Home »Literature »Navalkatha» Navalkatha On Sunday Bhaskar By Vibhavari Varma

નગમા અચાનક થંભી ગઇ. એના ચહેરાના હાવભાવ સપાટ થઇ ગયા

Vibhavari Varma | Feb 28, 2017, 21:38 PM IST

  • નગમા અચાનક થંભી ગઇ. એના ચહેરાના હાવભાવ સપાટ થઇ ગયા,  navalkatha news in gujarati
નગમા અચાનક થંભી ગઇ. એના ચહેરાના હાવભાવ સપાટ થઇ ગયા
પ્રકરણ-6

પાર્થને જરાય સમજાતું નહોતું કે આ શું થઇ રહ્યું છે?
થોડી જ ક્ષણો પહેલાં તે નગમા સાથે સિતાર અને ગિટારની જુગલબંધી કરી રહ્યો હતો. રાગ પૂરિયા ધનાશ્રીના અંતિમ ચરણમાં ખુદ પાર્થને લાગ્યું હતું કે આ જૂના મહોલ્લાની ખખડધજ હવેલી જેવા મકાનના ખૂણે ખૂણામાં કંઇ ઝણઝણાટી થઇ રહી છે.
પરંતુ એ પછી અંદરના રૂમમાંથી એક તીણી પીડાભરી છતાં આનંદમિશ્રિત ચીસ સંભળાઇ હતી. નગમા સિતાર પડતી મૂકીને એ તરફ ધસી ગઇ હતી. પાર્થ પણ તેની પાછળ જઇને જુએ છે તો પલંગ પર સૂતેલી એક વૃદ્ધ સ્ત્રીના પગ ધ્રૂજી રહ્યા છે!

નોકરાણી કમ્મુમૌસીએ નગમાના હાથ ઝાલીને તેને ધ્રૂજતા પગનો સ્પર્શ કરાવ્યો તે સાથે જ નગમાની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં અને તે બોલી ઊઠી, ‘યા અલ્લાહ! તેરા લાખ લાખ શુકર હૈ...’
પાર્થે કમ્મુમૌસીને ઇશારાથી પૂછ્યુ઼ં, આખરે વાત શું છે? કમ્મુમૌસીએ ‘પછી કહું છું.’ એવો ઇશારો કરીને પાર્થને ચૂપ કર્યો. પણ એ જ કારણસર પાર્થનું કુતૂહલ વધી રહ્યું હતું.
નગમા જ્યારે શાંત થઇ ત્યારે કમ્મુમૌસીએ પાર્થને કહ્યું: ‘બેટા, યે નગમા કી અમ્મીજાન હૈ... છેલ્લાં ત્રણ વરસથી ધીમે ધીમે એમના આખા શરીરમાં લકવો ફેલાઇ રહ્યો છે. હાલત એ છે કે ગળાથી નીચેનું આખું શરીર લગભગ બેજાન છે. ગળામાંથી આવાઝ પણ ક્યારેક જ નીકળે છે.’

‘પણ એવું થયું શી રીતે?’
‘હવે હું કહું? એક જમાનામાં અમ્મીજાન કથ્થક નૃત્યનાં નર્તિકા હતાં, પણ આજે...’
‘કમ્મુમૌસીના ગળે ડૂમો બાઝી ગયો. હવામાં થંભી ગયેલી બોઝિલતાને હળવી કરવા માગતી હોય એમ નગમાએ સહેજ હસીને કહ્યું:  ‘કમ્મુમૌસી આ ચમત્કાર તો પાર્થની ગિટારને લીધે થયો છે. લાવો ને, જરા એ ગિટાર મને ચૂમવા દો!’

કમ્મુમૌસી આંસુ લૂછતાં ગિટાર લેવા માટે બહાર ગયાં ત્યાં પાર્થે તક ઝડપી લીધી.’
‘કેમ, સિર્ફ ગિટારને જ હક છે? એ વગાડનારનાં આંગળાંની તો કોઇ કદર કરશે કે નહીં?’ નગમાના ચહેરા પર પેલું સ્મિત આવી ગયું. પાર્થને થયું કે વાહ, તીર બરાબર નિશાન પર લાગી ગયું છે. નગમા એક વાર એના પ્રેમમાં પડી જાય પછી તો પાંચ શું, પચ્ચીસ ગાયનોનાં કંપોઝિશનો રમતાં રમતાં એના હોઠો પરથી ઉતારી લઇશ.

‘યે લિજિયે, આપ કા વિદેશી સાઝ...’
કમ્મુમૌસી ગિટાર લઇને આવ્યાં કે તરત પાર્થે તેને પોતાના હાથમાં લઇ લીધી. સ્ટાઇલથી તેના તાર પર આંગળીઓ ફેરવતાં તેણે ધીમા અવાજે કહ્યું!
‘લો, દોનોં હાજિર હૈ...’
***

‘પછી? પછી શું થયું?’
રાજુ પૂછતાં પૂછતાં રીતસરનો ઊંચો થઇ ગયો. પાર્થે એના માથે ટપલી મારતાં કહ્યું:
‘બેટમજી, એવા લવ-સીન જોવા હોય તો સાથે આવવું જોઇએ ને?’
‘હા, પછી તારું ઓરકેસ્ટ્રા કોણ સંભાળશે? રિહર્સલો કોણ ટિચાવશે? નવાં ગાયનોનાં નોટેશન્સ કોણ બનાવશે?’

‘અરે યાર...’ પાર્થે પ્રેમથી રાજુના જુલ્ફામાં આંગળીઓ ફેરવતાં કહ્યું, ‘એના માટે જ તો ભગવાને તને બનાવ્યો છે! જેથી હું નગમાને પટાવવાનું મહાન કાર્ય પાર પાડી શકું...’
રાજુ શંકાથી પાર્થ સામે જોઇ રહ્યો. ‘બેટા પાર્થ, મને લાગતું નથી કે નગમાદીદી આટલી આસાનીથી પટી જાય.’
‘પટશે, પટશે... મને નગમાની એક ચાવી જડી ગઇ છે.’

‘શું?’ ‘એની અમ્મીજાન...’ પાર્થે ચપટી વગાડી, ‘યાર, કોઇ રીતે જો હું એની પથારીવશ અમ્મીજાનને કમ સે કમ વ્હીલચેરમાં બેસવાલાયક બનાવી શકું ને, તો-’
‘બેટમજી, એટલું કરવામાં તારે કેટલા મહિના સુધી પેલો પૂરિયા ધનાશ્રી વગાડવો પડશે એનો કોઇ અંદાજ છે?’
‘હા યાર... ખેતી બહુ લાંબી છે.’ પાર્થનો અવાજ ઢીલો થઇ ગયો. ‘પેલી બાજુ બ્લુ રિબિન મ્યુઝિકવાળા રાયસિંઘાણિયાના બે વાર ફોન આવી ગયા છે કે કેટલાં સોંગ્સ રેડી થયાં...’
‘પાર્થ, હું શું કહું છું...’ રાજુએ ઓશિકા ઉપર તબલાં વગાડતાં કહ્યું, ‘નગમાદીદીના અમ્મીજાનનો કોઇ મેડિકલ ઇલાજ નહીં હોય?’

‘રાજુડિયા...’અચાનક પાર્થ ઊછળ્યો અને તેણે રાજુના ગાલે પપ્પી કરી નાખી. ‘રાજુડિયા! યુ આર બ્લડી જિનિયસ!’
***

બીજા જ દિવસે પાર્થ એક ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સ લઇને મહોલ્લામાં પહોંચી ગયો. લાકડાના દાદર ઉપર બે કમ્પાઉન્ડરોની મદદથી સ્ટ્રેચર ઉપલે માળે ચડાવતાંની સાથે તેણે કમ્મુમૌસીને બૂમ મારી.
‘કમ્મુમાંસી! અમ્મીજાનને તૈયાર કરો, એમને હોસ્પિટલ લઇ જવાનાં છે.’
નગમા હજી સ્નાન કરીને બહાર આવી હતી. કાળા વાળના જથ્થાને તેણે ટુવાલ વડે બાંધ્યો હતો. પાર્થના અવાજ સાથે આ બધી ચહલપહલ સાંભળતાં જ તે બોલી ઊઠી:
‘ક્યા હુઆ પાર્થ? યે લોગ કૌન હૈ?’

‘હોસ્પિટલના માણસો છે, નગમાજી. તમારાં અમ્મીજાનને હોસ્પિટલમાં લઇ જવા આવ્યો છું.’
નગમા અચાનક થંભી ગઇ. એના ચહેરાના હાવભાવ સપાટ થઇ ગયા.
‘અચ્છા? આપ કે સાઝ કો જરા હોંઠો સે ક્યા લગા લિયા, ઇતના હક જતાને લગે?’

પાર્થ ઝંખવાઇ ગયો. શું બોલવું, તેને સમજ ન પડી. નગમાની આંધળી આંખોની કીકીઓ સ્થિર થઇને તેની તરફ નોંધાઇને ઊભી હતી. પાર્થે કહ્યું:
‘હક તો અમ્મીજાન પર તમારો જ બને છે નગમા, પણ આ કામ મારું અને તમારું સાઝ ક્યારે કરી રહેશે? દુનિયામાં મેડિકલ સાયન્સ નામની પણ કોઇ જ ચીજ છે. મારા ફાધર એક ન્યુરોલોજી હોસ્પિટલના ટ્રસ્ટી છે. એક કોશિશ કરી જોઇએ. કદાચ ઇલાજ મળી જાય તો-’

‘ઇલાજ તો હશે જ ને?’ નગમાના અવાજમાં હતાશા હતી. ‘પણ ઇલાજની કિંમત કેટલી હશે...’
‘કિંમતની ચિંતા તમે શા માટે કરો છો?’
‘અચ્છા?’ નગમાના અવાજમાં અચાનક ધાર આવી ગઇ. ‘તો જરા કહેશો, પાર્થ, એ કિંમતની ચિંતા તમે શા માટે કરી રહ્યા છો?’

પાર્થ બે ક્ષણ માટે હલબલી ગયો. પણ એની ચબરાક જીભ ઉપર ચતુર જવાબ ઊગી નીકળ્યો.
‘નગમાજી, તમે તમારા સંગીતની કોઇ કિંમત નથી માગતાં. કહો છો કે એ તો ખુદાની નેમત છે, વહેંચવાથી વધે છે, તો પછી ખુદાએ મને અને મારા પિતાજીને જે થોડી નેમત આપી છે એ તો વહેંચવા દો?’ નગમા પાસે આ દલીલનો કોઇ જવાબ નહોતો. અમ્મીજાનને સ્ટ્રેચર વડે ધીમે ધીમે નીચે ઉતારીને એમ્બ્યુલન્સવાનમાં સુવડાવ્યાં પછી ઉપર આવીને પાર્થે હળવેથી નગમાનો હાથ પકડીને કહ્યું:

‘ચાલો...’ નગમાએ હાથ ખેંચી લીધો. ‘મને મદદની જરૂર નથી. આ સીડીઓને હું ઓળખું છું એના કરતાં એનાં પગથિયાં મને વધારે સારી રીતે ઓળખે છે.’
‘એટલે જ ને!’ પાર્થે હસીને કહ્યું, ‘મારા જેવા અજાણ્યાની મદદ નહીં કરો?’
પાર્થે ધ્યાનથી જોયું, નગમાના હોઠના ખૂણે ઝીણું સરખું સ્મિત ઝબકી ગયું હતું.
***

હોસ્પિટલમાં પાંચ-છ જાતના ટેસ્ટ કર્યા પછી ડો. પાર્થ સારથિએ કહ્યું: ‘હજી મોડું થયું નથી. મગજમાં એક નાજુક નસ સહેજ ફાટી જવાને કારણે તેમાંથી લોહી નીકળી નીકળીને એક ગાંઠ જેવી બની ગઇ છે. જો ઓપરેશન વડે એ જામી ગયેલા લોહીની ગાંઠ દૂર કરી શકાય તો...’
‘તો?’ નગમાના અવાજમાં ગભરાટ હતો.
 
‘તો...’ ડો. પાર્થ સારથિએ જરા ગંભીર ચહેરો ધારણ કરીને કહ્યું, ‘ત્રીસેક ટકા જેટલો ચાન્સ લઇ શકાય કે ઓપરેશન પછી આપનાં અમ્મીજાન હસતાં ફરતાં અને થોડું બોલતાં પણ થઇ જાય.’
‘અને સિત્તેર ટકા ચાન્સ શું છે?’
નગમાના સવાલથી પાર્થનું હૃદય બે ધબકારા ચૂકી ગયું. જો ઓપરેશન નિષ્ફળ જાય તો? તો નગમા પણ હાથથી જાય અને પેલું આલબમ પણ, માત્ર આલબમ જ નહીં, પાર્થને આખી મ્યુઝિકની કેરિયર ધૂંધળી થતી દેખાવા લાગી,

‘સિત્તેર ટકા ચાન્સ એ છે કે...’ ડો. પાર્થસારથિએ કહ્યું, ‘તમારાં અમ્મીજાન હંમેશ માટે માત્ર એક શરીર બનીને જીવતાં રહે... રિસ્ક છે, નગમા બહેન, જોખમ છે, પણ હું માનું છું કે એ જોખમ લેવું જોઇએ.’
નગમા કંઇ બોલી નહીં. એ ઊભી થઇ. હાથ વડે દરવાજાની દિશા શોધી તે બહાર નીકળી ગઇ. પાર્થ તેની પાછળ પાછળ ગયો.
‘નગમાજી?’ પાર્થે નગમાના ખભે હળવેથી હાથ મુક્યો. નગમા પાર્થની હથેળી પર પોતાની હથેળી દબાવતાં માત્ર એટલું જ બોલી:

‘પાર્થ, અહીં મને બહું ઘૂટન થાય છે. ક્યાંક ખુલ્લી હવામાં લઇ જાવ, મને.’
***

રિવરફ્રન્ટની એ બેન્ચ પર નગમા ક્યાંય સુધી બેસી રહી હતી. પાર્થ એની સામે સિમેન્ટની પાળી પર બેઠો હતો.‘પાર્થ, ખબર છે? મારી અમ્મીજાનની દિમાગની નસ કયા કારણથી ફાટી ગઇ?’ નગમાના અવાજમાં એક ખારાશ હતી. ‘કારણ કે આજથી ત્રણ વરસ પહેલાં મારી અમ્મીજાને મારા પિતાજીને પોતાની સાથે લગ્ન કરી લેવા માટે જીદ કરી હતી...’
પાર્થ સ્તબ્ધ થઇ ગયો.

‘મતલબ કે તમારાં અમ્મીજાન-’
‘હા...’ નગમા બેન્ચ પરથી ઊભી થઇને દૂર નદીના અંધારાને આંધળી આંખો વડે જોતી રહી. ‘મારા અમ્મી લખનૌમાં, જેને બદનામ ગલીઓ કહે છે, ત્યાંની નર્તકી હતી. પિતાજી એમના ઉપર ફિદા હતા. એ બંનેનાં શરીરો વડે મારો જન્મ થયો. હું જન્મથી અંધ હતી. પણ ગાયકી મારી અમ્મીજાન પાસેથી શીખી. મારા અવાજનો જાદુ જોઇને લખનૌના ભલભલા દલાલો મોં માગી કિંમત આપવા તૈયાર હતા... પણ એ જ કારણસર અમ્મીજાન લખનૌ છોડીને અહીં આવતાં રહ્યાં.’

પાર્થ આ અજીબ દાસ્તાન મૂંગે મોઢે સાંભળતો રહ્યો. ‘શૌકતઅલી, એટલે કે મારા પિતા પણ અહીં રહેવા આવી ગયા. પણ એક દિવસ અમ્મીજાનને ખબર પડી કે એમણે તો દસ વરસ પહેલાં કોઇ બીજી સ્ત્રી સાથે નિકાહ પઢી લીધા હતા! અને તે ઇન્ડિયા છોડીને હંમેશ માટે કેનેડા જતા રહેવાના હતા.’

‘ઓહ...’
‘અમ્મીજાનને એનો પણ વાંધો નહોતો. એ સિર્ફ એટલું જ ઇચ્છતાં હતાં કે જતાં પહેલાં શૌકત સાહેબ એમની સાથે પણ નિકાહ પઢી લે... બસ, એ જ વાત પર ઝઘડો થઇ ગયો અને-’
નગમાએ વાક્ય અધૂરું છોડી દીધું. પાર્થ સમજી ગયો કે અમ્મીજાનની મગજની નસ શી રીતે ફાટી ગઇ હશે.
***

ઓપરેશન શરૂ થઇ ગયું હતું.
સાંજના છ વાગે શરૂ થયેલું ઓપરેશન મિનિમમ પાંચ કલાક ચાલવાનું હતું. એક વાર અમ્મીજાનને સ્ટ્રેચર પર  સુવડાવીને તેમને ઓપરેશન થિયેટરમાં લઇ ગયાં પછી પાર્થને કશું કરવાનું નહોતું. તે આમતેમ આંટા મારી રહ્યો હતો. ત્યાં તેને રાજુ મળી ગયો.
‘પાર્થ, શું લાગે છે?’

‘શી ખબર, ડોક્ટરે તો કહ્યું છે કે ત્રીસ ટકા ચાન્સ છે.’ ‘ત્રીસ ટકાની વાત નથી કરતો. હું તો એમ પૂછું છું કે તારા આ ગેઇમ પ્લાનમાં કેટલા રૂપિયા લાગ્યા છે?’
પાર્થ સમસમી ગયો. ‘યાર, તને શું લાગે છે, હું આ પાંચ-સાત લાખ રૂપિયા નગમાને પટાવવા માટે ખર્ચી રહ્યો છું?’
‘હાસ્તો વળી!’

રાજુના જવાબથી પાર્થને સખત ચચરી ગઇ. તેણે રાજુનો કોલર પકડીને દાંત ભીંસીને તેને સંભળાવી દીધી. ‘સાંભળ રાજુ, હું આ એટલા માટે કરી રહ્યો છું કે હું નગમાને પ્રેમ કરું છું, પ્રેમ!’
‘અચ્છા?’ રાજુ એવી વિચિત્ર રીતે હસ્યો કે પાર્થ છોભીલો પડી ગયો. એણે કોલર
છોડી દીધો. એ જ વખતે પાછળથી નગમાનો અવાજ સંભળાયો: ‘પાર્થ, અહીં મને બહુ ઘૂટન થઇ રહી છે...’ શું નગમા આ બધું સાંભળી રહી હતી? પાર્થના પગ નીચેથી જાણે ધરતી સરકી ગઇ...{ (ક્રમશ:)

(મૉડલ - જુનૈદ કલાવંત, મોરની રાઠોડ અને ધ્રુવ સોમપુરા, તસવીર : પીયૂષ પટેલ)
(Navalkatha Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Literature Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Navalkatha on Sunday bhaskar by vibhavari varma
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended