Home »Literature »Navalika» Article Of Suspense By Manhar Ravaiya In Kalash Magazine

બદલો-અહીં સારું હતું, બહાર જવું એ જ મારા માટે સજા છે

Manhar Ravaiya | Mar 08, 2017, 12:16 PM IST

  • બદલો-અહીં સારું હતું, બહાર જવું એ જ મારા માટે સજા છે,  navalika news in gujarati
બદલો-અહીં સારું હતું, બહાર જવું એ જ મારા માટે સજા છે
વહેલી સવારે જેલના સંત્રીએ સૂચના આપી કે જગમાલ નહાઈને પછી ઓફિસમાં આવ જેલર સાહેબ બોલાવે છે. જગમાલ જ્યારે ઓફિસમાં આવ્યો ત્યારે જેલર સાહેબ રોહિતકુમાર ફાઇલમાં કશુંક લખી રહ્યા હતા, પણ જગમાલને જોતાં જ એ બોલ્યા, ‘અરે જગમાલ! અત્યારે તું મુક્ત, આજનો દિવસ તારા માટે શુભ અને ખુશીનો દિવસ ખરુંને?’, ‘સાહેબ, મારી ખુશીનું સ્વપ્ન તો આજથી દસ વર્ષ પહેલાં જ ભસ્મીભૂત થઈ ગયું છે.

અહીં સારું હતું, બહાર જવું એ જ મારા માટે સજા છે.’, ‘અરે ભાઈ! મારી તને એક સલાહ છે કે બહાર જઈને ગુનાખોરી છોડીને સારું જીવન શરૂ કરજે, જેથી તને સજા નહીં, પણ મજા આવશે.’, ‘સાહેબ, હું કોઈ રીઢો ગુનેગાર નથી કે નથી મેં ગુનો કર્યો. હા, ફક્ત મેં માનવતા જતાવી ને પરિસ્થિતિ પલટાતાં હું ગુનેગાર ઠર્યો.’ ‘હું સમજ્યો નહીં.’

‘એ વાત જરા લાંબી છે, પણ હું ટૂંકમાં કહીશ. જગમાલની આંખો સામે દસ વર્ષ પહેલાંની ઘટના તરવરી ઊઠી અને શબ્દો એના હોઠેથી સરવા લાગ્યા. હું સન પ્લાસ્ટિક પ્રોડક્ટમાં સેલ્સ વિભાગમાં હતો અને મને પસંદ હતી એ અનુ પેકિંગ વિભાગમાં કામે આવતી હતી. મને એની પર અનહદ પ્રેમ હતો, પણ એને મારા પ્રેમની પડી ન હતી. જોકે, એનામાં માણસને ઓળખવાની સમજ ન હતી ને અમારી ફેક્ટરીના મેનેજર તરફ વધારે ઝુકાવ હતો. એ મેનેજરની ઓફિસમાં બહુ જતી આવતી હતી. ત્યારે મેં એક બે વખત અનુને સમજાવેલી કે તું મેનેજર પાસે જતા આવતા સાવચેત રહેજે, એ નજરનો સારો નથી, પણ મેનેજર પર લટ્ટુ બનેલીને મારી વાત

ક્યાંથી સંભળાય!
છતાંય હું એને એક તરફી પ્રેમ કરતો હતો, પણ એક દિવસ ફેક્ટરીમાં બે દિવસની રજા હતી. હું બહાર ગામના ઓર્ડર લેવા ગયો હતો. બપોરના બે વાગ્યે હું પરત આવ્યો. બાઇક જે મેં ફેક્ટરીના ગ્રાઉન્ડમાં મૂકી હતી, તે લેવા ગયો તો મેઇન દરવાજો બંધ હતો, તેથી હું પાછળ નીચી દીવાલ ઠેકીને અંદર ગયો. એ જ વખતે ગોડાઉનમાંથી એક સ્ત્રીની ચીસ ઊઠી. હું એ તરફ દોડીને ગયો. મેં જોયું તો મેનેજર અને ફેક્ટરીના માલિકનો લોફર છોકરો વિકી અનુ પર જબરજસ્તી કરી રહ્યા હતા.

અનુ વિકીની પકડમાં તરફડી રહી હતી. મને જોતાં જ મેનેજરે ભાગી જવા કહ્યું, પણ અનુને બચાવવા માટે ગોડાઉનમાં નજર કરી તો લોખંડની પાઇપ પડી હતી. તે ઉપાડીને મેં વિકીને લલકાર્યો. સાલ્લા, હરામી એને છોડી દે નહીંતર... મને ગુસ્સો આવ્યો તે દોડીને લોખંડની પાઇપ વિકીના માથામાં ઝીંકી દીધી. લોહીની ધાર થઈ વિકીની પકડ ઢીલી પડી ગઈ એ ત્યાં જ ઢળી પડ્યો. આ જોતાં જ મેનેજર ભાગી છૂટ્યો. અનુ ફેક્ટરી બંધ હતી છતાં એને પેકિંગ કરવા બોલાવી હતી, પણ હું ત્યાં ન પહોંચ્યો હોત તો અનુ લૂંટાઈ ગઈ હોત.

છતાં પણ એણે નિવેદન ન આપ્યું કે મારે વિકીની હત્યા કેમ કરવી પડી? વિકીનો બાપ વિકીના હત્યારા તરીકે મને છોડે તેમ ન હતો. અંતે મેં પોતે જ મારી જાતને વિકીના હત્યારા તરીકે સરેન્ડર કરેલી.’
જરૂરી કાર્યવાહી પૂર્ણ થતાં જગમાલ જેલમાંથી બહાર આવ્યો. એના પરિવારમાં એક મા સિવાય કોઈ ન હતું, તેથી માને મળવા એ અધીરો થયો હતો, પણ વિકીનો બાપ વિકીની હત્યાનો બદલો લેવા ઉતાવળો હતો.

જગમાલ ધીમી ચાલે ઘર તરફ જઈ રહ્યો હતો. ત્યાં રસ્તામાં એક કાર એની પાસે આગળ આવીને ઊભી રહી. એ હજુ કશું સમજે એ પહેલાં કારનું બારણું ખૂલ્યુને પાછળ બેઠેલી વ્યક્તિએ જગમાલને કારમાં ખેંચી લીધો. જગમાલ સમજી ગયો કે આ કામ વિકીના બાપનું છે. થોડી વારે કાર એક ખંડેર જેવા મકાન પાસે આવીને ઊભી રહી. એક કરડા ચહેરાવાળો માણસ જગમાલને અંદર દોરી ગયો. થોડી વારે વિકીનો બાપ આવ્યો. એ જ વખતે કોઈએ બહાર હવામાં ધાડ...ધાડ... બે ફાયર કર્યા. આથી વિકીનો બાપ અને એના માણસ ભાગી છૂટ્યા. એક નકાબપોશ સ્ત્રી અંદર આવી.

જગમાલે સ્ત્રીના હાથમાં રિવોલ્વર જોઈ પૂછ્યું કે કોણ છે તું? સ્ત્રીએ ચહેરા પરથી નકાબ દૂર કર્યો ને જગમાલ બોલી ઊઠ્યો. ‘અરે! અનુ તું અહીં?’, ‘હા, વિકીના બાપને બદલો લેવો હતો અને મારે બદલો વાળવો હતો. લે, હું જાઉં છું.’ કહેતી અનુ નીકળી ગઈ. બે દિવસ બાદ જગમાલ એના ઘરે મળવા ગયો તો એક ભાઈ બહાર ખાટલે બેઠા હતા. એને પૂછ્યું, ‘અનુ છે?’ ‘ના કેમ?’ ‘ક્યા બહાર ગઈ છે.’, ‘ના, તને ખબર નથી એ તો એક વર્ષ પહેલાં ગુજરી ગઈ છે.’ જગમાલ દિગ્મૂઢ થઈ ગયો.
(Navalika Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Literature Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Article Of Suspense By Manhar Ravaiya In Kalash Magazine
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended