Home »Magazines »Sunday Bhaskar» Aerial View By Manish Mehta In Sunday Bhaskar

સોશિયલ મીડિયા ફ્રેન્ડ-એનીમિ, પોલીસ, વકીલ, જજ બધું અહીં જ

Manish Mehta | Mar 04, 2017, 19:09 PM IST

  • સોશિયલ મીડિયા ફ્રેન્ડ-એનીમિ, પોલીસ, વકીલ, જજ બધું અહીં જ,  sunday bhaskar news in gujarati
સોશિયલ મીડિયા ફ્રેન્ડ-એનીમિ, પોલીસ, વકીલ, જજ બધું અહીં જ
આજે થોડી જુદા પ્રકારની વાત અને સરખામણી. ભારતના વિશાળ લોકતંત્રના જવાબદાર નાગરિક તરીકે તમે રહેતા હો અને માની લો કે તમારી સાથે કોઈ અન્યાય થાય કે તમે કોઈ અન્યાય જુઓ તો તમે ક્યાં જાવ? માની લો કે કોઈએ ગુનો આચર્યો છે તો તમે ક્યાં જશો? સ્વાભાવિક છે કે તમે પોલીસ કે ન્યાયતંત્ર પાસે તેની રાવ કરો. આપણા બંધારણમાં આ વ્યવસ્થા ઊભી કરાઈ છે. પોલીસ ફરિયાદ નોંધે અને તપાસ કરે, તમારા સહિત જેની સામે તમારે ફરિયાદ નોંધાવવાની હોય તેના અને બંને પક્ષના આનુસંગિક સાક્ષીઓને પણ પૂછે.

તમે ભોગ બનનાર ફરિયાદી હો કે તમે આરોપી હો, આ કાર્યવાહી થાય. મામલો અદાલતમાં જાય અદાલત તમામ પક્ષોને સાંભળે અને તેના વિશે ફેંસલો આપવામાં વર્ષો વીતી જાય. બે-પાંચ કે વીસ-પચીસ વર્ષ પછી ચુકાદો આવે ત્યારે ફરિયાદી કે આરોપી બેમાંથી એકેયના જીવનમાં કોઈ સ્વાદ રહ્યો ન હોય.  હવે છે ઇન્સ્ટન્ટ જસ્ટિસ. સોશિયલ મીડિયાની આ ખૂબી અને ખામી બંને છે. તમે તમારી કોઈ ન ગમતી વાત કે ગમતી વાત સોશિયલ મીડિયામાં જો અભિપ્રાયના હેતુથી મૂકી તો ગણતરીની મિનિટોમાં તમારી પર જાન ન્યોચ્છાવર કરનારા અને તમારો જીવ લેનારા લોકોની આંગળીઓને ટશિયા ફૂટશે. બે મોટાં જૂથ બનશે.

પોસ્ટ મૂકનારાની અવસ્થા કંઈક આવી હોય છે. ઉત્સાહ, મોજ, આશ્ચર્ય, આઘાત અને પછી પસ્તાવો. સોશિયલ મીડિયા તલવાર કરતાંય વધુ તીક્ષ્ણ છે. સેકન્ડોમાં ધોરી નસ કપાઈ જાય અને માણસ તરફડવા માંડે એવું જ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકનારનું થાય છે. જે તમને ઓળખતા ન હોય એવા લોકો તમારી ઢાલ બનીને પહોંચે અને એવા જ અજાણ્યા લોકો તમારા પર વાર કરવા માંડે.  હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આ વાત આપણે કોની કરીએ છીએ. આ સોશિયલ મીડિયાના લેટેસ્ટ શિકાર બની છે એક આર્મી ઑફિસરની દીકરી ગુરમહેર કૌર.

તેના પિતા પાકિસ્તાન સામે લડતાં મોતને વહાલું કરીને ગયા પણ હાર્યા નહીં. ગુરમહેર 2 વર્ષની હતી ત્યારે તેના પિતા શહીદ થયા હતા. પિતા વિના 18 વર્ષ જીવનારી અને સંઘર્ષ કરીને 20 વર્ષે દિલ્હી યુનિવર્સિટી પહોંચનારી ગુરમહેર સોશિયલ મીડિયાના આક્રમણ સામે હારી ગઈ.  ગુરમહેરની પોસ્ટ પર સામાન્ય લોકો તો ઠીક સેલિબ્રિટીઝ પણ જોડાઈ. જોકે, આ કંઈ નવો ટ્રેન્ડ નથી. સેલિબ્રિટીઝ તેમનો ટીઆરપી વધારવા માટે આવું કરતી રહેતી હોય છે.

સતત ચર્ચામાં રહેવા ટેવાયેલા લોકોને હવે તેની આદત પડી ગઈ છે એટલે રોજ સવાર પડેને કોઈની પોસ્ટમાં કે કોઈ વિવાદમાં ઝંપલાવે અને વિવાદને વધુ વકરાવે. ગુરમહેરે અપમાન કરનારા સામે હાર સહન કરવી પડી. કેટલાક લોકોએ તેને દુષ્કર્મની ધમકી આપી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્ટુડન્ટ્સે આ છોકરીને પાકિસ્તાનને સપોર્ટ કરનારી અને કેટલાકે તો વળી દેશદ્રોહી બનાવી દીધી. સોશિયલ મીડિયાની આ સૌથી મોટી નબળાઈ છે.

તે કોઈ પણ માણસની કક્ષા એવરેસ્ટથી માંડીને પાતાળલોક સુધીની કરી નાખે છે. આ બધામાં સહેવાગ, ગંભીર જેવા લોકોએ બેટિંગ કરી નાખી. યોગેશ્વર કે ફોગટ પરિવારે કુસ્તી લડી લીધી તો જાવેદ અખ્તર જેવા પરિપક્વ લેખક શબ્દોનું સ્ખલન રોકી ન શક્યા. ઘણા સમયથી સોશિયલ મીડિયામાં જબરજસ્ત એક્ટિવ અમિતાભ બચ્ચન મર્યાદા ઓળંગતા પહેલાં ચેતી ગયા. તેમણે સમજી લીધું કે કંઈ પણ કહેવું એટલે ભડકો કરવા જેવી વાત. ખાસ કરીને ગુરમહેરના કિસ્સામાં.

જોકે, બચ્ચન ખુદ સોશિયલ મીડિયામાં ટીકા-અપમાનનો ભોગ બની ચૂક્યા છે, પણ બચ્ચન એ બાબતે પરિપક્વ છે કે સોશિયલ મીડિયામાં જો તમે એક્ટિવ હો તો આવું થઈ શકે અને તમારે એના માટે તૈયાર રહેવું જોઈએ. બચ્ચન તો સોશિયલ મીડિયા પરના તેમના ફોલોઅર્સને એક્સટેન્ડેડ ફેમિલી કહે છે, પણ સમસ્યા ત્યારે થાય જ્યારે આ ‘ફેમિલી મેમ્બર્સ’ તમારી અંગત જિંદગીમાં ઘૂસી જાય.  દરેક વાતની શરૂઆત અને તેનો અંત આપણે ત્યાં રાજકારણથી થાય છે.

એક નિર્દોષ છોકરીએ યુદ્ધ-શાંતિની વાત કરી તેમાં તો બધા એવી રીતે વર્તવા માંડ્યા કે જાણે એ આ દેશની ગુનેગાર હોય. આમાં કૉંગ્રેસ, ડાબેરી, અકાલી, ભાજપ બધાને જ રાજકારણ દેખાય છે. દેશના ફાઇનાન્સ મિનિસ્ટરે કહ્યું કે ભારત જ એવો દેશ છે જ્યાં રાષ્ટ્રવાદ ખરાબ શબ્દ છે. આ આખી સમસ્યાનું મૂળ છે રાષ્ટ્રવાદ અને વાણીસ્વાતંયની વ્યાખ્યા. આના અર્થઘટન માટે આપણે ત્યાં અદાલત છે, પણ અદાલતમાં શું છે કે તારીખ પે તારીખ. હવે રાહ કોણ જુએ. અત્યારે જ, આ ઘડીએ જ નક્કી કરી નાખો કે કોણ રાષ્ટ્રવાદી છે અને કોણ રાષ્ટ્રવિરોધી. સોશિયલ મીડિયાનો આ અતિ ઉતાવળિયો સ્વભાવ એક પ્રકારની અંધાધૂંધી સર્જી રહ્યો છે.

વાણી સ્વાતંયના નામે કંઈ પણ ચાલે છે. પ્રાયમરી ટીચિંગમાંથી હવે નાગરિકશાસ્ત્ર સબ્જેક્ટ કાઢી નાખવો જોઈએ, કારણ કે અહીં તો સૌને સોશિયલ મીડિયા થકી ખબર જ છે કે તેના અધિકારો અને ફરજો શું છે. નાગરિક શાસ્ત્રનું માળખું અને તેના વિશેનું આપણું અધકચરું જ્ઞાન આપણને ખાઈ તરફ ધકેલી રહ્યું છે. એવા અભિપ્રાયની ખાઈ જેમાં સૌ કોઈ કાદવ ઉછાળે છે અને 72 કલાકમાં નહાઈ-ધોઈને વિષય નિષ્ણાત તરીકે અને દેશના રક્ષક તરીકે બહાર આવે છે. એક શહીદની દીકરી રાષ્ટ્રવાદ અને વાણી સ્વાતંયના ખોટા અર્થઘટન મામલે હાર સ્વીકારે એનાથી મોટી કરુણ વાત શી હોઈ શકે?
 
 
(Sunday Bhaskar Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Magazines Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Aerial View By Manish Mehta In Sunday bhaskar
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended