Home »Kutchh »Bhuj» 32 Year Old Man Was Missed While Earthquake, Returned Home After 17 Years

ભુજ: 2001ના ભૂકંપમાં થયો હતો ગૂમ, 17 વર્ષ પછી સાધુ બની ઘરે આવ્યો

Bhaskar News, Bhuj | Apr 19, 2017, 15:38 PM IST

  • ભૂકંપમાં ખોવાયેલો અરૂણ 17 વર્ષ પછી સાધુ બની આવ્યો
ભુજ:કચ્છમાં વર્ષ 2001માં આવેલા વિનાશક ભૂકંપમાં હજારોના મોત થયા, તો કેટલાક ગુમ થયેલાનો આજ સુધી પત્તો મળ્યો નથી, પણ તેમાં જાણે ચમત્કાર થયો હોય તેમ 17 વર્ષ પહેલાં ભુજમાં કાટમાળમાં દબાયા બાદ લાપતા થયેલો અરૂણ નામનો તરૂણ દોઢ દાયકા કરતા વધુના સમય બાદ અરૂણાનંદ સ્વામી તરીકે મળી આવતાં તેના પિતાની એક આંખમાં હર્ષના તો બીજી આંખમાં પુત્ર ગુમાવ્યાના આંસુ સરી આવ્યાં હતાં.
 
ભૂકંપ આવ્યો ત્યારે થયો ગુમ
 
ફિલ્મોમાં બનતા બનાવ જેવા આ કિસ્સાના ફ્લેશબેકમાં જઇએ તો ભૂકંપ આવ્યો ત્યારે ભુજના મંગલમ એપાર્ટમેન્ટમાં રાજપૂત પરિવારના માતા અને એક પુત્રનાં મોત થતાં તેની લાશ મળી હતી, જ્યારે એક પુત્રની ભાળ ન મળતાં ચારે બાજુ તેની તપાસ આદરાઇ હતી, તેમ છતાં તે સમયે અરૂણ નામના તરૂણનો કોઇ પત્તો મળ્યો ન હતો. પત્ની અને પુત્ર ગુમાવનારા તેમના પિતા ભાણજીભાઇ સોલંકી પર જાણે આભ ફાટી પડ્યું હતું. તેમ છતાં તેમણે અતૂટ આશા સાથે પોતાના ગુમસુદા પુત્રની શોધખોળ જારી રાખી હતી, પણ તેમાં નિષ્ફળ રહેતાં ઇશ્વરની ઇચ્છા મહાન સમજીને સત્ય સ્વીકારી લીધું.
 
32 વર્ષીય યુવકે તમામને નામજોગ ઓળખી બતાવ્યા
 
આ ઘટનાનો નાટકીય અને ચમત્કારિક મોડ આવ્યો હોય તેમ એક સપ્તાહ પહેલાં હરિયાણાથી કચ્છમાં આવેલા સાધુઓની મંડળીમાં અરૂણ હોવાની વાત પરિજનોને પહોંચી હતી. આ સાધુ સંતોના નખત્રણા તાલુકાના વિથોણ ગામમાં રોકાણ દરમિયાન તેમના પિતા અને પરિજનો તેને મળવા પહોંચ્યા તો અરૂણમાંથી સ્વામી અરૂણાનંદ બનેલા આ 32 વર્ષીય યુવકે તમામને નામજોગ ઓળખી બતાવ્યા એટલું જ નહીં પણ ભૂતકાળના સંસ્મરણો તાજાં પણ કર્યાં હતાં. દરમિયાન, તેમના પિતાએ જો પુત્રના લગ્ન કર્યા હોત તો ધામધૂમપૂર્વક થાત તેવું વિચારીને હવે તેને નલિયામાં તા. 26 એપ્રિલથી વિધિ-વિધાનપૂર્વક દીક્ષા આપવાનો નિર્ણય લીધો છે, જેને પગલે ત્રિદિવસીય દીક્ષા ઉત્સવની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે તેમ સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને વાંચો ભુજમાં સગાઇ પ્રસંગમાં આવ્યા ને મોત મળ્યું...
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 32 year old man was missed while Earthquake, returned home after 17 years
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended