Home »Literature »Navalika» Chandarvo By Raghavji Madhad In Sunday Bhaskar

રંગ છે, શેઠાણી!

Raghavji Madhad | May 19, 2017, 20:37 PM IST

  • રંગ છે, શેઠાણી!,  navalika news in gujarati
રંગ છે, શેઠાણી!
સિપાઈનું કહેવું સાંભળી અમરત શેઠાણીના અઢારેય કરોડ રૂંવાડાં અવળાં થઇ ગયા. મુખવટો બદલાઇ ગયો. ગોરા ને નમણા મોં પર આડા ઊભા ચાસ પડી ગયા. કેરીની ફાડ્ય જેવી આંખોમાં અગનજ્વાળા પ્રગટવા લાગી. જીભ કાબૂના ખીલા ખેંચાવી ચૂકી હતી. પરિણામની પરવા કર્યા વગર સળગતા સ્વરે કહી દીધું: ‘દીવાનની માંગણી મને મંજૂર નથી. થાય તે કરી લે.’ શેઠની હવેલીમાં સન્નાટો છવાઇ ગયો.
‘શેઠાણી, સંભાળીને બોલો.

દીવાન માથે શેખ બડેમિયાંના ચારેય હાથ છે.’ પછી અસલિયત ઓકતા લુચ્ચાઈથી કહ્યું: ‘શેખ વીફરશે એટલે તમારો હંધોય મદ ઊતરી જાશે, હમજ્યા!’  ‘હવે જા, જા..રાજનું એઠું ખાનારા...’ શેઠાણી કાળઝાળ થાતાં વીફરી ઊઠ્યાં: ‘આગળ બોલીશ તો જીભ ખેંચી લેશ્ય!’ પછી ત્રાડ પાડી: ‘ચોકીદાર! આના માથામાં દીવાનની રાઇ ભરાઇ ગઇ છે. ધક્કા મારીને કાઢો..’ આરબ ચોકિયાતના હડહડતા ધિક્કારની ગાંસડી માથે ઉપાડીને આવતલ જણ વાવંટોળના જેમ વછૂટ્યો...

તે દી’ માંગરોળ માથે શેખ બડેમિયાંના રાજ તપી રહ્યાં’તાં અને સંપત્તિમાં શેઠ કપૂરચંદના તેજ તપી રહ્યાં’તાં. માંગરોળના દીવાનને આર્થિક ભીંસે ભરડો લીધો હતો ત્યારે શેઠ કપૂરચંદે તેમની ભેર તાણી નગદ નાણાં ધીર્યાં’તાં. પણ ધરમ કરતાં ધાડ પડ્યા જેવું થયું હતું. દીવાનના પેટમાં પાપનાં બડબડિયાં બોલવા લાગ્યાં હતાં. નાણાં પાછા ન આપવાની ખોરી દાનત ગણિકાની જેમ નખરાં કરવા લાગી હતી. પણ સીધી રીતે ના કેમ પાડવી, હાથ ઉલાળીને ઊભા કેમ રહેવું? નાક નહીં તો આંખની શરમ તો નડે!

તેથી શેઠને આંટીમાં લેવાના કારસા કરવા લાગ્યા. આંટીમાં આવે તો પોતે શેઠને નિર્દોષ છોડાવે. એટલે લેતીદેતી માંડવાળ થાય. દીવાનની નજરમાં શેઠનો નવલખો ઘોડો આવ્યો. શેખ આગળ ઘોડાનાં ભરપેટ વખાણ કર્યાં ને શેખે ઘોડો જોવાની ઇચ્છા વ્યક્ત કરી. દીવાનને ધોડવું હતું ને ઢાળ મળ્યો હતો. ચપટી વગાડતાં, નગરશેઠની હવેલીએ ઘોડો લેવા સિપાઈને રવાના કરી દીધો પણ ધોયેલ મૂળા જેમ પાછો આવ્યો.
આ બાજુ શેઠ-શેઠાણી વચાળે ચકમક ઝરવી શરૂ થઇ હતી. શેઠનું કહેવું હતું: ‘રાજ સામે વાંધો પાડી ઠીક નથી કર્યું.’

તો સામે શેઠાણી કહે: ‘તમતમારે પેટ માથે હાથ રાખી ઊંઘી જાવ. પડશે એવી દેવાશે.’ ત્યાં શેઠ ચોખવટ કરતા કહે: ‘દીવાનને દીધેલાં નાણાં પાછાં આપવા નો પડે ઇની આ બધીય રાજરમત છે.’ પછી શેઠ ઊતરી ગયેલા મોંએ આગળ કહે: ‘નાણાંની માંડવાળ કરો કાં, પેર્યે લૂગડે રાજ છોડવાની તૈયારી રાખો. આવું કીધું છે!’ શેઠાણી ઘા ખાઈ ગયાં હતાં ને નેણની ઢીંગલિયું ભેગી કરી, કાળજાળ થાતાં બોલ્યાં હતાં: ‘આવી ધમકી તમે સાંભળી પણ લીધી!?’

શેઠાણી ધાગધાગા થઇ ઊઠ્યાં હતાં. અને ખાટીમીઠી વાતુંની સાક્ષી એવી હવેલીની દીવાલો અબોલ થઇ ઊભી હતી. શેઠે શાંતિથી કહ્યું હતું: ‘તમે અથર્યા થાવમાં, તેલ જુઓ, તેલની ધાર જુઓ. રાજ સામે બાથ ભીડવાની છે...’ ત્યાં સામે તાડૂકીને શેઠાણી કહ્યું હતું: ‘વખત આવે ભરી પીશું... કોની માએ સવાશેર સૂંઠ ખાધી છે તે આપણને પેર્યે લૂગડે માંગરોળ બાર્ય કાઢે? તમતમારે જોયા કરો!’
શેઠાણીએ મુનીમ દેવકરણ કંપાણીને ઝટ બોલાવી, ઘટના સમજાવી આગળનું સંભાળી લેવા કહ્યું.

આ બાજુ શેખ બડેમિયાં પ્રજાવત્સલ ને દીર્ઘદૃષ્ટા રાજવી પણ દીવાનની વાતોમાં આવી ગયા હતા. તેથી શેઠ સાથેના લીલાછમ સંબંધમાં મીઠાનાં હળ હંકાઇ ગયાં હતાં. દીવાનને આટલું જ જોઈતું હતું. તેણે સાગમટા સિપાઈઓ લઈને શેઠની હવેલી માથે હલ્લો કરાવ્યો. અડધીપડધી રાત પસાર થઇ ગઈ હતી. નગર નિરાતવું પોઢી ગયું હતું. શાંતિ પથરાયેલી હતી. કાળા ભમ્મર આભમાં તારોડિયાં લબૂક ઝબૂક થાતાં હતાં.

હવેલી ફરતે આરબ સિપાઈઓનો ચોકી-પહેરો લાગી ગયો હતો. તેની આગેવાની મહામાત્ય મુનીમ સંભાળી રહ્યા હતા ને બીજી બાજુ પુરુષવેશમાં ખુદ અમરત શેઠાણી મોરચો સંભાળી રહ્યાં હતાં. કાળમુખી બંધૂક લઇ રાજના સિપાઈઓ સામે ધણધણાટી બોલાવવા લાગ્યા હતા. સામે પણ બટાઝટી બોલવા લાગી હતી. ધણણણ...કરતું નગર ગાજી ઊઠ્યું ને શેખ બડેમિયાંની ઊંઘ ઊડી ગઇ. ઊંઘરેટી આંખને ચોળતાં વાર લાગે એ પહેલાં સિપાઈને સગડ લેવા મોકલી દીધો. હકીકત જાણી વળતા જવાબે હલ્લો અટકાવી દીધો.

બીજા દિવસે રાજકચેરી ભરાણી. તેમાં દીવાનને રુખસદ આપવામાં આવી. શેઠ-શેઠાણીને અદકો આદર આપવામાં આવ્યો. ભરકચેરીમાં શેખ બડેમિયાંએ કહ્યું: ‘આ જે કાંઇ બન્યું તેનું અમોને ભારોભાર દુઃખ છે. પણ એક વાતનો ગર્વ છે કે, આવી વીરાંગનાઓ રાજમાં છે. અન્યાયમાં રાજ સામે પણ ગોળી ચલાવી શકે!’ પછી ગજ ગજ છાતી ફુલાવીને કહ્યું: ‘માગી લે બેન, જોઈએ તે માગી લે...’ ત્યાં શેઠાણીએ ગરવાઇથી કહ્યું: ‘માગવું નથી, આપવું છે...આ દીવાન આમેય મરી ગયેલો તેને આપેલા નગદ નાણાં માંડવાળ કરીએ છીએ.’ રાજકચેરીમાં વાહ વાહ થવા લાગી. ત્યાં અટકાવીને શેઠાણીએ કહ્યું:

‘આ ખેલમાં દીવાને અમારા નવલખા ઘોડાને નિમિત્ત બનાવ્યો ને!’ સામે કોઈ કાંઇ બોલે એ પહેલાં જ શેઠાણીએ કહી દીધું: ‘તો નવલખો ઘોડો પણ રાજને દીધો..!’ પોરસના લીધે કોઈ બોલી શક્યાં નહીં પણ આ સલુણા ટાણે માંગરોળના પગ પંખાળતો જલાધિરાજ પણ હરખના લીધે બમણા વેગથી ઘૂઘવાટા કરવા લાગ્યો હતો. {
 
(Navalika Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Literature Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Chandarvo By Raghavji Madhad in Sunday Bhaskar
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended