Home »Gujarat »On-line Book» Doctor Ni Dairy Na Pane : Sharad Thakar

ડૉક્ટરની ડાયરીના પાને : અમિતાભ બચ્ચન

Divyabhaskar.com | May 09, 2011, 23:42 PM IST

bigb_288ડૉક્ટરની ડાયરીના પાને : અમિતાભ બચ્ચન

આવો ગુજરાતની ઐતિહાસિક ઘટનાના એક ભાગ બનો. ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત એક નવલકથા લખવામાં આવી રહી છે.

ડો. શરદ ઠાકરે ઉત્પન્ન કરેલા શાબ્દિક રચનાના એક ભાગ બનો, જે લાગણીઓને ખુબ જ સુંદર રીતે શબ્દોમાં વણી લેવામાં આવી છે.

બચ્ચનયુગથી ચાલ્યાં આવતાં ભારતીય સિનેમા જગતના ઐતિહાસિક પ્રવાસના હમસફર બનો, તમારી સ્ટોરી ડો. શરદ ઠાકરની સાથે divyabhaskar.com જણાવો અને જો તમારી એ સ્ટોરી પસંદ કરવામાં આવશે તો તેને પ્રકાશિત થનારા પુસ્તકનો એક ભાગ બનાવવામાં આવશે.

પ્રિય વાંચક મિત્રો: ડૉ. શરદ ઠાકર

જો આપ ગુજરાતી હશો, તો આપે કદાચ મારુ નામ સાંભળ્યું હશે. છેલ્લાં 18 વર્ષથી હું 'ડૉ.ની ડાયરી' તથા 'રણમાં ખીલ્યું ગુલાબ' કટારરૂપે લખતો રહ્યો છું. અત્યાર સુધીમાં મારા ત્રીસ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. તમે મારા લખાયેલા શબ્દનો ઉમળકાભર્યો પ્રતિસાદ પાઠવ્યો છે એ બદલ હું તમારો ઋણી છું.

હવે હું એક નવું શબ્દ-સાહસ કરવા જઇ રહ્યો છું. કારકિર્દીમાં પ્રથમ વાર ખાસ તમારા માટે નેટ-મેગેઝિન ઉપર હું પ્રખ્યાત અભિનેતા શ્રી. અમિતાભ બચ્ચન વિષે ધારાવાહિક લેખમાળા લખવાનો છું. મને ખબર છે કે અમિતાભ જેટલા મને ગમે છે એટલા જ તમને પણ ગમે છે.

મેં આ મહાનાયકને મારી નજરથી જોયા છે. એમની સાથે-સાથે માનસિક રીતે મેં પણ જિંદગીની સફર ખેડી છે. હું માનું છું કે તમને પણ આ પ્રવાસમાં મારા હમસફર બનવાની મજા આવશે.

તમારા રોમાચંક પ્રતિભાવની રાહ જોઇએ.

ડૉક્ટરની ડાયરીના પાને : અમિતાભ બચ્ચન

પ્રકરણ-1

હમ જીઘર ખડે રહે જાતે હૈ, લાઈન વહીં સે શુરુ હોતી હૈ

એ 1971નું વર્ષ હતું. હું ત્યારે સોળ વર્ષની વયનાં અણસમજુ ઊંબરા પર ઊભેલો હતો. એસ.એસ.સીની બોર્ડ એક્ઝામ આપીને તાજો જ પરવાર્યો હતો. હવે બે-અઢી મહિનાનું લાંબુ વેકેશન માણવાનું હતું. પરિક્ષાની મને લવલેશ ચિંતા ન હતીં, કારણ કે જૂનાગઢની હાઈસ્કૂલમાં હું હંમેશા પ્રથમ ક્રમાંક મેળવતો આવ્યો હતો. પિતાજી શિક્ષક અને અભ્યાસની બાબતે બહુ સખ્ત-મિજાજી હતાં. ઘરમાં રેડિયો વગાડવાની મનાઈ હતી. ફિલ્મો જોવીએ ઘોર પાપકૃત્ય હતું. સિનેમાનાં ગીતો અમારા પરિવાર માટે ‘રાગડા’ હતાં મને એ જમાનાનાં એક પણ અભિનેતા કે અભિનેત્રીનું નામ આવડતું ન હતું.

આમ છતાં એક નામ હિંદુસ્તાનની હવામાં પ્રાણવાયુની જેમ છવાઈ ગયું હતું; એ નામ હતું: રાજેશ ખન્ના. કોઈપણ શહેરમાં જાવ, એની એકાદ ફિલ્મ તો ચાલતી જ હોય. એની હેરસ્ટાઈલ, એની ઉપર ફિલ્માવાયેલા ગીતો, એના સંવાદો ચલણી નાણું બની ગયાં હતાં. એ જે પહેરે તે વસ્ત્રો મટીને ફેશન બની જતાં હતાં. મારા કાને પણ રાજેશ ખન્નાનું નામ ચૂંટણી વખતે વાગતાં પ્રચારનાં પડઘમની પેઠે અથડાયા કરતું હતું. પણ ‘મારે રાજેશ ખન્નાની ફિલ્મ જોવી છે’ એવું પિતાજીને કેહવાની મારામાં હિંમત ન હતી.

આ સમયે મારી નજર જાહેર માર્ગ પર ગોઠવવામાં આવેલા ફિલ્મનાં એક તોતીંગ હોર્ડિંગ પર પડી. ફિલ્મનું નામ હતું ‘આનંદ’. હું રજાઓમાં અમદાવાદ આવેલો હતો. લાલ રંગની સિટી બસમાં બેસીને બારીમાંથી આંખો વિસ્ફારીત કરીને અમદાવાદની ચકાચૌંધ જોઈ રહ્યો હતો. ત્યાં મેં ‘આનંદ’નું આ પોસ્ટર જોયું. એમાં રાજેશ ખન્નાનો હસતો ચહેરો હતો અને ચમકતું નામ હતું. પણ અન્ય કલાકારોની નામ-સૂચીમાં એક સાવ અજાણ્યું નામ પણ હતું: અમિતાભ બચ્ચનનું.

ક્ષણવારમાં જ સિટીબસ એ હોર્ડિંગ પાસેથી પસાર થઈ ગઈ. હું નામ યાદ કરવાની મથામણ કરતો રહ્યો. અમિતાભ? કે પછી અભિતાભ? ના, કદાચ અભિતાબ હશે! પછી આ કલાકાર પર જરાક રોષ પણ જન્મ્યો. આવાં તે કંઈ નામો રખાતો હશે!! ઘર માટે ભલેને જે નામ રાખવું હોય તે રાખે! પણ સિનેમામાં કામ કરવું હોય એમ જો ‘ક્લિક’ થયું હોય તો આવું નામ ન જ ચાલે. અવશ્ય આ ફિલ્મ ‘અબિતાભ’ની પહેલી અને છેલ્લી ફિલ્મ બની રહેશે.

બે મહિના દરમ્યાન દિલોદિમાગ પર ‘ખન્ના-ખન્ના’નો પ્રશંસા-ધ્વની અથડાતો રહ્યો. જે કોઈ મળે તે એક જ સલાહ આપે: ‘આનંદ જોઈ કે નહીં? નથી જોઈ?! ખરાં છો તમે!’ મારા પિતાજીનાં કાને પણ આવાં જ વાક્યો પડતાં રહેતા હતાં. છેવટે હાઈકમાન્ડે નક્કી કર્યું કે આ ફિલ્મ સ્વચ્છ હોય તો બાળકોને બતાવવામાં વાંધો નહીં.

વેકેશન પુરું થયાં પછી જૂનાગઢની જયશ્રી ટોકીઝમાં મેં ‘આનંદ’ જોઈ. એ સમયે પણ મેં સ્વીકારી લીધું હતું એ રાજેશ ખન્નાની જ ફિલ્મ હતી. રૂપેરી પડદા ઉપર ખન્નો વશીકરણ બનીને છવાઈ ગયો હતો. પણ બીજા દિવસે મેં મિત્રોની સમક્ષ મારા મનની વાત કહી દીધી હતી: “પેલો છે ને... ડૉ.ભાસ્કર... રાજેશ ખન્ના જેને બાબુ મોશાય કહીને બોલાવે છે... એ જબરદસ્ત કલાકાર છે યાર! એ જ્યારે બોલે છે ને ત્યારે સમય થંભી જાય છે. અને એની આંખો! ઉફફ્....! ભવિષ્યમાં એની ઉપર નજર રાખવા જેવી છે”

હા, મને એ માણસ ગમી ગયો હતો. લાંબો, સૂકલકડી, જરા પણ આકર્ષક ન લાગે તેવો ચહેરો, લાંબા-મોટા કાન, જોવી ન ગમે તેવી હેરસ્ટાઈલ અને તદ્દન અનાકર્ષક હાથ-પગ. ન એને ચાલતાં આવડે, ન ઊભાં રેહવાનું ફાવે. બોલતી વખતે બે લાંબા હાથનું શું કરવું એની સૂઝ ન પડે, માટે અદબ વાળીને સંવાદો બોલે!

પણ ‘આનંદ’નાં ત્રણ દૃ્શ્યો મનની શિલા પર લકીર બનીને અંકાઈ ગયાં. ઝૂંપડપટ્ટીમાં ગરીબ દર્દી વચ્ચે ધૂમતો યુવાન ડૉ. ભાસ્કર બોલી ઉઠે છે: “ આજ આનંદ બાત કરતે-કરતે હાંફને લગા. મૌતકી પહલી નિશાની સામને આ ગઈ.”

અને ત્રીજું દૃશ્ય ફિલ્મનું અંતિમ દૃશ્ય હતું; આનંદનાં મૃતદેહ ઉપર પડતું મૂકીને રડતો, ખીજવાતો, ચિલ્લાતો અમિતાભ.

મેં ભારપૂર્વક મિત્રો આગળ જાહેર કર્યું, “ ઈસ બંદેમેં દમ લગતા હૈ. તમે બધાં ભલે એવું માનતાં હો કે ‘આનંદ’ એ આઉટ રાઉટ રાજેશ ખન્નાની ફિલ્મ છે, પણ મને તો આ બાબુ, મોશાય પણ...”

મિત્રોએ મને ચૂપ કરી દીધો. આવું કહીને: “ ખબરદાર! કાકા વિશે જો આનાથી એક પણ શબ્દ આગળ બોલ્યો છે તો...! તને તને ખબર છે? આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ કહેવત ચાલે છે: “ઉપર આક્કા અને નીચે કાકા!” રાજેશ ખન્ના નામનાં વાવાઝોડાએ કંઈ કેટલાયે ધૂરંધરોને સૂક્કાં પાંદડાની જેમ ઉડાડી મૂક્યાં છે. ત્યારે તું આવી સળેકડીનાં વખાણ કરવા નીકળ્યો છે? જસ્ટ શટ અપ!”

હું ત્યારે ‘શટ અપ’ થઈ ગયો,. પણ વિધાતા નામનો જાદૂગર એની રમતમાં વ્યસત હતો. એના હાથમાં ‘ઈરેઝર’ હતું અને એ બહું નજીકનાં ભવિષ્યમાં ઉપર આક્કા અને નીચે કાકા એટલે કે ઉપર આસમાનનાં માલિક છે અને નીચે ધરતી ઉપર રાજેશ ખન્ના છે આ કહેવત છેકી નાખવાનો છે, ભૂંસી નાખવાનો છે.

માત્ર બે જ વર્ષ પકછી હિંદુસ્તાનની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ નવી કહેવત જન્મ પામી રહી હતી: ઉપર આભ અને નીચે અમિતાભ!

……………

મારી જીંદગીમાં બહું ઝડપથી બહુ મોટું પરિવર્તન આવ્યું. હું જૂનાગઢ જીલ્લાનાં ત્રણેય કેન્દ્રોમાં એસ.એસ.સીની પરિક્ષામાં પ્રથમ જાહેર થયો અને સમગ્ર સૌરાષ્ટ્રમાં બીજા ક્રમાંકે! સાયન્સ કોલેજમાં પ્રથમ વર્ષ પૂર્ણ કર્યા પછી જામનગરની મેડીકલ કૉલેજમાં જોડાયો. મારી ઉપર પિતાજીએ લાદેલી નિયંત્રણની ‘સ્પ્રીંગ’ હવે સંપૂર્ણપણે છટકી ગઈ હતી. હું પાગલોની જેમ ફિલ્મો જોવા માંડ્યો.

દિવસભરની દોડધામ, રાતભરનાં ઊજાગરાઓ અને વચ્ચેથી ત્રણ કલાક ચોરીને ફિલ્મ જોઈ લેવાની. સાડા ચાર વર્ષમાં દાટ વાળી નાખ્યો. અભ્યાસમાં સહેજ પણ રૂકાવટ આવવા દીધા વગર મેં અસંખ્ય ફિલ્મો જોઈ નાંખી. રાજકપૂર, દેવ આનંદ, મનોજ કુમાર , શશી કપૂર, શમ્મી કપૂર, ધર્મેન્દ્ર અને અલબત, અમિતાભ! બધા કલાકારોની બધી જ ફિલ્મો સળંગ જોઈ લીધી.

આજે હિન્દી ફિલ્મ ઈતિહાસનાં એ સોનેરી વર્ષોનાં લગભગ તમામ અભિનેતાઓ, અભિનેત્રીઓ, ગાયકો, ગાયિકોઓ, ગીતકારો અને સંગીતકારોની નાની-નાની વિગતોની પણ જો મને જાણકારી હોય તો એ પેલા સાડા ચાર વર્ષોનું પરિણામ છે. છેલ્લા પંદર વર્ષથી મારી રાહબરી હેઠળ મ્યુઝિકલ ક્લબનું સંચાલન ચાલી રહ્યું હોય તો એ પણ એને સહેજ જ આભારી છે.

મને ઘણાં કલાકારો ગમે છે. મધુબાલા, નરગિસ, નૂતન અને વહિદા જેવી અભિનેત્રીઓ આજે પણ મારા શ્વાસોની સુગંધ બનીને સચવાઈ રહી છે. રાજ-દિલીપ-દેવની ત્રિપુટીમાંથી એક પણ નામનું સ્થાન મારા માટે બ્રહ્મા, વિષ્ણું,મહેશ એ ત્રિદેવનાં સ્થાનથી ઊતરતું નથી.મને સાહિર લુધિયાન્વી અત્યંત પ્રિય છે. મહંમદ રફી સાહેબ, તલત સાહેબ અને હેમંત કુમાર મારા સ્વજનો છે. આ યાદી લાંબી છે અને શાશ્વત છે. જો મારી પાસે કાળનો અનંત સથવારો હોય અને ફુરસતની મીડી નજર હોય તો આ તમામ કલાકારો વિશે હું એક-એક પુસ્તક અવશ્ય લખું. પણ મારી સ્થિતિ ‘તંગ દામન, વક્ત કમ ઔર ગુલ બેશૂમાર’ની શેર પંક્તિ જેવી છે. લતા મંગેશકરની જીવનકથા રચવા બાબતે હું સંકળાઈ ગયો છું જ, પણ હું હવે પછી કોના વિશે લખવું એની જબરી ગડમથલ મારા દિમાગમાં ચાલી રહી હતી.

બીજા ઘણાં બધાં નામો હાથ ફેલાવતાં મારી સામે ઊભેલા હતાં. ગમમાં ડૂબેલા દિલીપકુમાર હતાં તો રમમાં ડૂબેલા સાયગલ સાહેબ હતાં. સંગીતનાં ભીષ્મ પિતામહ્ સમા અનિલ બિસ્વાસ હતાં, તો મખમલનાં માલિક તલત સાહેબ હતાં. લાઈન લાંબી હતીં, પણ શાંત હતી, શિસ્તબદ્ધ હતી.

પણ ત્યાં જ એક કલાકાર, આસમાન જેટલો ઊંચો અને સાગર જેટલો ઊંડો, અચાનક મારી સામે આવીને ઊભો રહી ગયો. લાઈન છોડીને અને લાઈન તોડીને ઊભો રહ્યો.

મેં એને સમજાવવાની લાખ વાર કોશિશ કરી જોઈ: “ કૃપયા પ્રતિક્ષા કીજીએ, આપ કતારમેં હૈ!”

જવાબમાં એણે પોતાના મુલ્કમશહૂર ઘૂંટાયેલા ઘેઘૂર મર્દાના અવાજમાં સંભળાવી દીધું, “ અપૂન જીઘર ખડા રહ જાતા હૈ, લાઈન વહી સે શૂરુ હોતી હે!”

મિત્રો, ફિલ્મ ‘કાલીયા’નો આ સંવાદ અમિતાભ બચ્ચને માત્ર પેલા ખલનાયકને સંભળાવેલો જવાબ નથી; આ સંવાદ તો છેક 1931થી શરૂ થયેલી બોલતી હિંદી ફિલ્મોનાં આજ સુધીનાં તમામ અભિનેતોઓ માટે બોલાયેલા જવાબ છે. અમિતજી જ્યાં પણ ઊભા રહેશે, લાઈન ત્યાંથી શરૂ થશે.

આ કાગળો ઉપર આલેખાતી મહાગાથા માટે અમિતજીનો જન્મ આજે થઈ રહ્યો છે. પ્રથમ ફિલ્મ ‘સાત હિંદુસ્તાની’ની નગણ્ય સફળતાને નજરઅંદાજ કરીએ તો હિંદી સિનેમાનાં ઈતિહાસમાં બાબુ મોશાયનો જન્મ થયો હતો 1971માં આવેલી ફિલ્મ ‘આનંદ’માં. અને જો એમની છ ફીટ, બે ઈંચની કાયામાં સમાયેલા આસમાન જેવડા ઊંચા વ્યક્તિત્વની વાત કરીએ તો એમનો જન્મ થયો હતો...!

તા. 10/10/1942નાં દિવસે કટરા શહેરમાં ડૉ. બ્રારનાં નર્સિંગ હોમમાં શ્રીમતી તેજી હરિવંશરાય બચ્ચન નામની મહિલાએ એક બાળકને જન્મ આપ્યો. નોર્મલ ડીલીવરી હતી. સાડા આઠ મહિને અવતરેલા બાળકનું વજન સાડા આઠ પૌંડ હતું અને એના દેહની લંબાઈ હતી 52 સેન્ટિમીટર.

નવજાત શિશુને માતાની ગોદમાં મૂકતી વખતે ડૉ. બ્રાર બોલી ગયાં, “ બાળકની લંબાઈ ખૂબ સારી છે. લાગે છે કે મોટું થઈને એ ઊંચું થશે.”

“માત્ર ઊંચું નહીં, એ મહાન પણ થશે!.” કોઈએ સાંભળ્યું નહીં હોય એવું આ વાક્ય કોણ બબડી?! એ વિધાતા તો નહીં હોય?

……………..

નોંધ:પ્રકરણ-2 આવતા સપ્તાહે તા-16-05-11ના રોજ આ જ જગ્યાએ પ્રસિધ્ધ કરવામાં આવશે.

પ્રકરણ-2 માં શું હશે ?

અમિતાભના દાદાએ તેના પુત્રનું નામ હરિવંશરાય કેમ પાડ્યું? બચ્ચન પરિવારે તેના ખાનદાની અટક શ્રીવાસ્તવ કેમ ભૂંસી નાંખી? પૂરા હિંદાસ્તાનને મદહોશ બનાવી દેનાર અમર કાવ્યસંગ્રહ ‘મધુશાલા’નું સર્જન કેવી રીતે થયું? તેજી ખજાનસિંહ સુરીનો હરિવંશરાયના જીવનમાં કેવી રીતે થયો પ્રવેશ?(On-line Book Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Doctor ni dairy na pane : Sharad Thakar
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended