Home »Gujarat »Gujarat Ni Gupshup» Devji Hengade Commentary In English By Farmer Of Banaskantha District

ભલભલા દંગ રહી જાય છે આ ગુજ્જુની કોમેન્ટ્રી સાંભળી, ક્રિકેટર્સ પણ છે ફેન

divyabhaskar.com | Mar 30, 2017, 02:08 AM IST

પાલનપુર: ક્રિકેટનાં ગ્રાઉન્ડ પર ખમીશ અને અઢીવતો (ધોતી) પહેરવેશ, માથે પાઘડી અને પગમાં ચાંચવાળી મોજડીને ધારણ કરનાર વ્યક્તિને રીચી બેનોર્ડ, ટોની ગ્રેગ, સુનિલ ગાવસ્કર, હર્ષ ભોગલે, રવિ શાસ્ત્રીની જેમ હિન્દી અને અંગ્રેજીમાં ક્રિકેટ ટુર્નામેન્ટની લાઈવ તે પણ આગવી ફાંકડી અદામાં કોમેન્ટ્રી આપતાં જોઈએ ભલભલા લોકો દંગ રહી જાય છે.

જોકે, ગુજરાતનાં રિચી બેનો તરીકે ઓળખાતા દેવજીભાઇ હેગડેએ ગુજરાતી શાળામાં માત્ર સાત ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે. સરહદી વિસ્તારે ખેતરમાં કામ કરતાં-કરતાં રેડિયો સાંભળીને ક્રિકેટ જગતનું એ ટુ ઝેડ શીખનાર દેવજીભાઇ હેગડેની ક્રિકેટ કોમેન્ટ્રી સાંભળીને ખ્યાતનામ ક્રિકેટરો અને કોમેન્ટરો પણ મોંઢામાં આંગળા નાખતા રહી જાય છે. 

બનાસકાંઠા જિલ્લામાં છેક છેવાડે પાકિસ્તાન બોર્ડર પર આવેલા સૂઇગામ નજીકના ફાંગડી ગામના 53 વર્ષીય દેવજીભાઈ હેગડેનો મૂળ વ્યવસાય ખેતી છે. એક સામાન્ય ખેડૂતના ઘરમાં ઉછરેલા દેવજીભાઇએ ખેતરથી લઈને ક્રિકેટના ગ્રાઉન્ડ સુધીની કરેલી રોમાંચક સફળ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે ‘અમે 7 ભાઇઓ હતા અને અમારી આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોવાથી હું 8 વર્ષની ઉંમરથી જ અભ્યાસની સાથે-સાથે ખેતમજૂરી અને ઢોર-ઢાખર ચરાવવાનું કામ કરતો હતો. આર્થિક સ્થિતિ નબળી હોવાછતાં પિતાની ઇચ્છા હતી કે અમે ભણીગણીને આગળ વધીએ પરંતુ આર્થિક તંગીના લીધે મેં 7 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો અને ત્યારબાદ 1979માં એક્સટર્નલ તરીકે ધોરણ 10 પાસ કર્યું. 

હું ચૌદ-પંદર વર્ષનો હતો, ત્યારે મને રેડિયો સાંભળવાનો ખૂબ પસંદ હતો. આજથી ત્રીસ-પાંત્રીસ વર્ષ અગાઉ તેમના ગામમાં બે જ વ્યક્તિ પાસે રેડિયો હતો. મેં મારા પિતાજીને વાત કરી એટલે તેઓએ મને આપેલા ૭૦૦ રૂપિયામાં ગામના કરમસિંહ પાસેથી ફિલિપ્સનો થ્રી બેન્ડ રેડિયો ખરીદ્યો હતો.

આર્થિક સ્થિતિ બહુ સારી ન હોવાથી સવારથી ખેતરમાં કામ કરવા જતો હતો. ત્યારે ખેતરની એક સાઇડમાં રેડિયો ચાલુ કરીને કામ કરતાં સાંભળતો હતો. એ સમયે રેડિયો પર આવતી ક્રિકેટ કોમેન્ટ્રી પણ સાંભળતો પણ બહુ સમજ પડતી ન હતી. જેથી ગામની પ્રાથમિક શાળાના શિક્ષક કાશીરામભાઈ શ્રીમાળી મને ક્રિકેટના ગ્રાઉન્ડ, રન, બાઉન્ડરી, એલબીડબલ્યુ, રનઆઉટ, સ્ટમ્પિંગ, બોલ્ડ વગેરે વિશે સમજાવતાં હતા. આ ઉપરાંત શાળાના અન્ય શિક્ષક વિહાજી સેંગલ, ગણપતભાઇ મને ક્રિકેટની રમત વિશે માહિતીગાર કરતા હતા.  

વર્ષ 1983માં ભારતીય ક્રિકેટ ટીમે કપિલદેવના નેતૃત્વમાં પ્રથમ વર્લ્ડ કપ જીત્યો હતો. વર્લ્ડ કપની ફાઈનલ મેચની કોમેન્ટ્રી સાંભળી રહ્યો હતો. ત્યારે ભારતીય ટીમ 183 રનમાં ઓલ આઉટ થઈ જતાં એકવાર તો રેડિયો બંધ કરી દેવાનું મન થઈ ગયું હતું.

વેસ્ટ ઇન્ડીઝની ટીમ ભારતીય ટીમના ખેલાડીઓને ખાઈ જશે તેવી ગંભીર પરિસ્થિતિ હતી. પરંતુ કપિલ દેવ કરેલા એક કેસ અને અમરનાથે ઝડપેલી ત્રણ વિકેટથી ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતી ગઈ અને અંગ્રેજોની ભૂમિ પર ત્રિરંગો લહેરાયો હતો. એ પળથી મને પણ ક્રિકેટની રમત માટે કંઈ કરવાની પ્રેરણા જાગી. રેડિયો પર ક્રિકેટની કોમેન્ટ્રી સાંભળતો હોઈ વિચાર આવ્યો કે આ લોકો કોમેન્ટ્રી આપી શકે તો હું કેમ આપી ના શકું? બસ આ પ્રશ્નથી જીવનમાં મોટું પરિવર્તન આવ્યું. ખેતરમાં કામ કરતાં રેડિયો પર ક્રિકેટ કોમેન્ટ્રીમાં ઉચ્ચારવામાં આવતાં શબ્દો ધ્યાનથી સાંભળતો અને શીખતો હતો.’ ક્યારેક ક્યારેક શબ્દો ખબર ના પડે તો ડિક્શનરીની મદદ પણ લેતો. 

રેડિયો પર ક્રિકેટ કોમેન્ટ્રીની ત્રણ વર્ષ ચાલેલી પ્રેક્ટિસ બાદ દેવજીભાઇમાં નવી ચેતના આવી ગઈ. ગુજરાતી શાળામાં ભણ્યા હોઈ છતાં અંગ્રેજીમાં કડકડાટ બોલતા દેવજીભાઈએ જણાવ્યું હતું કે ‘જીવનમાં કશું અઘરું નથી. રાત-દિવસ રેડિયો પર ક્રિકેટ કોમેન્ટ્રી સાંભળવા સાથે સ્પોકન ઇગ્લિંશની ચોપડી લાવીને અભ્યાસ શરૂ કર્યો. બસ ચમત્કાર કહો કે ઇશ્વરની કૃપા આજે અંગ્રેજી અને હિન્દીમાં જાણીતા કોમેન્ટેટરની જેમ ક્રિકેટમાં કોમેન્ટ્રી આપી શકું છું.’

દેવજીભાઇને સરકાર તરફથી મળતો નથી કોઇ સપોર્ટ
દેવજીભાઇએ દિવ્યભાસ્કર.કોમ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે તેમને સરકાર તરફથી હજુ સુધી કોઇ મદદ મળી નથી. તેઓ ક્રિકેટ, હોકી જેવી અન્ય રમતોની પણ કોમેન્ટ્રી બોલી શકે છે. સરકાર દ્વારા ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે પરંતુ તેમને યાદ સુદ્ધા કરવામાં આવતા નથી. અત્યાર સુધીમાં સુભાષ મશરૂવાળા એકમાત્ર એક કોમેન્ટેટર છે જેમણે ગુજરાત લેવલે કોમેન્ટ્રી આપી છે જ્યારે દેવજીભાઇએ રણજી ટ્રોફીમાં પણ કોમેન્ટ્રી આપી ચૂક્યાં છે. ગુજરાતમાંથી ક્રિકેટરો, બોલરો તૈયાર થાય છે જ્યારે ગુજરાતમાંથી એકપણ કોમેન્ટેટર નથી જેથી તેમની ઇચ્છા છે કે તેઓ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે કોમેન્ટ્રી આપીને ગુજરાતનું નામ રોશન કરે. અત્રે ઉલ્લેખનીય છે 2012માં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કૃષિ મેળામાં તેમને કોમેન્ટ્રી આપવાની તક મળી હતી અને નરેન્દ્ર મોદીએ તેમની પીઠ થપથપાવીને શાબાશી પાઠવી હતી. બનાસકાંઠાના આંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા દેવજીભાઇને સરકાર દ્વારા મદદ મળી રહે તો ગુજરાતમાંથી એક કોમેન્ટરના રૂપમાં વધુ એક સિદ્ધિ પ્રાપ્ત થઇ શકે તેમ છે. 

આગળ વાંચો: કપિલદેવના હસ્તે રૂ.દસ હજારનું ઇનામ
(Gujarat Ni Gupshup Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Devji Hengade Commentary In English By Farmer Of Banaskantha District
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended