Home »Gujarat »Gujarat Ni Gupshup» Phunsukh Wangdu Type School In Village Of Gujarat

ગુજરાતમાં છે ‘ફૂનસુખ વાંગડૂ’ની શાળા જેવી જ શાળા, સ્વખર્ચે કરી સાયન્સ લેબ

Kamlesh Jumani, Una | Mar 03, 2017, 09:12 AM IST

  • શિક્ષક દંપતિ જયદિપભાઈ અને ઈન્દુબા
ઉના:ગુજરાતના છેવાડાનો ઉના તાલુકો અને તેના છેવાડાના ગામડામાં ઉભી થઈ છે 3 ઈડિયટ ફિલ્મનાં ‘ફૂંગ્સુક વાંગ્ડુ’ની શાળા જેવી જ શાળા. જેમાં દરેક બાળક વિજ્ઞાન વિષયમાં પોતાની રીતે કંઈ ને કંઈ સંશોધન કરતો હોય, કોઈ ગતિનાં નિયમ શીખવા માટે રોકેટ, પ્લેન કે જેસીબી બનાવીને ઉડાડતો હોય તો વળી કોઈ ચુંબકીય નિયમો સિદ્ધ કરવા મેગ્વેન ટ્રેનને પોતાની પેન્સિલ અને કેટલાક ચુંબક દ્વારા ઉભી કરે. સૂર્ય ઉર્જાનાં નિયમો જાણવા માટે તો તમને કેટકેટલા પ્રોજેક્ટ્સ જોવા મળે. બ્રહ્માંડને સમજવા કંઈ વળી સાવ સાદી વસ્તુઓ દ્વારા એક રૂમમાં આખું સૂર્યમંડળ ઊભું કરવામાં આવે. ટેલિસ્કોપ, બાઈનોક્યૂલર, સોલાર વોટર હિટર, પ્રોજેક્ટર કે 3D ઈફેક્ટ પ્રોજેક્ટર બનાવવું તો આ બાળકો માટે જાણે સાવ સરળ છે. આવા 100 ઉપરાંતનાં પ્રોજેક્ટ્સનું નિર્માણ બાળકો દ્વારા કરવામાં આવ્યું છે.
    
આ બધી જ કલ્પના લાગે ને? પણ ના આ જમીની વાસ્તવિકતા જ છે. ગુજરાતનાં છેવાડાનાં ઉના તાલુકામાં આવેલા રામપરા અને રાણવશીમાં નોકરી કરતા શિક્ષક દંપતિ જયદિપભાઈ અને ઈન્દુબાની મહેનતનું આ પરિણામ છે. બંન્ને દંપતિએ BSC B.ed સુધી અભ્યાસ કરેલ છે. જયદિપભાઈ વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવે છે તે રામપરા ગામ એટલે ઉનાનાં દક્ષિણ કિનારાનું ગામ. જેની વસ્તી આશરે 850 હશે અને ઈન્દુબા જ્યાં વિજ્ઞાન શિક્ષીકા તરીકે ફરજ બજાવે છે તે રાણવશી એટલે ઉનાની પશ્ચિમે આવેલું અંતરિયાળ ગામ જેમાં આશરે 1100 જેટલી વસ્તી છે. આ દંપતિ ગામડામાં પોતાની ફરજ નિષ્ઠા એટલા જોશપૂર્વક બજાવે છે કે, સમાજે ધ્યાને લેવાનું રહે કે શિક્ષક જો ધારે તો ગામડાને પણ જિવંત કરી શકે.

પોતાના ખર્ચે ઉભી કરી મોબાઈલ સાયન્સ લેબ 

બન્ને દંપતિ અલગ-અલગ ગામમાં નોકરી કરે છે, છતાં બન્ને ઘરે કોઈપણ પ્રોજેક્ટની ચર્ચા કરી એક સાથે જ શાળાએ એપ્લાઈ કરે છે. જ્યારે આ બાબતે અમે જયદિપભાઈને પૂછ્યું ત્યારે તેમણે હસતા-હસતા જવાબ આપ્યો કે આઈડિયા એમનો (ઈન્દુબાનો) હોય છે અને એમને એપ્લાઈ હું કરી બતાવું છું અને આખરે એ પ્રોજેક્ટ બાળકો સુધી પહોંચે છે. ઘરે આવીને પણ બાળકોને અભ્યાસમાં આવેલા કઠિન બિંદુઓની ચર્ચા બન્ને વચ્ચે થાય અને એકબીજાને મદદરૂપ થઈ બાળકો પોતાની કલ્પનામાં જે સાધન છે તે બનાવે તે બધી વસ્તુઓ તેમને પૂરી પાડીએ છીએ. નોંધનીય બાબત એ છે કે, શાળા સમય બાદ પણ તેઓ શાળા અને બાળકોને સમય આપી રહ્યા છે. ઉપરાંત પોતાના ખર્ચે મોબાઈલ સાયન્સ લેબ ઉભી કરી અને રવિવારે આસપાસની કોઈ પણ શાળા જો એમને બોલાવે તો કોઈપણ અપેક્ષા વગર તેઓ વિજ્ઞાનનાં વિવિધ પ્રયોગો બાળકોને શીખવવા દોડી જાય છે. 
    

કેળવણીને કલા બનાવવાની ફિતરત

ભારત સરકારનાં સર્વ શિક્ષા અભિયાન અને વિશ્વ સંસ્થા યુનિસેફનાં ઉદ્દેશ્યોમાં જણાવાયું છે કે, બાળકનો જ્ઞાનાત્મક વિકાસ તો શિક્ષણથી થવો જ જોઈએ. પરંતું સાથે-સાથે રચનાત્મક વિકાસ પણ થવો જોઈએ. ત્યારે આ બન્ને દંપતિનાં પ્રયાસથી આજે આ બન્ને શાળાઓનાં બાળકોનો વિજ્ઞાનની દૃષ્ટિએ પણ રચનાત્મક વિકાસ થઈ રહ્યો છે.  આજે જ્યારે 99.99 ટકાની દોડમાં વિજ્ઞાન પ્રવાહ ધસી રહ્યો છે ત્યારે તેમાંથી તો આપણે માત્ર વિજ્ઞાનના કર્મચારીઓ ઉભા કરીએ છીએ. પરંતુ જો વિજ્ઞાનીઓ ઉભા કરવા હશે તો આવું રચનાત્મક વિકાસનું પાસું કેળવવું જ પડશે. આજે રાફડાની જેમ ઉગી નિકળેલી સાયન્સ સ્કૂલ્સની સામે સરકારી પ્રાથમિક શાળાની આ ખરા અર્થમાં બિરદાવવા જેવી વાત આપણને આ શિક્ષક દંપતિના સમર્પણ અને કેળવણીને કલા બનાવવાની પોતાની ફિતરત કોઈ નવા ‘કલામ’ ને જન્માવે તો નવાઈ નહીં! 

આ બન્ને દંપતિઓનાં કેટલાક અચિવમેન્ટ પર પણ નજર નાખવી જ રહી...

-તેઓ વિદ્યાસહાયક તરીકે આ જ વર્ષે પાંચ વર્ષ પૂર્ણ કરે છે અને પાંચ વર્ષમાં વિજ્ઞાનમેળામાં તેમણે જિલ્લાકક્ષાએ ત્રણ વખત પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો. 

-IIM દ્વારા જ્યારે પ્રથમ વખત ટિચર ઈનોવેશન ફેર યોજાયો તેમાં પણ રાજ્યકક્ષા સુધી તેમના શિક્ષણ ક્ષેત્રે નવા વિચારોને પુરષ્કૃત કરવામાં આવ્યા.

-પ્લાઝમાં રિસર્ચ સેન્ટરના રાજ્ય કક્ષાના વિજ્ઞાન મેળામાં મહાનગરોની ખ્યાતનામ પ્રાઈવેટ શાળાઓ વચ્ચે તેમને ભાગ લેવાની તક મળી. જેનાથી એક સરકારી પ્રાથમિક શાળા રાજ્યકક્ષાએ કહેવાતી મોટીશાળાઓ સાથે કદમ મેળવ્યા.

-માત્ર શાળામાં જ નહીં પરંતુ, ખગોળીય ઘટનાઓ સર્જાય ત્યારે આ દંપતિ પોતાનાં બનાવેલા ટેલિસ્કોપ લઈ અને સમગ્ર ઉનાની જનતા માટે એ ઘટના બતાવવામાં લાગી પડે છે, જેમ કે સૂર્ય પર બુધના અધિક્રમણની ઘટના વખતે બી.આર.સી. ભવનમાં તેઓએ આવી વ્યવસ્થા ગોઠવી હતી.

-ઉના તાલુકા અને કેન્દ્રશાસિત દિવનાં શિક્ષકોને ટ્રેનિંગ આપવા માટે આ શિક્ષક દંપતિની નિયુક્તિ કરવામાં આવે છે અને ગુજરાત રાજ્ય ટ્રેનર્સમાં પણ તેમનો સમાવેશ છે.             
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો                    
(Gujarat Ni Gupshup Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Phunsukh Wangdu type school in village of Gujarat
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended