Home »Magazines »Kalash» Article Of Bagavat By Pranav Golwelkar In Kalash Magazine

બ્લેક વુમન : ત્વચાની આરપાર મગજની અંદર બહાર

Pranav Golwelkar | Apr 18, 2017, 20:55 PM IST

  • બ્લેક વુમન : ત્વચાની આરપાર મગજની અંદર બહાર,  kalash news in gujarati
બ્લેક વુમન : ત્વચાની આરપાર મગજની અંદર બહાર
હની, ઇફ યુ આર રીડિંગ ધિસ, યુ આર ગોઇંગ ટુ બી એ સક્સેસફુલ બ્લેક વુમન- અજ્ઞાત
આગળ લખતાં પહેલાં એક સ્પષ્ટતા. તદ્દન કાળામેંશ, મોટું, બેડોળ, ચપટું નાક ધરાવતા કાગડાના માળા જેવા વાળ ધરાવનારા તદ્દન કાળા મેંશ લોકો કોઈને જોવા ગમતા નથી. આંતરિક સૌંદર્ય જોવાની વાતો ઘટિયા કિસમનો બકવાસ છે. આંતરિક સૌંદર્ય લોકોને ગમતું હોત તો મોેબાઇલ ફોનમાં અત્યાર સુધી X-Ray લેવાના કેમેરા આવી ગયા હોત અને લોકો ઘરમાં પોતાનો X-Ray ટાંગતા હોત.

વાત અહીં ગોરાપણાના ઝનૂનની છે. આપણે દુિનયાની સૌથી વધુ કટ્ટર રંગભેદી પ્રજા છીએ. લગ્નવિષયક જાહેરખબર જુઓ. એક જાહેરખબર એવી નહીં મળે જેમાં કોઈએ લખ્યું હોય કે ‘રંગનો બાધ નથી!’. જ્ઞાતિ અરે! ધર્મનો બાધ દૂર થઈ શકે છે, પણ ભારતીયો માટે રંગનો બાધ દૂર કરવો અશક્ય છે. ફિલ્મ એક્ટર અભય દેઓલે ગોરા કરવાની ક્રીમના મામલે શાહરુખ સહિતના બીજા સ્ટાર્સને આડે હાથે લીધા ત્યારથી આ મુદ્દો ફરી સપાટી પર આવ્યો છે.

આ વિવાદ હજુ આગળ વધે તેવી તમામ સંભાવનાઓ છે. ગોરાપણા માટેના પ્રયત્નો પ્રથમ વારના નથી અને ચોક્કસપણે છેલ્લી  વારના નથી.આપણાં પ્રાચીન શાસ્ત્રો હળદર-ચંદનના લેપની અને દૂધ અને કેસરનાં પાનની હિમાયત કરતા હતા. આ ગોરાપણાના નુસખાથી વિશેષ કશું નથી. સ્ત્રીઓ માટે ગોરા હોવાનું ઝનૂન હજુ સમજી શકાય એવું છે, પણ પુરુષો? સફેદ, કોમળ ચામડીવાળો કોમળ અંગોવાળો પુરુષ ગે જેવો વધુ લાગતો હોય છે.

સ્ત્રીઓને જે બાબતો સુંદર બનાવે એ જ બાબતો પુરુષોને પણ સુંદર બનાવે એવું કઈ રીતે હોઈ શકે? પુરુષ રફ-ટફ જ હોવાે જોઈએ. તડકામાં તપેલી - થોડી બળેલી ચામડી જ પુરુષને શોભે. ઓશોએ આપણા દેવોનાં ચિત્રો વિશે કહ્યું હતું કે દેવો, જે દેવોએ ખૂંખાર યુદ્ધો કર્યાં છે એ દેવો આટલા કોમળ કેવી રીતે દેખાઈ શકે? એમણે કહ્યું કે, દેવોના મોટાભાગનાં ચિત્રો પુરુષોએ દોર્યાં હતાં અને પુરુષ માટે સુંદરતાનો માપદંડ એટલે સ્ત્રી.

એટલે દેવોને સુંદર બનાવવા માટે પુરુષ ચિત્રકારોએ સ્ત્રીઓને નજર સમક્ષ રાખી અને દેવોને સુકુમાર કોમળ બનાવી દીધા! આપણા ફિલ્મકારો પણ આવા સિન્ડ્રોમથી પીડાય છે. 40-40 યુદ્ધો જીતનારો બાજીરાવ... એના શરીર પર એક પણ જખમ ન હોય એ કેવી રીતે શક્ય છે? બાજીરાવ મસ્તાનીમાં બાજીરાવને જોયા પછી લાગે છે કે, ભણસાલીનો બાજીરાવ યુદ્ધોમાં ઓછો અને બ્યૂટીપાર્લરમાં વધુ જતો હશે. હવે ભણસાલીનો ‘ખિલજી’ પણ આવો જ ‘સુંદર’ દેખાતો હોવાની શક્યતા વધુ છે.

સ્ત્રીઓ માટે રંગની સફેદાઈ કરતાં આત્મવિશ્વાસ અને ફિગર વધુ મહત્ત્વનો ભાગ ભજવે છે. ફિગર સાચવવું એ પાણીપૂરી ખાવા જેવું સહેલું કામ નથી. આપણે ત્યાં સવારે જોગિંગ કરતી છોકરીઓ બહુ ઓછી જોવા મળે છે. મોટાભાગની છોકરીઓ માટે જિમિંગ કરવું એ ફેન્ટસી છે. જે કરવી બધાને છે, પણ કરતું કોઈ નથી! છોકરીઓનો રંગ કેવો હોવો જોઈએ? ગોરો? તો કેટલો ગોરો, ડાર્ક તો કેટલો ડાર્ક? કેવો ડાર્ક? ચોકલેટ જેવો ડાર્ક?? સુકાઈ ગયેલા રક્તના રંગની છોકરીઓ વધુ જીવંત લાગતી હોય છે.

ખેતરમાં કામ કરતી, કૂવેથી પાણી ખેંચી લાવતી સ્ત્રી ગોરી હોઈ શકે? ગોરી રહી શકે? આવી સ્ત્રીઓ સાચા અર્થમાં ‘ઓર્ગેનિક’ હોય છે. ઓર્ગેનિક સ્ત્રીનું ખેંચાણ ચુંબક જેવું હોય છે, પણ એ ચુંબક એના ફિગરમાંથી વધુ અને રંગમાંથી ઓછું આવે છે. ‘ધોળો દૂધ જેવો રંગ’ બગલાઓને જ શોભે, આવો રંગ સ્ત્રીઓ માટે અપ્રાકૃતિક છે. લિયોપોલ્ડ સેંઘાર બ્લેક વુમન માટે કહે છે,
‘નેકેડ વુમન, બ્લેક વુમન, ક્લોથ્ડ વિથ યોર કલર વ્હિચ ઇઝ લાઇફ વિથ યોર ફોર્મ વ્હિચ ઇઝ બ્યુટી’ ડાર્ક સ્ત્રીઓ માટે એના શરીરનો રંગ એ જ વસ્ત્ર છે અને એ ‘જીવંત’ છે.
કમનસીબે જીવંત સ્ત્રીઓ હવે વધુ જોવા મળતી નથી, ‘સફેદ’ સ્ત્રીઓ વધુ જોવા મળે છે!  

જનોઈવઢ :કાળી સ્ત્રીઓમાં લગભગ ડર પેદા કરે એવી સખ્તાઈ હોય છે. એ એટલી સખત હોય છે જાણે કે પગથી માથા સુધી સ્ટીલની બનેલી હોય.
- માયા
(Kalash Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Magazines Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Article of Bagavat by Pranav Golwelkar in Kalash Magazine
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended