Home »Kutchh »Bhuj» Bhuj Boy Inspiration Story, Rohan Becomes Doctor To Find Cure For Thalassemia

ભુજના રોહનની કાબિલેદાદ પ્રેરણાગાથા: દર્દની દવા શોધવા પોતે બન્યો તબીબ

Bhaskar News, Bhuj | Mar 06, 2017, 11:03 AM IST

  • પિતા હિરેનભાઇ સાથે રોહન
ભુજ:  ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં 99.71 પર્સન્ટાઇલ અને ગુજકેટમાં 99.65 ટકા કોઇ સામાન્ય છાત્રને લેવા હોય તો પણ દિવસ-રાત મહેનત કરવી પડે. થેલેસેમિયા મેજરથી પીડાતા વિદ્યાર્થીનું જો આ પરિણામ હોય તો કલ્પના જ કરવી રહી કે તેણે કેટલો પ્રચંડ પુરૂષાર્થ કર્યો હશે. 

અહીં વાત કરવી છે મૂળ ભુજના અને હાલે અમદાવાદ નિવાસી લોહાણા યુવાન રોહન જોબનપુત્રાની કે જેમણે તાજેતરમાં એમબીબીએસની ડિગ્રી ઉચ્ચ ક્રમાંક સાથે મેળવી તબીબીક્ષેત્રે પગરણ માંડ્યાં છે. એક સમય હતો કે જ્યારે તેને થેલેસેમિયાના દર્દી કરી શકે તેવાં જ કામ કરવાની સૌ સલાહ આપતા હતા. ડોક્ટર દંપતી હિરેનભાઇ અને પ્રવિણાબેનને ત્યાં પુત્રજન્મની ખુશીને ત્યારે ધક્કો વાગ્યો જ્યારે તેમને જાણ થઇ કે તેમનું 6 માસનું બાળક થેલેસેમિયાગ્રસ્ત છે અને સામાન્ય જીવન જીવવા માટે પણ તેણે ખૂબ સંઘર્ષ ખેડવો પડે એમ છે. 

રોહનના જણાવ્યા મુજબ તેના રોગે જ તેના માટે પ્રેરણાનું કામ કર્યું છે. થેલેસેમિયાની દવા શોધવી એ જ હવે મારું સ્વપ્ન છે. દર 15 દિવસે સંક્રમિત લોહી બદલવા માટે તેને 350 મીલી લોહીની જરૂર પડે છે. આ ટ્રાન્સફ્યુઝન તે પહેલાંથી જ રાત્રે કરાવતો આવ્યો છે જેથી તેના દિવસના અભ્યાસને અસર ન પહોંચે. આ પ્રક્રિયા દરમિયાન તેના શરીરમાં અનેક વખત લોહતત્વ અતિશય વધી જતું હોય છે જેને બેલેન્સ કરવા માટે કેટલીકવાર તો 18-18 કલાક પેટમાં દવાનું ઇન્જેક્શન સતત રાખવું પડતું હોય છે. આ સ્થિતિ વચ્ચે પણ રોજના 14 થી 16 કલાકનો અભ્યાસ તેણે રાખ્યો હતો.
 
આશા રાખી શકાય કે કુદરતે રોહનને જે રીતે નિમિત્ત બનાવ્યો છે તે જ રીતે ભવિષ્યમાં થેલેસેમિયાની દવા શોધવામાં પણ તે જ નિમિત્ત બની અન્યો માટેનો માર્ગ પ્રશસ્ત કરે અને તેના માતા પ્રવિણાબેન, પિતા હિરેનભાઇ, બહેન હેત્વી તેમજ દાદા-દાદીએ જે ભોગ આપ્યો છે તેને ગૌરવાન્વિત કરે.

આધુનિક સારવાર થકી હવે રોગને ટક્કર આપી શકાય
રોહનના તબીબ ડો. અનિલ ખત્રીના જણાવે છે કે સામાન્ય રીતે થેલેસેમિક મેજર દર્દીનું આયુષ્ય 15 થી 20 વર્ષનું હોય છે પરંતુ આજે આધુનિક પદ્ધતિઓ થકી વ્યક્તિ 50 વર્ષ સુધીનું આયુષ્ય આસાનીથી પામી શકાય છે. રોહનના લીવર અને હૃદય તેના ઇરાદાઓ જેવાં જ મજબૂત હોવાથી તે ન માત્ર સારી રીતે જીવી શકશે પરંતુ સમાજની સેવા પણ યોગ્ય રીતે કરી શકશે.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bhuj Boy Inspiration story, Rohan becomes doctor to find cure for thalassemia
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended