Home »Literature »Navalika» Chandarvo By Raghavji Madhad In Sunday Bhaskar

વિદ્યાના અધિકારી !પોતે માસ્તરનાય ‘મોટા સાહેબ’ છે એવું કહી જ દે,

Raghavji Madhad | Dec 18, 2016, 02:47 AM IST

  • વિદ્યાના અધિકારી !પોતે માસ્તરનાય ‘મોટા સાહેબ’ છે એવું કહી જ દે,,  navalika news in gujarati
વિદ્યાના અધિકારી !પોતે માસ્તરનાય ‘મોટા સાહેબ’ છે એવું કહી જ દે, પણ સમસમીને ઊભા રહ્યા
 
ટાણા ગામનું પાદર આવ્યું એટલે મોટર થંભાવી. મોટરમાં બેઠેલા બ્રિટિશ એજન્સીના વિદ્યાધિકારી કવિ ન્હાનાલાલે અંદર રહીને રાબેતા મુજબ પોતાનો વેશ બદલ્યો. ઘડીભર કોઈને ખ્યાલ પણ ન આવે કે એજન્સીના વિદ્યાધિકારી છે! તેઓ પછી મોટર બહાર આવ્યા અને પાછળના દરવાજેથી પ્રવેશી એક વર્ગમાં ઊભા રહ્યા. એક વડો વિદ્યાર્થી પલાખાની મોંપાટ લેવરાવી રહ્યો હતો. કવિવરે સહેજ ઊંચા અવાજે તેને પૂછ્યું: ‘એલા છોકરાંવ તમારા માસ્તર ક્યાં છે!?’

છોકરાઓએ જવાબ આપ્યો ત્યાં વળી કહ્યું: ‘લાવો તમારું હાજરીપત્રક’ છોકરાઓ થોડા ડમકાયા, પણ વડા વિદ્યાર્થીએ કહી જ દીધું: ‘ના હો, અમારા સાયેબને પૂછ્યા વગર્ય નો દેવાય.’
વિદ્યાર્થીઓનો ઘસીને ના પાડવાનો જવાબ કવિવરને ખટક્યો. પળવાર થયું કે, પોતે માસ્તરનાય ‘મોટા સાહેબ’ છે એવું કહી જ દે, પણ સમસમીને ઊભા રહ્યા. ત્યાં બાજુના વર્ગમાંથી માસ્તર આવ્યા. તેમણે આ કવિવરને માથાથી પગ લગી જોઈ લીધા પણ ઓળખ્યા નહીં.

‘લાવો તમારું હાજરીપત્રક?’ સામે માસ્તરે પ્રશ્નાર્થભરી કવિવરને ત્રોફ્યા. ‘હું આપને ઓળખતો નથી, એમ હાજરીપત્રક ન આપી શકું.’ કવિની કલ્પના બહારનો જવાબ હતો. નહોતું કહેવું છતાંય કહેવાઇ ગયું ‘તમે મને ઓળખતા નથી?’ માસ્તરે જવાબ આપ્યો: ‘હાજી, હું આપને ઓળખતો નથી.’ સામે કવિરાજે કડકાઈથી કહ્યું: ‘આ તમને ભારે પડશે, સમજો છો?’ વિદ્યાર્થીઓ ગોકીરા વચાળે માસ્તરે ખુમારીપૂર્વક જણાવી દીધું: ‘વડીલ! જ્યાં સુધી અમારા ખાતાના વડા ન્હાનાલાલ કવિ બેઠા છે ત્યાં સુધી અમારો વાળ પણ કોઈ વાંકો ન કરી શકે!’

કવિવર સ્તબ્ધ થઇ ગયા. વર્ગખંડમાંથી નીકળી તપેલા તાપમાં છબછબિયા બોલાવતા મોટર પાસે આવ્યા. વળી મોટરમાં બેસી વેશ બદલાવ્યો. વિદ્યાધિકારી એ તો નોકરી, ફરજ હતી. બાકી તો તેમના હૃદયમાં સૌંદર્યનું ઝરણું ખળખળતું હતું. તેઓ સૌંદર્યના કીમિયાગર હતા. કવિએ શબ્દ પાસેથી લીધેલું કામ અપૂર્વ રહ્યું છે. ભાવની કુમાશ,ભાષાની કર્ણમધુરતા, ગેયતા પોષક લાલિત્ય, ઊર્મિ એકાગ્રતા, રસની સઘનતા અને મોહક કલ્પના વિલાસ...

કવિવર અવારનવાર વેશ-પોશાક બદલી દેશી શાળાની મુલાકાતે જઇ અસલિયતને પારખતા. ફરી પાછા શાળામાં એક રુઆબદાર અંગ્રેજ જેમ પ્રવેશ્યા ને જે વર્ગમાં વિવાદ કર્યો હતો ત્યાં આવીને ઊભા રહ્યા.
શિક્ષક અને વિદ્યાર્થીઓએ ઊભા થઇ નમસ્કાર કર્યા. પણ માસ્તર એકીટસે સામે જોઈ રહ્યા. મુખારવિંદ આંખોમાં કેદ થયેલું હતું. તે ઝબકારો થાતા વાર ન લાગી. અરે..આ તો હમણાં આવ્યા હતા તે...પણ સમય વ્યતીત કરવો પાલવે તેમ નહોતો. બે હાથ જોડી વિનંતીભાવે કહ્યું: ‘સાહેબ, આપને હું ઓળખી ન શક્યો. મને માફ કરો. મારી ભૂલ થઇ ગઇ.’

કવિવરે માસ્તરની કાકલૂદી પર જરીકેય લક્ષ ન આવ્યું. મોં ફેરવી વર્ગની તપાસણી કરવા લાગ્યા. માસ્તરના પગ તળેથી જમીન સરકવા લાગી. તેમણે મરણિયો પ્રયાસ કરતા કહ્યું: ‘સાહેબ, મારા નોકરીદાતા આપને અપમાનિત કરવાનો મારો જરીકેય ઈરાદો નહોતો...’ કવિવરે માસ્તર સામે આછડતી નજર નાખી. નજરમાં નર્યો ઉપલાંભ ભર્યો હતો. માસ્તર માટે અસહ્ય સ્થિતિ હતી પણ દેખીતી પોતાની કોઈ ભૂલ નથી તે વાતે જરીક નિરાંત હતી. બાકી જે થાય તે જોયું જાશે...

વર્ગ તપાસણી કરીને વિદ્યાધિકારી કવિ ન્હાનાલાલ ગયા. માસ્તરને ઊંડે ઊંડે પણ મનમાં ફડક બેસી ગઇ હતી. આ કવિ નક્કી પોતાને પાણીચું પકડાવી દેશે. વળી તેમની કડકાઈ પણ જગજાહેર છે. તેમાં પાછું હાજરીપત્રક આપવાની ના પાડી તેમાં હડહડતું અપમાન થયું, એવું સમજે છે. એટલે પગલાં ભરવા કસર નહીં છોડે. મૂળિયાં ઉખેડી નાખશે. ઠીક છે, પડશે એવા દેવાશે. છેલ્લે તો એવુંય ધારી લીધું-ડેલી ગઇ તેલ પીવા, ગામના ચોરે જઈને પથારી કરીશું...બીજા રાજમાં માસ્તરગીરી કરીશું બીજું શું! આ ઘટના પછીના થોડા દિવસો બાદ એક ટપાલ આવી. તેમાં લખ્યું કે, અમારે રાજ્યમાં આવા નીડર ને પાણીદાર માસ્તરની જ જરૂર છે. તમારી આવી ખુમારી ને નીડરતાની કદર કરવામાં આવે છે. કદરના ભાગરૂપે તમારો પગાર રૂપિયા બાર હતો તે વધારીને રૂપિયા વીસ કરવામાં આવે છે!
 
(Navalika Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Literature Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Chandarvo By Raghavji Madhad in Sunday Bhaskar
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended