Home »Jokes »Daily Jokes »Other Jokes» Funny Article On Ae Dil HAi Mushkil

રાજ-કરણની ફોર્મ્યુલાની સમજવી છે બહુ અઘરી

મન્નુ શેખચલ્લી | Oct 25, 2016, 13:12 PM IST


“આલ્યો, રાજ ઠાકરે અને કરણ જોહરે તો સંધિ કરી નાંખી!’ 
અમારા ‘ચતુરાઈ-ચેમ્પિયન’ સમાન રણઝણસિંહના ઓટલે ચઢતાં અમે ‘અય દિલ હૈ મુશ્કીલ’ની વાત કાઢી. અમે કહ્યું : 
“બોલો, સારું થયું ને ! હવે જેને ફિલ્મ જોવી હોય તે જુએ, દેશદ્રોહની ચિંતા નહિ!” 
રણઝણસિંહ ખડખડ હસવા લાગ્યા. “મન્નુડા, હવે તો દેશપ્રેમીઓએ ફિલમ ખાસ જોવી જોઈએ. કારણકે બચાડા કરણભાઈને નફો થાશે તો પાંચ કરોડ સૈન્યને દેશે ને?” 
“પણ ખોટું ના કહેવાય?” અમે કીધું “સૈન્યના નામે બારોબાર ઉઘરાણી કરવાનો રાઈટ રાજ ઠાકરેને કોણે દીધો ?” 
“સેવાનાં કામમાં રાઈટ નો જોવાના હોય ગાન્ડા! ઉલ્ટું, હવે તો નવી રાજ-કરણ ફોર્મ્યુલા સેટ થઈ ગઈ...? 
“રાજ-કરણ ફોર્મ્યુલા? 
“હાસ્તો! હવે તમતમારે ફિલમુંના ભરપૂર સેક્સ દેખાડો અને સેક્સ-વર્કર ફંડમાં બે-પાંચ કરોડનું દાન જાહેર કરી દ્યો... ભૂંડામાં ભૂંડો રેપ બતાડો અને પછી પીડિતાના ફંડમાં રૂપિયા દઈ દ્યો! અરે, ડ્રગ્સનું રસપાન બતાવીને હવે રિ-હેબ સેન્ટરમાં દાન દઈ શકાશે! નિહલાની અને સેન્સરની જરૂર ક્યાં રહી?” 
અમે જરા અકળાયા. “રણઝણસિંહ, તમે સાવ આડી વાતો શા માટે કરી રહ્યા છો?” 
“કારણ કે મન્નુડા, રાજકારણીઓનાં વિરોધનાં ગણિતો સાવ ધોરણ વિનાનાં હોય છે.” 
“ધોરણ વિનાનાં?” 
“હાસ્તો યાદ કર, કરણ જોહરની એક ફિલમ આઈવી ’તી... ‘વેક અપ સિડ’ એમાં વિરોધ બાબતે થયો ’તો કે ફિલમમાં મુંબઈને બદલે ‘બોમ્બે’ બોલાય છે...” 
“હા, યાદ આવ્યું.” 
“પણ તને યાદ નથી આવતું કે પછી ખુદ કરણ જોહરની ‘બોમ્બે ટોકીઝ’ અને અનુરાગ કશ્યપની ‘બોમ્બે વેલ્વેટ’ ફિલમું આવી ગઈ. જેના ટાઈટલમાં ‘બોમ્બે’ શબ્દ હતો! ટાણે એમનો વિરોધ ક્યાં ગ્યાં? 
અમે માથું ખંજવાળવા લાગ્યા. કંઈ ટોપિક ના મળતાં અમે વાતને બીજે પાટે ચડાવી.” 
“પણ વડીલ, અનુરાગ કશ્યપ, મહેશ ભટ્ટ વગેરેની વાત તો સાચીને, કે આમાં બિચારા પાકિસ્તાની કલાકારોનો શું વાંક?” 
“એમ? તો પછી આપણી સિરીયલુંની સાસુઓ અને વહુઓ શું ન્યાં પાકિસ્તાનમાં જઈને બોમ્બ ફોડી આવે છે? પાકિસ્તાની સરકારે ભારતની ટીવી સિરીયલો ઉપર બાન મૂક્યો છે એના વિશે ‘કલા’ના રખેવાળો કેમ કાંઈ બોલતા નથી?” 
અમે માથું ખંજવાળતા પાછા ફર્યા. મનમાં થયું, યાર, યે DEAL હૈ મુશ્કિલ... 
 
(Daily Jokes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny article on Ae Dil HAi Mushkil
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended