી? શું પુરુષે ક્યારેક ખરી-ખોટી સાંભળવી પડતી નથી?

શું પુરુષને અપમાન નહીં લાગતું હોય? આપણે ઓફિસમાં કે વ્યવસાયમાં રડતા કેટલા પુરુષોને જોયા છે? પુરુષ સ્વભાવે સ્ટ્રોંગ છે એવું ધારી લઈએ તો પણ સ્ત્રીએ પુરુષ સાથે વ્યવસાયમાં બરાબરી કરવી હશે તો સ્ટ્રોંગ થવું જ પડશેને? આજના જમાનાની મજા એ છે કે સ્વતંત્રતા, પગાર, કાયદા અને અધિકારોની બાબતમાં સ્ત્રીઓને સમાનતા જોઈએ છે, પણ જવાબદારી, મહેનતની બાબતમાં કે આવા ઇમોશનલ ધક્કા સહેવાની બાબતમાં સ્ત્રી પોતાના સ્ત્રીત્વને ઢાલ બનાવીને આગળ ધરી દે છે.!

જે સમાનતા માગે છે, એને માટે ઝઝૂમે છે એમણે સમજવું પડશે કે સમાનતાનાં પલ્લાં બે બાજુ હોય છે. વ્યાવસાયિક જીવનમાં આવતી કે નોકરી કરવા માગતી સ્ત્રીઓએ શીખવાનું છે કે સરખા હક્ક ખરા જ, પણ સાથે જવાબદારી, સફળતા ખરી, સાથે સંઘર્ષ કરવાની તૈયારી પણ રાખવી જ પડે. વખાણ સાંભળવાં હોય તો ટીકા સાંભળવાની પણ તૈયારી કેળવવી પડે. આંસુ પાડવાથી ઉકેલ મળતા નથી. 
(Madhurima Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Magazines Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Article of Ek Bija Ne Gamta Rahiye by Kajal Oza Vaidya In Madhurima Magazine
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended