Home »Kutchh »Bhuj» Adani Project Will Be 60 Thousand Unemployed

અદાણીના પ્રોજેક્ટથી 60 હજાર બેકાર થશે, 15 હજારને રોજગારી મળવાનો દાવો પોકળ

Jaydeep Vaishav, Bhuj | Mar 18, 2017, 03:59 AM IST

  • અદાણીના પ્રોજેક્ટથી 60 હજાર બેકાર થશે, 15 હજારને રોજગારી મળવાનો દાવો પોકળ,  bhuj news in gujarati
ભુજ:ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં અદાણી જૂથ દ્વારા 21.7 અબજ ડોલરના ખર્ચે શરૂ થનારા કોલસા ખાણના કારમાઇલ પ્રોજેક્ટના કારણે પર્યાવરણને થનારી ગંભીર અસરોને લઇને ભારત આવેલા ઓસ્ટ્રેલિયાના કન્ઝર્વેશન ફાઉન્ડેશનના પ્રતિનિધિ મંડળે આ સૂચિત પ્રોજેક્ટથી ટાપુનો પ્રવાસન ઉદ્યોગ ખતમ થવાની સંભાવનાએ 60 હજાર લોકોની રોજગારી છીનવાય તેવી ભીતિ દર્શાવી છે. શુક્રવારે મુન્દ્રાની મુલાકાતે નીકળતા પહેલાં  ફાઉન્ડેશનના પ્રમુખે ભુજમાં દિવ્ય ભાસ્કર સાથે કરેલી વિશેષ વાતચીતમાં ગ્લોબલ વોર્મિંગના ખતરા વચ્ચે પર્યાવરણ માટે ખતરનાક સાબિત થનારા અદાણીના પ્રકલ્પને કોઇપણ સંજોગોમાં શરૂ નહીં કરવા દેવાની ચીમકી ઉચ્ચારી હતી.

 અમદાવાદમાં અદાણી હાઉસમાં પ્રોજેક્ટ પડતો મૂકવાની માગ કરતો પત્ર પાઠવીને ભુજ આવી પહોંચેલા કન્ઝર્વેશન ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ જ્યોફ કઝિન્સે કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયામાં 3.50 લાખ સમર્થકો ધરાવતા તેમના સંગઠને અદાણીના સૂચિત પ્રોજેક્ટથી થનારા પર્યાવરણના નુકસાનનો અભ્યાસ કર્યો છે અને વધુ ઝીણવટભરી વિગતો માટે તેઓ અહીં આવ્યા છે. તેમણે કરેલા દાવા મુજબ ક્વીન્સલેન્ડ અને આસપાસના ટાપુ વિસ્તારના લોકો કોલસા આધારિત પ્રકલ્પનો વિરોધ કરી રહ્યા છે, તેમ છતાં રાજ્ય અને ફેડરલ સરકારે અદાણીને લીલીઝંડી દર્શાવી છે, જે ભવિષ્યમાં જોખમી સાબિત થઇ શકે છે.

તેમની સાથે આવેલા અને ટુરિસ્ટ બોટના વ્યવસાય સાથે સંકળાયેલા મહિલા લિન્ડસેના જણાવ્યા મુજબ ક્વીન્સલેન્ડ અને તેની આસપાસના ટાપુઓ પ્રવાસન માટે વિખ્યાત છે, જેને પગલે લાખો સહેલાણીઓ મુલાકાતે આવે છે. આ વિસ્તારના લોકો માટે ટુરિઝમ એક મોટો વ્યવસાય બની ગયો હોવાથી વર્તમાન સમયે 60 હજારથી વધુ લોકો પ્રવાસનને સાંકળતી રોજગારી મેળવી રહ્યા છે, પણ જો અદાણીનો પ્રોજેક્ટ શરૂ થશે, તો પર્યાવરણને મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા હોતાં પ્રવાસન સ્થળનું નામોનિશાન મીટી જવાના પગલે આ તમામ લોકોની રોજગારી છીનવાઇ જવાની ભીતિ છે. આ સંજોગોમાં કોલસાના વિકલ્પે સૌર ઉર્જા આધારિત પ્રકલ્પ ચાલુ કરી શકાય તેમ સૂચવતાં તેમણે છેલ્લે સુધી લડી લેવાની તૈયારી દર્શાવી હતી.
 
ચાર સભ્યોની ટુકડીમાં આવેલા પશુપાલન અને ખેતીનો વ્યવસાય કરતા બ્રુસ ક્યૂરીએ વૈજ્ઞાનિક તથ્યો સમજાવતાં કહ્યું હતું કે, ક્વીન્સલેન્ડમાં ગેલિલિ બેસિન આધારિત જમીનથી થોડીક જ ઉંડાઇએ પાણી મળે છે અને લોકો માટે તે એકમાત્ર સ્રોત છે. ખેતી અને પશુપાલન કરતા લોકો અને રહીશો આ પાણી પર નિર્ભર છે, ત્યારે કોલસા-ખાણનો સંભવિત પ્રોજેક્ટ શરૂ થશે, તો પરવાળાના ટાપુઓ પર તેના ધુમાડા અને જમીનની ગરમીની અવળી અસર પડશે જેના કારણે ભૂતળ પાણીનો જથ્થો નષ્ટ થવાની સાથે ખેતીનો મૃત્યુઘંટ વાગી જશે. 

ઓસ્ટ્રેલિયન મરિન કન્ઝર્વેન સોસાયટીના મહિલા કેમ્પેઇન ડાયરેક્ટર ઇમોજન ઝેથોવેને ગ્લોબલ વોર્મિંગના કારણે સમુદ્રી વિસ્તારનું ટેમ્પરેચર સામાન્ય કરતાં બે ડિગ્રી વધુ રહે છે અને શિયાળામાં પણ તેની વિપરીત અસરો જોવા મળી રહી છેમ તેમ કહેતાં ઉમેર્યું હતું કે, અદાણીના પ્રોજેક્ટને પગલે આ સ્થિતિ વધુ બગડવાની દહેશત છે, જેના કારણે લોકોની ભલાઇ માટે તેમની સંસ્થા છેવટ સુધી લડવા તૈયાર અને કોઇપણ સંજોગોમાં પ્રજેક્ટને ચાલુ ન કરાય તે માટે પ્રતિબદ્ધ છે.

15 હજારને રોજગારી મળવાનો પોકળ દાવો
એક બાજુ 60 હજાર જેટલા લોકોની આજીવીકા છીનવાઇ જવાની ભીતિ છે, બીજી બાજુ ઓસ્ટ્રેલિયન સરકાર આ પ્રકલ્પથી 15 હજારને રોજી રોટી મળવાનો પોકળ દાવો કરી રહી છે. કેમ કે, ખુદ અદાણી જૂથે કરેલાં નિવેદનમાં માત્ર 1500 લોકોને નોકરી મળશે તેમ જણાવ્યું છે, તેમ ભારત આવેલા પર્યાવરણ પ્રેમીઓએ કહ્યું હતું.

પ્રવાસ અંગે કશું કહેવાનો ઇન્કાર
ભુજ આવ્યા પહેલાં હજીરા પ્લાન્ટની મુલાકાત દરમિયાન ઉદ્યોગના કારણે પર્યવારણને થતાં નુકસાન અંગે તમે શું તારણ કાઢ્યું તેમજ મુન્દ્રાના પ્રવાસનો હેતુ શું છે, તેમ પૂછતાં ફેડરેશનના પ્રમુખે કશું કહેવાનો ઇન્કાર કર્યો હતો.

આવાજ અન્ય બે પ્રોજેક્ટને રૂક જાવનો આદેશ
બ્રૂસના જણાવ્યા મુજબ તેમના ખેતરથી થોડા અંતરે ભારતની જીવીકે ઉપરાંત વિદેશની હેનકો કંપનીએ આ પ્રકારના ઉદ્યોગ માટે ખોદાણ શરૂ કર્યું હતું, જેના પગલે તેમણે લેન્ડ કોર્ટમાં ધા નાખી હતી. અદાલતને તેમાં તથ્ય જણાતાં કોલસા અને ખાણ અધારિત પ્રોજેક્ટથી ભૂસ્તરને અવળી અસર થશે, તેમ નોંધીને આ બન્ને કંપની પ્રોજેક્ટ શરૂ ન કરી શકે તેવો ચુકાદો આપ્યો હતો.

ઓસ્ટ્રેલિયાના પ્રમિયર પહેલેથી મુન્દ્રા પહોંચ્યા
પ્રતિનિધિ મંડળ બપોરે મુન્દ્રા જવા રવાના થાય તે પહેલાં ઓસ્ટ્રેલિયાના પ્રમિયર એનેસ્થેઝિયા ભુજ એરપોર્ટ પર ઉતર્યા હતા અને મુન્દ્રા જવા રવાના પણ થયા હતા. દરમિયાન, તેમના આગમનની જાણ થતાં ફાઉન્ડેશનની ટુકડી તેમને મળવા એરપોર્ટ પહોંચી હતી અને તેમને પણ અદાણીનો પ્રોજેક્ટ શરૂ ન થાય તે જોવા રજૂઆત કરી હતી.
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Adani project will be 60 thousand unemployed
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended