Home »Literature »Navalika» Navlika Article On Madhurima Magazine By Neha Shah

મુખવટો-ત્રણ આજ્ઞાંકિત પુત્રો અને પુત્રવધૂઓ અને બે પૌત્રો.

Neha Shah | Feb 21, 2017, 00:00 AM IST

  • મુખવટો-ત્રણ આજ્ઞાંકિત પુત્રો અને પુત્રવધૂઓ અને બે પૌત્રો.,  navalika news in gujarati
મોહિની દીવાન! શહેરના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ શ્રી મન્મથરાય દીવાનનાં ધર્મપત્ની! શહેરની દાનવીર મહિલા શ્રેષ્ઠીઓમાં અગ્રગણ્ય સ્થાન ધરાવતાં હતાં મોહિનીદેવી. સપ્રમાણ દેહલાલિત્ય અને અઢળક સૌંદર્ય સામેવાળી વ્યક્તિને સંમોહિત અને આંજી નાખવા માટે પૂરતાં હતાં. પતિ શહેરના અત્યંત સફળ ઉદ્યોગપતિ હોવાના કારણે અઢળક ધન-સંપત્તિની રેલમછેલ હતી, મોહિનીદેવીના ગૃહસામ્રાજ્યમાં ત્રણ આજ્ઞાંકિત પુત્રો અને પુત્રવધૂઓ અને બે પૌત્રો.

સુખનો મહાસાગર હિલોળા લેતો હતો મોહિનીદેવીના સંસારમાં. મન્મથરાય દીવાન પણ પત્નીની દરેક ઇચ્છા પૂર્ણ કરવા સદા તત્પર રહેતાં. કન્યાશાળા, મહિલા ઉત્કર્ષ કેન્દ્રો, અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમ જેવી કેટલીય સંસ્થામાં દાન-સખાવત કરવા મોહિનીદેવી હંમેશાં તત્પર રહી સમાજમાં ‘લાઇમ-લાઇટ’માં રહેવાનો પ્રયત્ન કરતાં અને મોહિનીદેવી જો સમાજસેવામાં રચ્યાંપચ્યાં રહે તો મન્મથરાય દીવાન પોતાની સેક્રેટરી સાથે સુંવાળા સંબંધ વિકસાવવામાં સફળ નીવડેને? આ ગણતરી દ્વારા મન્મથરાય મોહિનીદેવી પાછળ ખૂબ ધન વહેવડાવતા અને એમનો અહં પોષવામાં સાથ નિભાવતાં. ત્રણેય પુત્રોને અલગ બિઝનેસમાં સેટ કરી પોતે પણ અલગ બિઝનેસમાં સેટ હતા, રૂપાળી સેક્રેટરીની મદદથી સ્તો!

આમ, સૌ પોતપોતાની રીતે મસ્ત અને વ્યસ્ત હતાં, પરંતુ ઘરમાં તો મોહિનીદેવીનું એકચક્રી સામ્રાજ્ય જ હતું. પુત્રવધૂઓ પણ આર્થિક રીતે સામાન્ય પરિવારની જ પસંદ કરી હતી, જેથી ભવિષ્યમાં કોઈ માથું ઊંચકવાનો પ્રયત્ન ન કરે! ખૂબ દૂરંદર્શી દૃષ્ટિ હતી મોહિનીદેવીની! એક દિવસ મોહિનીદેવી પોતાના વૈભવશાળી દીવાનખંડમાં વર્તમાનપત્રમાં આવેલી પોતાની દાન આપતી તસવીર જોઈને મનોમન પોરસાતાં હતાં. એવામાં જ ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી.

મોહિનીદેવીએ ફોન ઉપાડ્યો અને કંઈક અણગમા અને ગર્વિષ્ઠ અદામાં બોલ્યાં, ‘હલ્લો, મોહિનીદેવી સ્પીકિંગ, કોણ?’ સામા છેડેથી ઉત્તર મળ્યો, ‘એ તો હું રમા શાસ્ત્રી, હંસાબા કન્યા અનાથાશ્રમમાંથી બોલું છું. આપણે એક સમારંભમાં મળ્યાં હતાં, યાદ છે?’ ‘હા, હા. બોલો, શું કામ પડ્યું મારું?’ મોહિનીદેવીએ ગર્વપૂર્વક અને તોછડાઈથી પ્રત્યુત્તર પ્રશ્ન સહિત પાઠવ્યો. સામેથી રમાબહેને વિવેકપૂર્વક ઉત્તર આપ્યો, ‘મોહિનીબહેન, અમારા આશ્રમમાં અનાથ કન્યાઓ દર વર્ષે વાર્ષિકોત્સવ ઊજવે છે. તેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થાય છે.

અનાથ કન્યાઓ દ્વારા ગરબા, ગીત, નૃત્ય, વગેરે રજૂ થાય છે. તો આ વર્ષે અમારી સંસ્થાની કમિટીની ઇચ્છા છે કે આપ અમારા આ સાંસ્કૃતિક કાર્યક્રમનું અતિથિ વિશેષનું સ્થાન શોભાવો. હજુ કાર્યક્રમને વીસેક દિવસની વાર છે. આપ વિચારીને અમને જણાવજો, જેથી આમંત્રણ પત્રિકા છપાવવાની અમોને અનુકૂળતા રહે.’ મોહિનીદેવીએ પોતાનામાં હતી એટલી નમ્રતા છલકાવી દીધી ને બોલ્યાં, ‘અરે! હોય રમાબહેન, એમાં વિચારવાનું શું? મારી તો હા જ હોયને, મને તો કન્યાઓ માટે ખૂબ લાગણી અને આ તો અનાથ કન્યાઓ! જેનું કોઈ નથી. મારી લાગણી અને સહાનુભૂતિ તો એમના તરફ હોય જ ને? મને પોતાને પણ દીકરી ખૂબ વહાલી લાગે.

દીકરી તો વ્હાલનો દરિયો જ કહેવાયને, પણ આ કુદરત તો જુઓ! મને ઈશ્વરે ત્રણ દીકરા જ આપ્યા. હશે! પણ હા રમાબહેન, હું મારી પુત્રવધૂઓને મારી દીકરી જ ગણું છું હોં!’ મોહિનીદેવીનો ગર્વિષ્ઠ સૂર ફોનમાં રેલાયો. ‘એટલે અતિથિવિશેષ તરીકે તમારી સંસ્થાના કાર્યક્રમમાં હું જ એ સ્થાન શોભાવીશ અને હા, આમંત્રણ પત્રિકામાં મારું નામ જ પ્રથમ ગાઢા અક્ષરોમાં છપાવજો, ભલે પાંચ-પચીસ વધારે થાય તો ચિંતા ન કરશો!’ એમણે રમાબહેન સાથેની વાતચીતનો અંત આણ્યો. રિસીવર ફોનના ક્રેડલ પર ગોઠવી મોહિનીદેવી દિવાસ્વપ્નમાં ખોવાઈ ગયાં અને એવામાં ફરીથી ફોનની ઘંટડી રણકી.

‘ઓહ! આ ફોન પણ જંપવા નથી દેતો.’ સ્વગત બોલતાં તેમણે ફરીથી ફોન રિસીવ કર્યો. ‘હલ્લો! મોહિની દીવાન સ્પીકિંગ! કોણ?’ સામેથી પ્રત્યુત્તર મળ્યો, ‘એ તો હું ડૉ. સ્વાતિ શ્રોફ.’ મોહિનીદેવીના કાન સરવા થયા. એ બોલ્યાં, ‘હા સ્વાતિબહેન, બોલો. પેંડા જ ને? મને તો ખાતરી જ હતી. કેમ છે અવનિ? બધું બરાબર તો છેને?’ સામે છેડે સ્વાતિબહેન ધીરા અવાજે બોલ્યાં, ‘મોહિનીબહેન, અવનિ બહાર પ્રતિક્ષાલયમાં બેઠી છે.

એની તબિયત સારી છે અને સોનોગ્રાફીના રિપોર્ટમાં લક્ષ્મીજી છે! અવનિ મને પૂછતી હતી, પણ મેં એને બહાર બેસાડીને તમારો સંપર્ક કર્યો. એ ખૂબ ખુશ છે એની પ્રેગ્નન્સીથી!’ ‘શું કહ્યું? છોકરી અને તે પણ મોહિની દીવાનના ખાનદાનમાં? એ શક્ય જ નથી. સ્વાતિબહેન,’ મોહિનીદેવીએ સૂચના આપી. ‘તમને ખબર છે ને શું કરવાનું છે? કાલે સવારે હું અવનિને લઈને તમારા ક્લિનિક પર આવીશ. તમે એબોર્શનની તૈયારી કરી રાખજો. આગળ બે વહુઓની કૂખે દીકરી હતી તો આપણે શું કર્યું હતું? યાદ છેને.’ ‘અવનિને તો કંઈ ફરક નથી પડતો, દીકરી હોય કે દીકરો.’ સ્વાતિબેન બોલ્યાં.

સામા છેડે મોહિનીદેવી બોલ્યાં, ‘ફરક અેને નહીં પડતો હોય, મને તો પડે છેને? મોહિની મન્મથરાય દીવાનના ખાનદાનમાં ન તો દીકરી હતી કે ન તો હશે. એને કંઈ પણ જણાવવાની જરૂર નથી. મારી મરજી આગળ આ આજકાલની આવેલીનું હું ઊપજવા દઈશ? તમે સવારે તૈયારી કરજો. હું જાતે એને લઈને આવીશ.’ વાત પૂર્ણ કરી મોહિનીદેવી રિસીવર પછાડીને અંદરના રૂમમાં પરત ફર્યાં. સામા છેડે સ્વાતિબહેન વિચારવા લાગ્યાં, કેટલી દંભી અને હીન વિચારસરણી છે આ ધનિક મહિલાની! પોતે એમનો સાથ આપ્યો હતો. એમની બે પુત્રવધૂઓની કૂખે દીકરી હતી તેમનો ગર્ભપાત કરી આપવાનો સાથ!

આ દુષ્કર્મ માટે સ્વાતિબહેનને પસ્તાવો થવા માંડ્યો. એમણે વિચાર્યું કે શું એક નારી જ નારીભ્રૂણની દુશ્મન? એમણે બહાર બેઠેલી અવનિને કન્સલ્ટિંગ રૂમમાં બોલાવી તમામ હકીકતથી વાકેફ કરી. ‘તારી કૂખમાં દીકરી છે અને તારાં સાસુમા નથી ઇચ્છતાં કે તું દીકરીને જન્મ આપે. અગાઉ તારી બે જેઠાણીઓએ પણ આ વ્યથામાંથી જ પસાર થવું પડ્યું હતું. કૂખમાં દીકરી હોવાના કારણે! બંને પુત્રવધૂઓનો ગર્ભપાત મારા હસ્તે કરાવ્યો હતો તારાં સાસુએ, પણ હવે હું એ પાપ નથી કરવા માગતી. મારી ભૂલ હતી કે મેં એમનો સાથ આપ્યો તે સમયે.’ સ્વાતિબહેને સમગ્ર ઘટનાથી અવનિને વાકેફ કરી. અવનિ તો સ્તબ્ધ જ થઈ ગઈ!

એને સાસુજીનાં દાંભિક વાણી-વર્તન યાદ આવ્યાં અને એણે પતિ આલોકને સત્વરે સ્વાતિબહેનના ક્લિનિક પર આવવા જણાવ્યું. આલોકના આગમન બાદ અવનિએ તમામ હકીકત આલોકને જણાવી. આલોકને પોતાની માતાની આટલી પછાત અને હિનકક્ષાની માનસિકતા જાણીને! પોતાની મોટી બે ભાભીઓએ પણ ગર્ભપાતની વ્યથામાંથી પસાર થવું પડ્યું છે એ જાણીને આલોક દુ:ખ અનુભવવા લાગ્યો. એણે વિચાર્યું કે શું મારી મા સ્ત્રી નથી અને આમ તો કન્યાઓ પ્રત્યે ખૂબ લાગણી દર્શાવે છે! એવા દંભનો શું અર્થ? શું વાણી અને આચરણ આટલાં બધાં વિરોધી હોઈ શકે? આલોકે સ્વાતિબહેન સમક્ષ પોતાનો નિર્ણય રજૂ કર્યો.

‘અવનિ દીકરીને જન્મ આપશે જ! હું મારા પરિવારમાં લક્ષ્મીજીનું આગમન કરીને જ રહીશ! મા ન માને તો હું અલગ સંસાર વસાવીને દીકરીનું જતન કરીશ.’ સ્વાતિબહેનને ભૂતકાળમાં પોતે કરેલી ભૂલનું પ્રાયશ્ચિત કર્યું એનો સંતોષ થયો. બંને ઘરે આવ્યાં. રાત્રે ડિનર ટેબલ પર સમગ્ર પરિવાર સમક્ષ આલોકે પોતાનો નિર્ણય જાહેર કર્યો, ‘અવનિ દીકરીને જન્મ આપવાની છે. પરિવારના કોઈ પણ સભ્યને એ બાબતે અણગમો હોય તો એ પોતાના સુધી સીમિત રાખે. સંતતિ બાબતે નિર્ણય લેવાનો અધિકાર અમારા સિવાય કોઈને નથી. અમે અમારી લક્ષ્મીના આગમનને વધાવશું જ! કોઈ વધાવે કે ન વધાવે.’

મોહિનીદેવી આઘાત અને આશ્ચર્યથી આલોક અને અવનિને નિહાળી રહ્યાં. આલોક-અવનિની આ વૈચારિક ક્રાંતિને અવનિની બંને જેઠાણીઓ મનોમન પ્રશંસા કરી રહી હતી. આલોકના બંને ભાઈઓ પણ મૂક પ્રશંસા પાઠવતા હતા ને મન્મથરાય મોહિનીદેવીને પ્રશ્નસૂચક દષ્ટિએ નિહાળતા હતા. આલોક અને અવનિએ મોહિનીદેવીનો મુખવટો ઉતારી દીધો હતો.
(Navalika Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Literature Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Navlika article on madhurima magazine by neha shah
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended