JOKES
Home » Jokes » Ghanchakkar » Funny Article On Ravan Written By Mannu Shekhchalli

ઘનચક્કર

વાત વાતમાં: રાવણનું પૂતરું ચમ બારે છે ?


વાત વાતમાં: રાવણનું પૂતરું ચમ બારે છે ?

જો બકા આવું છે !
“મન્નુભઈ, દરફેરી રાવણનું પૂતરનું શુ લેવા બારે છે ?
અમારો બકો ઉત્તર ગુજરાતનો છે. ‘પૂતળું’ને ‘પૂતરું’ કહે છે. ‘બાળ’ને ‘બારે’ કહે છે. એની બોલી એવી છે કે ઉત્તર ગુજરાત બાજુના વાચકોને તો બહુ મઝા પડે છે. પણ સિવાયના વાચકોને વાંચવામાં ફાવતી નથી. છતાં ફાવી જાય તો મઝા પડે છે.

“મન્નુભઈ, દશેરાને દા’ડે બાઈકને કારો પર ચોંલ્લા કરીએ, ફાફડા જલેબી ખઈએ, તો હમજ્યા, પણ રાવણનું પૂતરું બારવામોં શુ મલે ?”
અમે કહ્યું “બકા, રાવણ તો માત્ર પ્રતીક છે.”
“કુણ છે ?”
બકાના સીધાસાદા સવાલથી અમે બઘવાઈ ગયા. છતાં સજાવવાનું ચાલુ રાખ્યું. “બકા, પ્રતિક એટલે સિમ્બોલ...”
“હવે શિમ્બોલ કુણ છે ?”
અમે ફસાયા! થિયરી પડતી મૂકીને ઉદાહરણ પર આવી ગયા. “બકા તું તો જાણે છે ને કે રાવણ બહુ અહંકારી હતો, બહુ ઘમંડી હતો...”
“હા, પેલી કે’વત છે ને, રાજ તો રાજા રાવણનું નહીં રહ્યું.”
“બસ ! અમે, તક ઝડપી લીધી. લોકોને રાવણનું પૂતળું બાળવાના રિવાજ વડે યાદ કરાવવાનો આશય છે કે ઘમંડી-અભિમાની બનવામાં કંઈ સાર નથી. રાવણના અભિમાનને રાખ થઈ જતું જુઓ ત્યારે યાદ રાખો કે જીવનમાં બહુ અભિમાન કરવું નહીં.”

“પણ મન્નુભઈ, ઓંય કણે આપડી જોડે અભેમૌન કરવા જેવું છે શું? હાહારી, મારી કને તો ફિક્સ પગારની નોંકરી યે નહીં ! અને મારા જેવા તો ઈન્ડિયામાં કરોડો હૈશે કે જેની જોડે અભેમૌન કરવા જેવું બેન્ક બેલેન્શેય નંઈ હોય. આજકાલ તો હાહરા આધાર ક્યાડના ફોટા એવા આવ કે ભલભલોંનાં અભેમોંન ઉતરી જાય.”
“વાત તો સાચી છે.”
“હાચી ખોટીની વાત નથી મન્નુભઈ, મું ઈમ પૂછું છું કે જ્યોં કરોડોની પબ્લિક જોડે અભેમોંન કરવા જેવું કોંય નંઈ, ત્યોં રાવણનાં પૂતરોં બારીને શુ મલવાનું ?”
હવે બકાને શું કહેવું ? અમે તો આવું બધું છાપાં-મેગેઝિનોમાં વાંચેલું એટલે આવડતું હતું એટલું જ્ઞાન આપી દીધું. સિવાય નવું જ્ઞાન તો હજી અમને ટ્વિટર કે વૉટ્સ-એપમાં નથી મળ્યું. અમારી ચુપકીદી સાંભળીને બકો ફોર્મમાં આવી ગયો.
“મન્નુભઈ, ચમ ચૂપ થઈ જ્યા ?”
ડૂબતો માણસ પાણીમાં તરતું ફાટેલું ટાયર પણ ઝાલી લે એમ અમે એક જૂની અને જાણીતી વાતને પકડી લીધી અમે કહ્યું :
“જો બકા, વિજયાદશમીના દિવસે રામ-રાવણના યુદ્ધમાં રાવણનો વધ થયો હતો. એક રીતે દિવસે અસત્ય ઉપર સત્યનો અને અન્યાય ઉપર ન્યાયનો વિજય થયો ગણાય. એટલે, કમ સે કમ એની યાદગીરીમાં રિવાજ ચાલ્યો આવે છે.”

“હં...”
બકો ચૂપ થઈ ગયો. પણ અમે જાણતા હતા કે એના દિમાગમાં કંઈક ખટાપટી તો ચાલતી હશે. થોડીવારે બોલી ઊઠ્યો :
“મન્નુભઈ, ઈમ હોય તો આજે આટઆટલોં પૂતરોં બાર્યા પછીયે ચમ અસત્ય પર સત્યનો વિજય નહીં થતોં ? ન્યાય મલતોં મલતોં તો કોરટમોં વરહોનોં વરહો વીતી જોંય છે. તો ભઈ, કોરટમોં ચમ રાવણનોં પૂતરોં નહીં બારતા ? અમને લાગ્યું કે બકો માત્ર અમને હેરાન કરવા ખાતર આવી દલીલો કરે છે.
હવે અમે કંટાળ્યા માટે બકાને ચૂપ કરવા અમે હવે નવો વ્યૂહ શોધી કાઢ્યો. અમે પૂછ્યું “બકા, તું દર વરસે નવરાત્રિમાં નવે નવ રાતો ગરબા રમે છે કે નહિ ?
“હાસ્તો! બકુડી જોડે રમ્યા વના ચાલે નંઈ ને?”
“અને દશેરાને દહાડે જલેબી-ફાફડા પણ ખાય છે ને.”
“ખાવા પડે ને ! ગરમાગરમ ફાફડા-જલેબીતો દશેરાને દહાડે બેશ્ટ લાગે.”
“અને બધા તહેવારો... હોળી, ધુળેટી, ઉત્તરાયણ, ગોકુળ અષ્ટમી, રામનવમી, ધનતેરસ, દિવાળી, બેસતું વરસ... બધું ઊજવવાનું ગમે છે ને ?
“ગમે ને, મન્નુભઈ !”
“બસ ત્યારે, રાવણના પૂતળામાં ધડાકા ભડાકા થાય છે જોઈને પણ રાજી થવાનું. બહુ વિચાર નહીં કરવાનો.”
“છતોંય મન્નુભઈ, હાહરા વિચાર આઈ જાય તો ?”

“તો એનું અભિમાન નહીં કરવાનું ! સમજ્યો બકા ?
-મન્નુ શેખચલ્લી

Email Print Comment
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: funny article on Ravan written by Mannu Shekhchalli
(News in Gujarati from Divya Bhaskar)