Home »Literature »Navalika» Article Of Laghu Katha By Hemal Vaishnav In Kalash Magazine

નીચી વરણ

Hemal Vaishnav | Apr 18, 2017, 19:51 PM IST

  • નીચી વરણ,  navalika news in gujarati
નીચી વરણ
બોન, લોટો પાણી આલજોને.’ કોલોનીના છેડે બંધાતા બંગલા માટે ઈંટો ભરીને લાવતા ગાડાવાળાએ નિલીમાબહેનના ઘરના ઝાંપે આવીને કહ્યું.‘રોજ અહીંયાં પાણી માગવા આવો છો તો તમારા કોન્ટ્રાક્ટરને કહોને પાણીની સગવડ કરી આપે? બંગલા બીજાના બંધાય અને પાણીની પરબ અમારે બાંધવાની?’ નિલીમાબહેન તાડૂક્યાં.

‘બેટા, આવા મોંઘાદાટ રમકડાં લઈને ઓટલા પર રમવાનું નહીં, આ નીચી વરણનો કોઈ ભરોસો નહીં. પાણી લેવાને બહાને ક્યારે હાથ સાફ કરી જાય એ ખબર પણ ના પડે.’ નાનકડા નિલય પાસેથી વીડિયોગેમ લઈ લેતાં નીલિમાબહેન બોલ્યાં.

સ્કૂલબસમાંથી નિલય સિવાયના બધા છોકરા ઊતરી ગયા હતા. ખાલી બસમાં નિલયને ન જોતાં નિલીમાબહેનના પેટમાં ફાળ પડી. હાંફળાંફાંફળાં એમણે એક્ટિવા પોતાના બંગલાની બહાર કાઢ્યું જ હતું, કે સામેથી ઈંટો ભરેલા ગાડાને ખેંચતાં આવતું દંપતી જોયું. ગાડાની મધ્યમાં નિલય કોઈ પાર્કની રાઇડમાં બેઠો હોય એવી રીતે કિલકારી કરતો બેઠો હતો.

‘બાબાભાઈ તો રસ્તે એકલા ઊભા હતા.’ ગાડા પરથી નિલયને જાળવીને ઉતારતાં પરસેવે રેબઝેબ ગાડાવાળો બોલ્યો. ‘નિલય બેટા, બસ ચૂકી જવાય તો સ્કૂલની અંદર જતાં રહેવાનું, આ નીચી વરણના લોકોને તો ઉપાડી જતાં વાર પણ ના લાગે.’ નિલયને અંદર લઈ જતાં નિલીમાબહેન એને સલામતીના પાઠ ભણાવી રહ્યાં.

બીજા દિવસે ફ્રીઝમાંથી પાણીની બોટલ લઈને બહાર તરફ જતાં નિલયને નિલીમાબહેને રોક્યો. ‘ક્યાં જાય છે બેટા?’ ‘મમ્મી, પેલા નીચી સમથિંગ સમથિંગ અંકલને પાણી આપવા.’ નિલયે નિર્દોષતાથી જાહેરાત કરી. ‘આ કડિયા લોકો હવે અહીંથી ટળે તો સારું.’ બોલતાં બોલતાં નિલીમાબહેન નિલયના હાથમાંથી ખેંચીને ઠંડા પાણીની બોટલ ગુસ્સાને કાબૂમાં રાખવા ગટગટાવી ગયાં.
(Navalika Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Literature Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Article Of Laghu Katha By Hemal Vaishnav In Kalash Magazine
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended