Home »Literature »Navalkatha» Short Story On Sunday Bhaskar By Vibhavari Verma

પ્રિયાને લાગ્યું કે પેલું શાહમૃગ હવે રેતીમાં ખોસેલું મોં બહાર કાઢવા માટે તૈયાર હતું

Vibhavari Verma | May 19, 2017, 21:03 PM IST

  • પ્રિયાને લાગ્યું કે પેલું શાહમૃગ હવે રેતીમાં ખોસેલું મોં બહાર કાઢવા માટે તૈયાર હતું,  navalkatha news in gujarati
પ્રિયાને લાગ્યું કે પેલું શાહમૃગ હવે રેતીમાં ખોસેલું મોં બહાર કાઢવા માટે તૈયાર હતું
પ્રિયાની હાલત રણની રેતીમાં માથું ખોસીને ડરી રહેલા શાહમૃગ જેવી હતી. તેનો વિવાન સાથેનો વિડિયો વાઇરલ થયાને બાર કલાક વીતી ગયા હતા છતાં તે ‘ઇમોશનલ ફૂલ’ની જેમ છેલ્લા બે કલાકથી વિવાનની યાદોમાં ખોવાયેલી હતી. તેની ફ્રેન્ડ જાનકીએ પ્રિયાના ફેસબુક પેજીસના સ્ક્રીન-શોટ્સ લઇને લેપ-ટોપમાં એક ફોલ્ડર બનાવી આપ્યું હતું છતાં એ ખોલવાની તેની હિંમત થતી નહોતી.
સેંકડો વીંછીઓથી ભરેલો ફેસબુક નામનો દાબડો તેણે જાતે જ ખોલીને જોવાનો હતો... શું તે ઝેરીલા ડંખો માટે તૈયાર હતી ખરી?

આખરે, મનમાં હતી તેટલી હિંમત એકઠી કરીને પ્રિયાએ ધ્રૂજતા હાથે લેપ-ટોપ ખોલ્યું... અહીં કૉમેન્ટોની વણજાર લાગી હતી. ‘ઓહ, સો શોકિંગ!’ ‘અન-બીલિવેબલ!’ ‘ઇઝ ઇટ રિયલ, પ્રિયા?’ ‘વિવાન આવું કરશે તેની મને સહેજે કલ્પના નહોતી.’ ‘પ્રિયા, યુ આર રુઇન્ડ...’ શરૂઆતની આવી ડઝનબંધ કૉમેન્ટો પછી તેના ક્લાસની છોકરીઓની અસંખ્ય પોસ્ટનો સૂર લગભગ એક જ હતો. ‘વિવાન આસ્તિન કા સાપ નિકલા...’ ‘પ્રિયા શાંત પાણી ઊંડાં હોય છે.’ ‘હજી સમજી જા પ્રિયા, વિવાનનો શિકાર તું જ હતી, પહેલા જ દિવસથી.’

ક્લાસના છોકરાઓના રિ-એક્શન જરા ઠરેલ હતા. ‘પ્રિયા, બિ બ્રેવ...’ ‘જે થઇ ગયું તે થઇ ગયું. આગળ વિચાર કે હવે શું કરવાનું છે.’ ‘મારી કંઇ પણ હેલ્પની જરૂર હોય તો કહેજે.’ ‘ઓન અ પર્સનલ નોટ, આઇ બીલિવ, યુ ડિઝર્વ્ડ બેટર...’ માત્ર ક્લાસમેટ્સ જ નહીં, કૉલેજના પ્રોફેસર્સ અને પ્રિન્સિપાલની પણ ઠાવકી, ચિંતાજનક પોસ્ટ હતી. ‘પ્રિયા, જે કંઇ થઇ રહ્યું છે તે દુ:ખદ છે.’ ‘અમારા માટે આ બહુ આઘાતજનક સમાચાર છે.’ ‘મને ખબર નથી પ્રિયા, મેનેજમેન્ટ આ વાતે શી રીતે રિ-એક્ટ થશે...’

જોવાની વાત એ હતી કે એ જ પ્રોફેસર્સની બીજા લોકો સાથેની ચેટમાં આખો જુદો સૂર હતો. ‘સર, મને લાગે છે કે પ્રિયા અને વિવાનને સસ્પેન્ડ જ કરી દેવા જોઇએ.’ ‘આ ન ચલાવી લેવાય.’ ‘લિબરલ હોવાનો મતલબ એ નથી કે સ્ટુડન્ટો કૉલેજની ઇજ્જતના ધજાગરા આખી દુનિયામાં ઉડાડે...’ ‘યુ મસ્ટ ટેક સ્ટ્રિક્ટ એક્શન...’ એ જ ખેલ પ્રિયા ફ્રેન્ડ-સર્કલની અંદરોઅંદરની પોસ્ટ્સમાં હતો. પ્રિયા-વિવાનની ફ્રેન્ડશિપથી જલતી છોકરીઓએ બેફામ થઇને લખ્યું હતું. ‘પ્રિયા ઇઝ અ બિચ...’ ‘સંસ્કારી ગુજ્જુ ગર્લ... માય ફૂટ!’,

‘હું નથી માનતી કે પ્રિયાનો આ એક જ વિડિયો હોય.’ ‘હું પણ નથી માનતી કે પ્રિયાનો આ એક જ બોયફ્રેન્ડ હોય...’ ‘કૉલેજના છોકરાઓના પેજીસ તો સાવ ગંધાતી, ગંદી-ગોબરી કૉમેન્ટો વડે છલકાઇ રહ્યાં હતાં.’
પ્રિયાની સામે જાણે એના જ ‘ફેસ’ના લીરેલીરા ઊડી રહ્યા હતા. ‘બ્લડી ફેસબુક... બ્લડી ફેસબુક...’ તે બબડતી રહી. પહેલી વાર તેને અહેસાસ થઇ રહ્યો હતો કે લોકોના રિયલ ફેસ કેટલા ‘ફેસલેસ’ હોય છે.
જોકે પ્રિયાની સુરતની કૉલેજના મિત્રોનું રિ-એક્શન લગભગ સરખું હતું.

એ લોકો આવું કંઈ બન્યાનું માની જ નહોતા શકતા. એમાંની અમુક તો સુરતની હાઇસ્કૂલની બહેનપણીઓ હતી, લતિકા નામની એક ગુસ્સાવાળી છોકરીએ તો રીતસર સુરતી ગાળ લખીને પોસ્ટ મૂકી હતી કે ‘પ્રિયા, જો એ તને સામો મળે તો મારા તરફથી એક લાત એના બે પગની વચ્ચે મારજે...’ વીંછીઓ... વીંછીઓ... દાબડામાંથી નીકળીને ચારેબાજુ ફરી વળેલા વીંછીઓના અેકસામટા ડંખથી પ્રિયાની ચામડી જાણે બહેર મારી ગઇ. અંદરથી તેને એમ પણ લાગી રહ્યું હતું કે ચાલો, એક વાર સગી આંખે જોઇ તો લીધું? કોણ તેની સાથે છે અને કોણ કોણ સામે?

પ્રિયાએ નિ:શ્વાસ નાંખ્યો. ‘સાથે’ બહુ ઓછા હતા કારણ કે એ જ લોકો બીજા એવા લોકોની સાથે હતા જે પ્રિયાની ‘સામે’ હતા. જાનકીએ ફેસબુક નામના કરોળિયાના જાળાની આંટીઘૂંટી જોડીને અમુક ખાસ પેજીસ પણ મૂક્યાં હતાં. એ લોકો પોતે સમાજસુધારક હોય તેવાં લખાણો ચીતરીને બેઠા હતા. ‘સમાજ કઇ દિશામાં જઇ રહ્યો છે?’ ‘શું આ જ છે આપણી પેઢીના સંસ્કારો?’ ‘એ બંનેને જાહેરમાં, મીડિયા સામે ઊભા રાખીને ચાબખા મારવા જોઇએ. તો જ સમાજમાં દાખલો બેસશે...’ અહીં ન્યાયાધીશોની ખોટ જ નહોતી.

સ્ક્રીન ઉપર ઓકાઇ રહેલા આ તમામ ઝેરની વચ્ચે જાનકીએ પ્રિયાની એક ખાસ ફોરેનર ફેસબુક-ફ્રેન્ડની એક પોસ્ટનો સ્નેપ-શોટ સૌથી છેલ્લે મૂક્યો હતો. એ હતી કેથેરિન. લોસ એન્જેલસની કોઇ મોટી એડ્ એજન્સીની તે ક્રિએટિવ હેડ હતી. ‘એડ્વર્ટાઇઝિંગમાં મહિલાઓ’ વિશેનો તેનો બ્લોગ વાંચીને પ્રિયાએ તેને ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ મોકલી હતી. એટલું જ નહીં, વિવાનને તેણે સજેસ્ટ કરેલી ‘બ્રા’ માટેની માર્કેટિંગ સ્ટ્રેટેજીનું પ્રેઝન્ટેશન પણ તેણે શેર કર્યું હતું. એ કેથેરિને લાંબી પોસ્ટ મૂકી હતી:

‘પ્રિયા, ફર્સ્ટ લેટ મિ કોન્ગ્રેચ્યુલેટ યુ. યોર બોયફ્રેન્ડ ઇઝ એડોરેબલ!’ અંગ્રેજીમાં લખેલી એ પોસ્ટમાં કેથેરિને આગળ લખ્યું હતું: ‘પ્રિયા, મેં તો એક જ વાત નોટિસ કરી છે કે તું આ રિલેશનશિપમાં, આ એક્ટ-ઑફ-લવની એકેએક મોમેન્ટને કોઇ સ્વાદિષ્ટ રસના ઘૂંટડાઓની જેમ પી રહી હતી, ઇન ફેક્ટ, આઇ ઓલ્સો લવ્ડ એવરી મોમેન્ટ, એમ ઇફ આઇ વેર યુ... પણ એક વાત સમજી લે પ્રિયા, જે કામ કરતાં પહેલાં તારા દિલમાં સહેજ પણ ગિલ્ટ નહોતો, તેનો હવે અફસોસ ન રાખીશ. તારા બોયફ્રેન્ડ વિશે હું નથી જાણતી, પણ હું તને જેટલી જાણું છું, જેટલી સમજી શકી છું,

એના પરથી મને લાગી રહ્યું છે કે આ તારા જીવનની સૌથી આનંદદાયક ક્ષણો હતી... તો પછી શા માટે બીજાઓની ટીકાથી દોરાઇને એ ક્ષણોને ધિક્કારવાની? તું હજી 22 વરસની છે. હું 45ની થઇ ચૂકી છું. મારી કરિયર બનાવવામાં હવે મને આવી અદ્્ભુત ક્ષણોનો લહાવો કદાચ નહીં મળે. બટ બીલિવ મી, મારા ભૂતકાળની જે ક્ષણોને હું તે વખતે ‘પ્યોર’ માનતી હતી તેને આજે પણ એટલી જ શુદ્ધ અને આહ્્લાદક માનું છું. આફ્ટર ઑલ, જિંદગી શું છે? આપણે થોડી આનંદદાયક ક્ષણોના સહારે જ દુ:ખના રણ પાર કરી શકતા હોઇએ છીએ ને!

મે ગોડ ગિવ યુ ધ સ્ટ્રેન્થ ટુ ફેસ ઇટ.’ કેથેરિનની પોસ્ટ વાંચતાં વાંચતાં પ્રિયાની આંખોમાં આંસુ ધસી આવ્યાં. તેને લાગ્યું કે આ પહેલી વ્યક્તિ છે જે આટલે દૂર હોવા છતાં તેને પૂરેપૂરી અંદરથી સમજી શકી છે. શું મમ્મી તેને આવું કહેશે ખરી? શું પપ્પા આવું સ્ટેન્ડ લઇ શકે? અને વિવાન...?

પ્રિયાએ આંસુ લૂછી નાખ્યાં. તેને લાગ્યું કે પેલું શાહમૃગ હવે રેતીમાં ખોસેલું મોં બહાર કાઢવા માટે તૈયાર હતું. પછી ભલે સામે લુચ્ચા શિયાળવાં હોય કે ભૂખ્યાં વરુઓ...
***

‘બધું વાંચી લીધું?’
પ્રિયા બાથરૂમમાં જઇને ચહેરા પર ઠંડા પાણીની છાલકો મારીને બહાર નીકળી ત્યારે જાનકી સામે ઊભી હતી. પ્રિયાએ તેના ખભા પકડીને પોતાની પાસે ખેંચી લીધી. ‘થેન્ક્સ જાનકી, થેન્ક યુ સો મચ.’
ખુદ પ્રિયાને સમજાતું નહોતું કે જે એથિકલ હેકર તેના અને વિવાનના પ્રેમથી આટલી જલતી હતી તેને જ પોતે શા માટે ભેટી રહી હતી? જાનકીએ પણ એ જ પૂછ્યું,

‘થેન્કસ શેના માટે પ્રિયા?’
‘કેથેરિનની પોસ્ટ શોધીને મૂકવા માટે.’
જાનકીનો ચહેરો હજી સપાટ હતો. તેણે પ્રિયાને તેનો ફોન હાથમાં પકડાવતાં કહ્યું ‘પ્રિયા, ફેસબુકમાં તો કંઇ નથી. ખરી આગ તો કદાચ વોટ્સ-એપમાં લાગી છે.’

‘વોટ ડુ યુ મીન?’
‘તેં તો તારો ફોન સાઇલન્ટ ઉપર મૂકી દીધો હતો ને? પણ મને લાગે છે કે કદાચ તારો ફોન-નંબર પણ વાઇરલ થઇ ગયો છે! જરા ખોલીને જો તો ખરી...’
મોબાઇલનો સ્ક્રીન ખૂલતાં જ પ્રિયાની આંખો ફાટી ગઇ! વોટ્સ-એપ ઉપર 1100થી વધુ અજાણ્યા મેસેજીસ આવીને પડ્યા હતા! ફોનમાં 300-400થી વધારે સંખ્યામાં સાવ અજાણ્યા નંબરો પરથી મિલ-કૉલ હતા!

‘જાનકી? શું છે આ બધું?’
‘ટ્રોલિંગ...’ જાનકીના અવાજમાં પણ હવે થડકો આવી ગયો. ‘લાગે છે કે ચોક્કસ ટાઇપનાં જૂથો તારી પાછળ પડી ગયાં છે!’

‘હું-હું સમજી નહીં.’
‘સમજાવું...’ જાનકીએ પ્રિયાનું વોટ્સ-એપ એકાઉન્ટ ખોલીને બતાડવા માંડ્યું. એમાં નકરી ગંદી ગાળો ભરેલા મેસેજીસ હતા. દર ત્રીજા મેસેજમાં લખ્યું હતું: ‘ચાલ, આવે છે મારી સાથે?’ ‘તારી નાઇટનો શું ભાવ છે?’ ‘વિડિયોમાં તો જાલીમ લાગે છે, રિયલમાં પણ જોવા દે ને...’ પ્રિયાને આ બધું જોતાં કમકમાં આવી રહ્યાં હતાં. છતાં જાનકી એક પછી એક અન-નોન નંબરોના મેસેજો ખોલતી રહી. દર દસમી કે બારમી વ્યક્તિએ પેલો વિડિયો પણ ફોરવર્ડ કરેલો હતો! પ્રિયાને રીતસર ચક્કર આવવાં લાગ્યાં.

‘જાનકી, બંધ કર આ બધું!’
‘આ બંધ થાય એવું નથી પ્રિયા. કોઇ વ્યવસ્થિત રીતે તારી પાછળ કાવતરું કરીને પડ્યું છે. જો...’ પ્રિયાએ મોબાઇલ બતાડ્યો. ‘આમાં જે મોટા ભાગના અજાણ્યા નંબરો છે તેની ઉપરથી ગંદા વોટ્સ-એપ મેસેજ આવ્યા છે.’

‘બટ હાઉ ડુ યુ નો. કે આ નંબરો સેઇમ છે?’
‘હેકર છું...’ જાનકી ઠંડકથી બોલી. ‘મને આંકડાઓ શબ્દોની જેમ વંચાય છે.’
જાનકીની આ ઠંડકથી પ્રિયા ધ્રૂજી ગઇ... શું એણે જ? પણ જાનકી બોલતી ગઇ. ‘પ્રિયા, માત્ર એકાદ બે કલાકમાં તારો ફોન નંબર આટલા બધા લોકો સુધી શી રીતે પહોંચી ગયો? એક જ રીત છે.

કાં તો એ માણસ કોઇ મોટા વોટ્સ-એપ ગ્રૂપનો મેમ્બર હશે અથવા તેણે આ નંબરો જુદા જુદા ગ્રૂપમાં જાતે એન્ટર થઇને મેળવ્યા હશે... જે હોય તે, પ્રિયા, એક વાત નક્કી છે. કોઇ તારી પાછળ આદું ખાઇને પડી ગયું છે.’ ‘પણ એ કોણ હોઇ શકે?’

‘એ જ આપણે જાણવું પડશે. આપણે અત્યારે ને અત્યારે સાઇબર સેલ જવું જોઇએ. ધીસ ઇઝ ગેટિંગ આઉટ ઑફ કંટ્રોલ. વેઇટ, એક મિનિટ!’
પ્રિયાનો ફોન બંધ કરતાં પહેલાં છેલ્લી નજર મારતાં જાનકી અટકી ગઇ. ‘પ્રિયા! તારો વિડિયો તો યુ-ટ્યૂબ ઉપર ફરી રહ્યો છે!’

‘વોટ?’ પ્રિયાનો અવાજ ફાટી ગયો. ‘વોટ ધ હેલ?!’
‘યસ, આ જો-’ જાનકીએ પ્રિયાના વોટ્સ-એપમાં આવેલો પેલો વિડિયો પ્લે કરવા માંડ્યો. તેમાં આગળ જતાં રીતસરનું લખાણ આવી રહ્યું હતું: ‘THIS VIDEO WAS UPLOAD ON WWW.XXX...’
પ્રિયંકા ચક્કર આવવાને કારણે પડી જ ગઇ હોત. જાનકીએ તેને ખભાથી પકડીને હચમચાવી નાખી. ‘પ્રિયા, કમ ઓન! હવે ઢીલા પડવાનો ટાઇમ નથી. હું ઇન્દ્રજિતને ફોન કરીને કહી દઉં છું કે તે સીધો સાઇબર સેલની ઑફિસે પહોંચે... અને આપણે ટેક્સીમાં જઇએ છીએ. રિક્ષા કે સ્કૂટીમાં હવે ખુલ્લા ફરવું તારા માટે સેફ નથી...’

પ્રિયાને લાગ્યું કે અચાનક આખું શહેર તેને ‘બાજારુ ઔરત’ તરીકે જોઇ રહ્યું છે... ક્યાંથી ક્યાં આવી ગઇ પોતે? બે જ કલાક પહેલાં તે બિઝનેસ મેનેજમેન્ટની કૉલેજમાં ભણતી ટેલેન્ટેડ સ્ટુડન્ટ હતી. અને હવે? એનો ફોન નંબર કમ સે કમ 300 વાસનાભૂખ્યા વરુઓ પાસે પહોંચી ગયો હતો.

કૉલ પર કૉલ આવી રહ્યા હતા... સાઇલન્ટ મોડ ઉપર રાખેલા એક નવી ‘કૉલ-ગર્લ’ના મોબાઇલમાં!
***

‘યેસ! વોટ ઇઝ ધ મેટર નાવ?’
ખરબચડા ચહેરાવાળી સ્થૂળ મિસિસ ત્રેહાન તેની કેબિનમાં હજીયે કોમ્પ્યુટરના સ્ક્રીન સામે નજર નોંધીને જ બેઠી હતી. સાઇબર-સેલના મુખ્ય અધિકારી કોઇ મિટિંગ માટે બહાર ગયા હતા એટલે પ્રિયા અને જાનકીએ અહીં આવવું પડ્યું.

‘મેડમ મેરી ફ્રેન્ડ પ્રિયા કા વિડિયો એક પોર્ન-સાઇટ પે ચલા ગયા હૈ.’ જાનકીએ કહ્યું.
‘તો?’ મિસિસ ત્રેહાને સ્ક્રીન પરથી નજર હટાવ્યા વિના જવાબ આપ્યો. ‘પોર્ન વેબસાઇટ દેખના કોઇ ક્રાઇમ નહીં હૈ. 2015 મેં સુપ્રીમ કોર્ટ કા જજમેન્ટ આ ચૂકા હૈ... ભૂલ ગયે?’
પ્રિયા અકળાઇ ઊઠી. ‘મગર યે મેરા વિડિયો હૈ! મેરા! આપ કો પતા હૈ ના, મેં ઇન્દ્રજિત કી ફ્રેન્ડ હું?’

‘તો?’
એકાક્ષરી સવાલ કર્યા બાદ મિસિસ ત્રેહાને પ્રિયાની સામે નજર નોંધીને બીજા વિચિત્ર સવાલ કરવા માંડ્યા. ‘ક્યા આપ નાબાલિગ હૈ? ક્યા આપ કોઇ એનિમલ હૈ? ક્યા આપ, વો ક્યા કહતે હૈં, ટ્રાન્સ-જેન્ડર હૈ?’
‘વોટ નોન્સેન્સ!’ પ્રિયા ખળભળી ઊઠી. ‘શું તમને ખબર નથી, હું કોણ છું? જાણીતા રાજકીય નેતા વિશ્વજિતના ભત્રીજા ઇન્દ્રજિતની ફ્રેન્ડ છું! શું હું તમને એનિમલ લાગું છું?’

‘પ્રિયાબહન...’ મિસિસ ત્રેહાન હવે ખરબચડું હિન્દી-મિશ્રિત ગુજરાતી બોલવા લાગ્યાં. ‘કાનૂનમાં લખેલા છે કે સિર્ફ ચાઇલ્ડ-પોર્નોગ્રાફી, એનિમલ પોર્નોગ્રાફી અને ટ્રાન્સ-જેન્ડર પોર્નોગ્રાફી જ ગેરકાનૂની છે. એટલે જ તમને ગુજરાતીમાં પૂછૂ છૂ... સુ તમે ના-બાલિગ કે જાનવર તો નથી ના?’

પ્રિયા ગુસ્સાથી ધૂંધવાઇ ઊઠી ‘નથી જ ને! હું જાનવર તો નથી જ ને? છતાં તમે મને એવી રીતે ટ્રીટ કરી રહ્યાં છો કે જાણે-’
‘બહુ ગરમી નહીં દેખાડવાની, મેડમ...’ મિસિસ ત્રેહાને ડોળા કાઢીને પ્રિયાને ચૂપ કરી દીધી. ‘તમારો આ જે વિડિયો છે ના. એમાં જે કાંઇ નજર આવે છે... એ તો કોન્સેન્ટથી થયા છે ના?’
‘કોન્સેન્ટ? મતલબ?’

‘મતલબ કે, જે કાંઇ થયા, એ તમારા બંનેના સહમતીથી થયા ને?’
‘હા, તો?’
‘તો મેડમ, અમુક વેબસાઇટ આ ટાઇપના સહમતીથી બનેલા વિડિયોને પરમિશન લઇને અપ-લોડ કરી સકે છે. એમાં પુલીસ કાંઇ કરી સકતી નથી.’

‘પરમિશન?’ પ્રિયા હવે બૉમ્બની માફક ફૂટી. ‘કોણે લીધી મારી પરમિશન? ક્યારે લીધી?’
‘એ મને સુ પૂછો છો? તમારા એ બોય-ફ્રેન્ડને પૂછો ના? મેડમ, તમારો આ ગોરો-ચિટ્ટો માસૂમ-સો દેખાતો દોસ્ત છે ના, એના જ મોબાઇલની આ વિડિયો પોર્ન-સાઇટમાં અપ-લોડ થયેલા છે!’
મિસિસ ત્રેહાનના આ ધડાકાથી પ્રિયાના ચહેરા ઉપરથી જાણે લોહી ઊડી ગયું. જાનકી પણ સ્તબ્ધ હતી. ‘મેડમ, તમારી કંઇ ભૂલ થતી હશે...’

‘ભૂલ કોઇ નથી.’ મિસિસ ત્રેહાનનો ચહેરો સખત હતો. ‘વિવાનનો મોબાઇલ એના બંગલાના પાછળથી અમને મળી આવ્યો છે... સ્વિચ ઓફ કરીને, સિમ-કાર્ડ કાઢીને ફેંકી દીધેલી હાલતમાં!’
પ્રિયાની આંખે અંધારાં છવાઇ રહ્યાં હતાં. ખુદ વિવાન આ કરી રહ્યો હતો? ભોળો, ક્યૂટ, માસૂમ અને થોડો સ્ટુપિડ લાગતો હતો એ જ વિવાન?
‘પૈસાવાલા લોગ હમેસા મહેંગા મોબાઇલ યુઝ કરે છે ના? તો સિમકાર્ડ બિના ભી તેને ઢૂંઢી લેવાય તેવી ટ્રેકિંગ ડિવાઇસ ફોનમાં જ લાગેલી હોય છે. ઇતના હી નહીં, મોબાઇલ મેં હી ઇતની સારી મેમરી સ્ટોર હો
જાતી હૈ કિ-’

મિસિસ ત્રેહાને ટેબલનું ડ્રોઅર ખોલીને વિવાનનો સિલ્વર કલરનો આઇફોન-7 ટેબલ ઉપર મૂકતાં છેલ્લો ફટકો મારી દીધો: ‘આ જ મોબાઇલથી કમ સે કમ પંદરાહ સો લોગોને તમારો વિડિયો અને તમારો મોબાઇલ નંબર ફોરવર્ડ થયો છે! અને મેડમ પ્રિયા બહેન, એમાંથી છેલ્લો એક મેસેજ તો ખાસ તમને ભિજવાયો છે!’
પ્રિયા હાથ લંબાવીને વિવાનનો ફોન લેવા જતી હતી ત્યાં મિસિસ ત્રેહાને તેને અટકાવી. ‘મેડમ આપ ખુદ અપને મોબાઇલ કે ઇન-બોક્સ મેં દેખ લિજીયે ના?’

પ્રિયાએ ધ્રૂજતા હાથે ઇન-બોક્સ ખોલ્યું. અંદર ખરેખર વિવાનનો મેસેજ હતો: ‘પ્રિયા, માય રિવેન્જ ઇઝ કમ્પલિટ... ગુડબાય.’
રિવેન્જ? શેનો રિવેન્જ? પ્રિયાને છેક હવે યાદ આવવા લાગી પેલી ગોવાની એ ‘ઓકવર્ડ’ રાત... (ક્રમશ:)
(Navalkatha Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Literature Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: short story on sunday bhaskar by vibhavari verma
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended