Home »Magazines »Kalash» Article Of Black And White By Ashu Patel In Kalash Magazine

આહ પાર્કિંગ! ઓહ પાર્કિંગ!

Ashu Patel | Apr 18, 2017, 20:57 PM IST

  • આહ પાર્કિંગ!  ઓહ પાર્કિંગ!,  kalash news in gujarati
આહ પાર્કિંગ!  ઓહ પાર્કિંગ!
બદલાતા સમય સાથે નવી નવી સમસ્યાઓ પણ ઊભી થતી જાય છે. આપણા દેશનાં મહાનગરોમાં હવે પાર્કિંગની સમસ્યા વધી રહી છે. એમાંય મુંબઈ અને દિલ્હી જેવાં મહાનગરોમાં તો પાર્કિંગને કારણે અકલ્પ્ય સ્થિતિ ઊભી થઈ રહી છે. પાર્કિંગને કારણે સોસાયટીઝમાં ઝઘડાઓ થતા રહે છે. આવા ઝઘડાઓ ક્યારેક મારામારી સુધી પહોંચે છે અને કોઈ-કોઈ સંજોગોમાં કોર્ટ સુધી તો ક્યારેક ખૂન સુધી પહોંચી જાય છે!

બીજી બાજુ મહાનગરોમાં પાર્કિંગની કિંમત રાતે ન વધે એટલી દિવસે અને દિવસે ન વધે એટલી રાતે વધી રહી છે. નાનાં શહેરોમાં જેટલી રકમમાં ફ્લેટ ખરીદી શકાય એટલી રકમ મુંબઈમાં પાર્કિંગ ખરીદવા માટે આપવી પડે છે. મુંબઈમાં પાર્કિંગની કિંમતની વાત કરીએ તો, મુંબઈ મ્યુનિસિપલના છેવાડે કાંદિવલી કે બોરીવલી જેવાં ઉપનગરોમાં નવી સોસાયટીઝમાં એક પાર્કિંગ માટે રૂપિયા સાતથી બાર લાખ ચૂકવવા પડે છે. એક્સક્લુઝિવ પ્રોજેક્ટ્સ હોય તો આથી વધુ રકમ પણ ચૂકવવી પડે.

ઘણાં મુંબઈગરાઓ બીજી કાર ખરીદે ત્યારે તેમની કસોટી થાય છે. તેમની પાસે પૈસા હોય તો પણ તેઓ જે સોસાયટીમાં રહેતા હોય ત્યાં તેમણે ફ્લેટ ખરીદ્યો હોય ત્યારે એક પાર્કિંગ લીધું હોય, પણ પછી તેઓ બીજી કાર ખરીદે ત્યારે સોસાયટીમાં બીજું પાર્કિંગ મેળવવા તેમને આકાશપાતાળ એક કરવાં પડે છે. સોસાયટીમાં ઓપન પાર્કિંગ હોય તો એ પાર્કિંગ માટે તેમણે સેક્રેટરીને અને કમિટિને ભાઈસા’બબાપા કરવા પડે છે.

(જોકે, મોટાભાગે તો ઓપન પાર્કિંગ પણ બિલ્ડરે વેચી જ માર્યા હોય છે. એ વાત જુદી છે કે ઓપન પાર્કિંગ વેચવાની કાયદો પરવાનગી નથી આપતો, પણ ઘણાં બિલ્ડરો કાયદાને ઘોળીને પી જતા હોય છે. પહેલાં તો બધા જ બિલ્ડરો કાયદાની ઐસીતૈસી કરીને ઓપન પાર્કિંગ વેચી મારતા હતા. કેટલાક ખેપાની બિલ્ડરો તો સોસાયટીના ગાર્ડન માટેની કે બીજી અનામત જગ્યા પર પણ પાર્કિંગ લાઇન્સ દોરીને વેચી મારતા હતા. એટલે કે તેઓ એક જ જગ્યા બે વાર વેચતા હતા. એક વાર ગ્રાહકે ફ્લેટ ખરીદતી વખતે સુપર બિલ્ટઅપ તરીકે સોસાયટીની ઇંચેઇંચ જગ્યાનો ચાર્જ ચૂકવ્યો જ હોય. એ પછી લટકામાં ઓપન પાર્કિંગ વેચીને બિલ્ડર વધારાની રકમ પડાવી લેતા. જોકે, છેલ્લા થોડાં વર્ષોથી મુંબઈગરાઓમાં જાગૃત્તિ આવી છે અને અદાલતો પણ બિલ્ડરો પ્રત્યે કડક વલણ અપનાવતી થઈ છે એટલે ઓપન પાર્કિંગ વેચવાનો ધંધો હવે બિલ્ડરોને બંધ કરવો પડ્યો છે.)

ઓપન પાર્કિંગ હોય તો પણ કેટલીક સોસાયટીમાં રોટેશન પ્રમાણે દર વર્ષે પાર્કિંગ અેલોટ કરાય છે. તો અમુક સોસાયટીમાં લોટરી સિસ્ટમથી પાર્કિંગ પ્લેસ એલોટ કરાય છે. જેને લોટરી લાગે એ પોતાની કાર સોસાયટીના કમ્પાઉન્ડમાં એક વર્ષ માટે પાર્ક કરી શકે અને જેમને લોટરી ન લાગે તેમણે કાર સોસાયટી બહાર રોડ પર પાર્ક કરવી પડે. જોકે, રોડ પર પાર્કિંગ મેળવવું પણ લોટરી લાગવા જેવું જ થતું જાય છે.

મુંબઈમાં રાતે તમે નાના નાના રસ્તાઓ પર નીકળો તો લાઇનબંઘ કાર પાર્ક થયેલી જોવા મળે. એટલે કાર પાર્ક કરવા માટે ફાંફાં મારવાં પડે અને હવે તો કાર રસ્તા પર પાર્ક કરવા માટે મુંબઈ મ્યુનિસપલ કોર્પોરેશન પણ ચાર્જ વસૂલવાનું છે. સોસાયટીની આજુબાજુ રસ્તા પર કાર પાર્ક કરવા માટે મુંબઈગરાઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનને મહિને 3000 રૂપિયા ચૂકવવા પડશે. જે સોસાયટીમાં રહેતા હોય એ સોસાયટીમાં બીજું કાર પાર્કિંગ મેળવવા માટે ઘણા મુંબઈગરાઓ મોંમાગી કિંમત ચૂકવવા તૈયાર હોય છે.

ઘણી સોસાયટી ઓપન સ્પેસમાં કાર પાર્ક કરવા માટે રહેવાસીઓ પાસે પાંચ હજાર રૂપિયા જેવી રકમ ચાર્જ કરતી હોય છે. પાર્કિંગ મળતું હોય તો મુંબઈગરાઓ એટલી રકમ હોંશે હોંશે ચૂકવી આપવા તૈયાર હોય છે, પણ મોટાભાગની સોસાયટીઝમાં તો પાર્કિંગ માટે જગ્યા બચી જ નથી હોતી એટલે દર મહિને હજારો રૂપિયા આપીને પણ પાર્કિંગ મેળવવાનું અત્યંત મુશ્કેલ બની રહે છે. પાર્કિંગની માથાકૂટને કારણે મુંબઈની સોસાયટીઝમાં અને કમર્શિયલ કોમ્પ્લેક્સીસમાં લિફ્ટવાળા પાર્કિંગ કોમન બનતા જાય છે. ઘણા પ્રોજેક્ટ્સમાં મલ્ટિ લેવલ પાર્કિંગ પણ જોવા મળે છે.

સોસાયટીઝની જેમ મુંબઈના રસ્તાઓ પર પણ પાર્કિંગ શોધવાનું કામ મુશ્કેલ બનતું જાય છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કિંગ લોટ્સમાં પણ પાર્કિંગ મેળ‌વવાનું દિનપ્રતિદિન મુશ્કેલ બનતું જાય છે. દાઝ્યા પર ડામની જેમ મુનિસિપલ કોર્પોરેશને પાર્કિંગ લોટ્સમાં પાર્કિંગની ફી ત્રણ ગણી કરી નાખી છે. ફરી મુંબઈની સોસાયટીઝમાં પાર્કિંગના ભાવની વાત કરીએ તો, મુંબઈના અંધેરી અને વિલે પાર્લે જેવા વિસ્તારોમાં એક કાર પાર્કિંગનો ભાવ બારથી અઢાર લાખ ચાલે છે. મોટા પ્રોજેક્ટમાં એથી વધુ ભાવ પણ હોઈ શકે.

જૂહુમાં તો પાર્કિંગ માટે રૂપિયા પચીસ-ત્રીસ લાખ ગણી આપવાની તૈયારી રાખવી પડે. બાંદ્રા વિસ્તારની સોસાયટીઝમાં પણ પચીસેક લાખ રૂપિયાં તો સહેજ આપવા પડે અને બહુ પોશ સોસાયટી હોય તો એ રકમ એથી પણ વધુ ઉપર જઈ શકે. દાદર અને વર્લી વિસ્તારમાં પણ વીસથી પચીસ લાખ રૂપિયાં પાર્કિંગ માટે ચૂકવવા પડે. પોશ સોસાયટીમાં એથી ખાસ્સી વધુ રકમ ખર્ચવી પડે. નરીમાન પોઇન્ટ વિસ્તારમાં તો પાર્કિંગની કિંમત 60 લાખથી 70 લાખ રૂપિયા સુધી ચાલે છે. આટલી રકમમાં તો ગુજરાતનાં નાનાં શહેરોમાં બંગલો આવી જાય.

અમદાવાદ, રાજકોટ કે સુરત જેવાં શહેરોના છેવાડાના વિસ્તારોમાં આટલી રકમમાં થ્રી બીએચકે ફ્લેટ ખરીદી શકાય. ઘણા મુંબઈગરાઓએ જેટલી રકમ કાર પાર્કિંગ ખરીદવા માટે ચૂકવી હોય છે એનાથી ત્રીજા કે ચોથા ભાગની કિંમતની કાર તેઓ વાપરતા હોય છે. હવે અદાલતો કડક વલણ અપનાવીને કહી રહી છે કે બિલ્ડરોએ ફ્લેટની સાથે પાર્કિંગ આપવું જ પડે, પણ ગ્રાહકોએ હજી ફ્લેટ લેતી વખતે પાર્કિંગના પૈસા અલગ ચૂકવવા પડે છે. બિલ્ડરો પાર્કિંગના અલગ પૈસા ન માગે તો ફ્લેટની કિંમતમાં પાર્કિંગના પૈસા ગણી લે. એટલે આમ નહીં તો આમ પણ તેઓ પાર્કિંગની કિંમત તો વસૂલી જ લે છે.

પાર્કિંગની માથાકૂટ એટલી વધતી જાય છે કે સમયાંતરે પાર્કિંગને મુદ્દે થતા ઝઘડાઓ વિશે અખબારો કે ટીવી, ચેનલ્સમાં ન્યૂઝ જોવા મળે છે. ગયા ફેબ્રુઆરી મહિનામાં મુંઈના અંધેરી ઉપનગરમાં અંબોલી વિસ્તારની ભીમછાયા સોસાયટીમાં કિશોર શિર્કે અને સુભાષ માને નામના બે રહેવાસી વચ્ચે ઝઘડો થઈ ગયો. અગાઉ પણ બંને વચ્ચે પાર્કિંગ મુદ્દે ઝઘડાઓ થયા હતા, પણ પહેલી ફેબ્રુઆરીએ એ બંને વચ્ચે ઝઘડો ઉગ્ર બની ગયો અને કિશોર શિર્કેએ સુભાષ માનેને છરી મારી દીધી. 73 વર્ષીય સુભાષ કમોતે માર્યા ગયા અને 50 વર્ષીય કિશોર શિર્કેએ ખૂનના આરોપ હેઠળ જેલભેગા થવું પડ્યું.

3 નવેમ્બર, 2016ના દિવસે મુંબઈના એન્ટોપ હિલ વિસ્તારમાં પાર્કિંગને મુદ્દે આવી જ એક ઘટના બની હતી જેમાં 26 વર્ષીય સૈયદ રશીદ શેખનું ખૂન થઈ ગયું હતું. પાર્કિંગને માટે પડોશીઓ વચ્ચે જ ઝઘડાઓની ઘટના બનતી હોય એવું જ નથી. એક જ કુટુંબના સભ્યો વચ્ચે પણ પાર્કિંગને કારણે જામી પડતી હોય એવા પણ કિસ્સાઓ બનતા રહે છે. મુંબઈના પોશ વિસ્તાર કફ પરેડમાં રહેતા એક પ્રતિષ્ઠિત હોટેલિયરનો તેની સગી બહેન સાથે પાર્કિંગને મુદ્દે ઝઘડો થયો એ અખબારોમાં અને ટીવી ન્યૂઝ ચેનલ્સમાં બહુ ગાજ્યો. મુંબઈમાં રેસ્ટારાંની ચેઇન ધરાવતા લલિત ડીસોઝાની ગર્લફ્રેન્ડે તેની કાર જે રીતે પાર્ક કરી હતી એથી લલિતની બહેન લૌર્ના ઉશ્કેરાઈ ગઈ હતી.

તે જ્યારે પાર્કિંગ એરિયામાં પોતાની કાર પાર્ક કરવા ગઈ ત્યારે ભાઈની ગર્લફ્રેન્ડની કાર તેના પાર્કિંગ આડે ઊભેલી જોઈને તે ઉશ્કેરાઈ ગઈ. એ વખતે સવારના સાડા ત્રણ વાગ્યા હતા. લૌર્નાએ વોચમેનને કહીને લલિતને નીચે બોલાવ્યો. લલિત નીચે આવ્યો એટલે લૌર્નાએ તેની સાથે ઝઘડો કર્યો. બંને વચ્ચે ઉગ્ર શબ્દોની આપ-લે થઈ. ઉશ્કેરાઈ ગયેલા લલિત ડીસોઝાએ લૌર્નાના શરીરમાં છ ગોળીઓ ધરબી દીધી!
આ તો મુંબઈમાં પાર્કિંગની પળોજણની વાત થઈ, દિલ્હી અને અન્ય શહેરોમાં પાર્કિંગની સમસ્યા અને તેને કારણે થતા કેસકબાડા અને ખૂનખરાબાની ફરી ક્યારેક વાત કરીશું.
 
(Kalash Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Magazines Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Article of Black and White by Ashu Patel in Kalash Magazine
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended