Home »Literature »Navalika» Article Of Suspense By Manhar Ravaiya In Kalash Magazine

બાધક

Manhar Ravaiya | May 16, 2017, 19:55 PM IST

  • બાધક,  navalika news in gujarati
બાધક
ગુંજન પાર્ટીપ્લોટમાં શહેરના જાણીતા જ્વેલર દિલીપ શેઠની પુત્રીનાં લગ્નનો સમારંભ જામ્યો હતો. ધીમા ધીમા કર્ણપ્રિય મ્યુઝિક સાથે એક તરફ સપ્તપદીના મંગળ ફેરાની વિધિ ચાલુ હતી, તો એક તરફ બુફે જમણવાર શરૂ થઈ ગયો હતો.

જમીને નિકિતા બહાર આવી તો સહેલી અનુ અને સુમન ત્યાં ન હતાં. આથી તેઓને શોધવા જ્યાં ડી.જે.ના તાલે નવયૌવન હિલોળે ચડ્યું હતું ત્યાં નિકિતા આવી. એણે જોયું તો એક યુવાન ગજબનો ડાન્સ કરી રહ્યો હતો. સૌ કોઈ એનો ડાન્સ જોવા થંભી ગયા હતા. યુવાન હતોય હેન્ડસમ. કોઈ રાજવંશી હોય તેવો ચમકતો ચહેરો. મોટી મોટી આંખો, કસાયેલ બાંધો, કાળી ભમ્મર દાઢી, આંખે ગોગલ્સ જોતાં જ એ હીરો જેવો લાગતો હતો.

તેનો ડાન્સ પૂરો થતાં નિકિતા તેની તરફ દોડી ગઈ. યુવાન સાથે હાથ મિલાવી અભિનંદન પાઠવ્યા. નિકિતા પણ સુંદર ફૂલઝડી જેવી હતી. તેનું નામ પરિચય આપી યુવાનનું નામ પૂછ્યું. એટલે યુવાને એનું નામ ઉત્પલ કહ્યું, બસ પહેલી મુલાકાતમાં જ નિકિતા અને ઉત્પલે એકબીજાના મોબાઇલ નંબરની આપ-લે કરી. નિકિતાની પહેલાં સગાઈ થઈ ને તૂટી ગયેલી. કારણ એ પોતે બિન્ધાસ્ત સ્વભાવની હતી અને એ મેઇન બજારમાં લવલી બ્યુટિક ચલાવતી હતી.

તેનો બિઝનેસ સારો ચાલતો હતો. ઉત્પલને પણ ઇમિટેશન જ્વેલરીનો શોરૂમ હતો. બન્ને મોબાઇલથી વાતો કરતાં. સાથે ફરતાં મૈત્રી પ્રેમ પરિણયમાં પરિણમી. ઉત્પલ પાસે એક ફ્લેટ પોતાનો હતો. લગ્ન બાદ નિકિતા તેની સાથે રહેવા આવી ગઈ, કારણ કે ઉત્પલના પિતાની પાસે સ્થાવર મિલકત ખાસ્સી હતી અને એ મિલકતનો એકમાત્ર વારસ ઉત્પલ હતો. નિકિતાના લવલી બ્યુટિકમાં બે છોકરીઓ સેલ્સગર્લ તરીકે કામ કરતી હતી.

એ સિવાય બીજી છોકરીઓ એમ્બ્રોઇડરી વર્ક શીખવા આવતી હતી. એ સૌને બ્યુટિકની ડ્રેસ ડિઝાઇનર મહેક શીખવતી હતી. મહેક સરળ અને સ્વાભિમાની હતી. એના પતિનું નામ આદિત્ય હતું. આદિત્ય જ રોજ સવારે મહેકને બ્યુટિક પર મૂકી જતો હતો અને સાંજે લઈ જતો હતો. આદિત્યનું કસાયેલ બોડી, ગોરો વાન, ચમકતો ચહેરો ભલભલાને આકર્ષિત કરે એમ હતું. ઉત્પલ જરા ઠંડો હતો. જ્યારે આદિત્ય તરવરાટભર્યો યુવાન હતો.

એ નિકિતાને પ્યારી નજરથી જોતો હતો. તો નિકિતાય આદિત્યને મળવાની તક શોધતી હતી. કારણ એ હંમેશાં મહેકને મૂકી બહારથી જ નીકળી જતો હતો, પણ એક દિવસ નિકિતાનું કામ થઈ ગયું. મહેકને તાવ-શરદી જેવું હતું તેથી એ બ્યુટિક નહીં આવે તે સમાચાર આપવા અંદર ગયો, તો નિકિતાએ આદિત્યને ચા-પાણી માટે બેસાડ્યો. ચા પીતાં પીતાં આદિત્યે નિકિતાની સુંદરતાનાં ખૂબ વખાણ કર્યાં, ત્યારે નિકિતા આદિત્યના હાથ પર હાથ મૂકીને બોલી કે, ‘આદિત્ય, મને એમ થાય કે તમને લઈને ક્યાંક દૂર દૂર એકાંતમાં ચાલી જાઉં.’ ‘તો એમાં શું? હું તૈયાર જ છું.’ આમ કહી આદિત્ય હસી રહ્યો.

સમય જતાં સાથે બન્ને વચ્ચે અવૈધ સંબંધનો પાયો નંખાયો. તો આ તરફ મહેકને આદિત્ય પસંદ ન હતો.તેણે રૂઢિચુસ્ત વડીલોનું માન રાખી લગ્ન કર્યાં હતાં. એ લવલી બ્યુટિકમાં કામ કરતી હતી, તેથી ઉત્પલને ઓળખતી હતી. અવારનવાર ઉત્પલના ઇમિટેશન જ્વેલરીના શોરૂમ પર ખરીદી માટે જતી હતી. વળી, ઉત્પલ મહેકના બિલના રૂપિયા લેતો ન હતો. ધીરે ધીરે મહેક અને ઉત્પલ નજીક આવતાં ગયાં ને બન્ને એક થઈ રહ્યાં.

નિકિતા અને આદિત્યને લગ્ન કરી લેવાં હતાં, પણ નિકિતાનો પતિ ઉત્પલ નડતરરૂપ હતો. બન્ને મળીને ઉત્પલને પતાવી દેવા માગતાં હતાં. બહુ વિચારના અંતે નિકિતાએ જેન્તી જોખમને ઉત્પલને દૂર કરવા પચાસ હજારની સોપારી આપી. હવે આઠેક દિવસ જેવું વીતી જતાં કામ થયું નહીં એટલે નિકિતા પોતે જેન્તી જોખમને મળી ત્યારે જેન્તી જોખમે કહ્યું, ‘જુઓ મેડમ, મેં આજ સુધી ઘણાને મોતને ઘાટ ઉતાર્યા છે, પણ હવે હું લોકોને મહોબતને ઘાટ ઉતારવા માગું છું. તમારા બ્યુટિકમાં કામ કરતી મહેક અને ઉત્પલ બન્ને પ્રેમી છે. એમનો બાધક છે આદિત્ય તેને પતાવી દેવા એ સોપારી દેવા આવી છે.

અહીં જ છે. અત્યાર સુધી તમે ખાનગીમાં પ્રેમ માણ્યો. હવે તો એકબીજાને જાણ થઈને? માટે લ્યો આ તમારા પચાસ હજાર, તમારે સોપારીની જરૂર નથી, પણ વર બદલવાની જરૂર છે. ‘મહેક, જરા બહાર આવ.’ મહેક બહાર આવતાં નિકિતાને ભેટી પડી. બન્નેના બાધક મટી પ્રેમી બની ગયા ને બે જીવ બચી ગયા.
(Navalika Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Literature Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Article Of Suspense By Manhar Ravaiya In Kalash Magazine
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended