Home »Kutchh »Bhuj» Mokhana PSI Immediate Suspension, 3 PSI Transfer

મોખાણામાં ગોળી ચલાવનારા PSIને તાત્કાલિક ફરજ મોકૂફ કરો, 3 PSIની બદલી

Bhaskar News, Bhuj | Feb 16, 2017, 03:57 AM IST

  • તાલુકા આહિર સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને પોલીસ અધિકારીને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવાની માગ કરી છે
ભુજ:  ભુજ તાલુકાના મોખાણા ગામે મંગળવારે લોકો સાથે થયેલા ઘર્ષણ દરમિયાન ગોળીબાર કરીને પધ્ધરના તત્કાલિન પીએસઆઇએ નિર્દોષ ખેતમજૂરને ગંભીર ઇજા પહોંચાડી છે, તેવા આક્ષેપ સાથે તાલુકા આહિર સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને પોલીસ અધિકારીને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવાની માગ કરી છે. માધાપર પાસેની સમાજવાડીમાં એકઠા થયેલા 5 હજાર જેટલા જ્ઞાતિજનોએ ભુજના જ્યુબિલિ ગ્રાઉન્ડથી રેલી યોજીને કરેલી રજૂઆતમાં જો 7 દિવસમાં શિક્ષાત્મક પગલાં નહિ લેવાય તો આંદોલન છેડવાની ચીમકી પણ આપી હતી.
 
આહિર પટ્ટીમાં ચકચાર જગાવનારા ગોળીબારના બનાવને પગલે માત્ર તાલુકાજ નહિ પણ કચ્છભરમાંથી મોટી સંખ્યામાં હાજર સમાજના લોકોની પ્રથમ માધાપરની સમાજવાડીમાં બેઠક યોજાઇ હતી જેમાં પોલીસ કાર્યવાહી સામે ઉગ્ર રોષ વ્યક્ત કરાયો હતો. સભાના સમાપને ભુજ પહોંચેલા આહિરોએ વિશાળ રેલી સાથે સમાહર્તા સમક્ષ કરેલી રજૂઆતમાં જણાવાયું હતું કે, વીજ ચેકિંગમાં ગયેલી ટુકડી સાથે ગ્રામજનોની થોડી રકઝક થયા બાદ કોઇ વિવાદ રહ્યો ન હતો. આ બનાવ બાદ ગામથી બહાર ચાર રસ્તા પર ધસી આવેલા પધ્ધરના પીએસઆઇ બ્રહ્મભટ્ટ દ્વારા ઇરાદાપૂર્વક ગોળીબાર કરીને આહિર યુવાનને મારી નાખવાની કોશિશ કરાઇ હતી. પોલીસ અધિકારીએ કોઇ ચેતવણી આપ્યા વિના છાતી પર સીધી ગોળી મારી હતી તેવા આક્ષેપ સાથે ઉમેરાયું હતું કે, સદ્દનસીબે યુવાન થોડો હટી જતાં તેને હાથમાં ગોળી વાગી હતી.
 
પીએસઆઇ તેમજ તેની સાથે રહેલા અન્ય પોલીસ કર્મચારીઓ સામે સાત દિવસમાં કડક કાનૂની કાર્યવાહી નહીં કરાય, તો સમાજ દ્વારા આંદોલન છેડાશે તેવી ચીમકી ઉચ્ચારાઇ હતી. અા ઉપરાંત ખેડૂતો સામે ફરિયાદો કરાઇ છે તેને રદ્દ કરવાની માગ કરાઇ હતી. સમાજના પ્રમુખ રૂપાભાઇ ચાડ, જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી.કે. હુંબલ, શિવજી આહિર, ત્રિકમ છાંગા, દામજી રાણા આહિર, દેવરાજ મ્યાત્રા સહિતના આગેવાનો અને બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો જોડાયા હતા.
 
મોખાણા ફાયરિંગના બનાવને પગલે ત્રણ PSIની બદલી
ભુજ તાલુકાના મોખાણા ગામે મંગળવારે સવારે ફાયરિંગની ઘટનાને પગલે પશ્ચિમ કચ્છમાં ત્રણ પીએસઆઇની આંતરિક બદલી કરવામાં આવી હતી, જેમાં પધ્ધર પોલીસનો વધારાનો ચાર્જ સંભાળતા કે.ડી. બ્રહ્મભટ્ટ પાસેથી પાછો મેળવી માત્ર અેલઆઇબી શાખાની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે દયાપરના પીએસઆઇ ટી.એ. ગઢવીને પધ્ધર પોલીસ સ્ટેશને મૂકવામાં આવ્યા છે, તો તેમની ખાલી પડેલી જગ્યાએ ખાવડાના પીએસઆઇ ડી.બી. મજેઠિયાને દયાપર મૂકવામાં આવ્યા છે.
 
વધુ વાંચવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Mokhana PSI immediate suspension, 3 PSI transfer
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext