Home »Gujarat Election 2012 »News» Voting Begins For The Second Phase Of Gujarat Election

સવારે આઠના ટકોરે બીજા તબક્કાની ચૂંટણીનો પ્રારંભ

divyabhaskar.com | Dec 17, 2012, 07:56 AM IST

-મતદારોમાં જોવા મળ્યો અભૂતપૂર્વ ઉત્સાહ, બીજા તબક્કામાં સરેરાશ 70 ટકાથી વધુ મતદાન
-તા. 20મીએ થશે મતગણતરી

આજે ગુજરાતમાં 95 બેઠકો પર બીજા અને અંતિમ તબક્કાનું મતદાન યોજાયું હતું. બીજા તબક્કામાં સરેરાશ 70 ટકા મતદાન થયું હોવાનાં અનૌપચારિક અહેવાલ મળી રહ્યાં છે. ઉત્તર ગુજરાત, મધ્યગુજરાત અને કચ્છ વિસ્તારમાં મતદાન થયું હતું. સવારે આઠના ટકોરે મતદાન મથકોનાં દરવાજા જાહેર જનતા માટે ખુલી ગયા હતા. ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી, શ્વેતા ભટ્ટ, અમિત શાહ, આનંદીબેન પટેલ, શંકરસિંહ વાઘેલાનાં, ભાવસિંહ રાઠોડ સહિતના નેતાઓનાં ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયા છે.
 
બીજા તબક્કામાં મધ્યગુજરાતના પાંચ જિલ્લાઓની 40, ઉત્તર ગુજરાતની 32, અમદાવાદ શહેરની 17 અને કચ્છ જિલ્લાની છ બેઠક પર મતદાન યોજાયું હતું. ગુજરાતનાં ચૂંટણી પરિણામો મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના 'ચલો દિલ્હી' અભિયાનનું ભાવિ પણ નક્કી કરશે. રાજકીય નિષ્ણાતોનાં મતે ગત વખત કરતા વધુ સિટ્સ મળી તો મોદીનું દિલ્હીગમન નિશ્ચિત છે. 95 સિટ્સમાંથી અમુક સિટ્સને બાદ કરતાં મોટાભાગની બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. સૌરાષ્ટ્રમાં જેવું જીપીપીનું પ્રભુત્વ છે, તેવું પ્રભુત્વ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ન હોવાથી અહીં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો થયો છે. 
 
 પ્રથમ તબક્કામાં જીપીપીના પ્રભુત્વવાળા સૌરાષ્ટ્ર વિસ્તારમાં જંગી મતદાન થયું હતું. તમામ રાજકીય પક્ષો આ મતદાન તેમની તરફેણમાં થયું હોવાનો દાવો કરે છે, જોકે ઉત્તર ગુજરાત, મધ્યગુજરાત અને કચ્છનો વિસ્તાર 'દૂધનું દૂધ અને પાણીનું પાણી' કરી દે તેમ જણાય છે.
 
4.59 કલાકના અપડેટ
 
રાજ્યમાં સરેરાશ 62 ટકા મતદાન થયું હોવાનાં અનૌપચારિક અહેવાલ. ભાજપના પ્રવક્તા વિજયભાઈ રૂપાણીના કહેવા પ્રમાણે, મોદીની ઉપર કોંગ્રેસ દ્વારા થતા આરોપોનાં કારણે લોકોએ મોદીને મુખ્યપ્રધાન બનાવવા માટે લોકોએ મતદાન કર્યું છે. મધુ શ્રીવાસ્તવના પત્નીએ કોંગ્રેસી કાર્યકરને લાફો માર્યો. વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ. 
 
3.50 કલાકના અપડેટ
 
ભાજપના દિગ્ગજ નેતા એલ.કે. અડવાણીએ ખાનપુર ખાતે ભાજપના કાર્યાલય પર ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ભોજન લીધું હતું. તેમણે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરી હતી અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. મુલાકાત બાદ મોદી અને અડવાણી એક સાથે જ બહાર નીકળ્યા હતા અને ઉપસ્થિત ભીડને વીક્ટ્રીની સાઈન દેખાડી હતી. 
 
3.40 કલાકના અપડેટ

મહુધા મતવિસ્તારમાં હાંસજની મુવાડી ગામ પાસે પાંચ મહિલા અને ત્રણ પુરૂષો મતદાન કરવા માટે જતા હતા, ત્યારે અજાણ્યા વાહને ટક્કર મારી. એકનું મોત. વડોદરાના કરણજણમાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં 62 ટકા મતદાન. આણંદમાં 39 ખેડામાં 21 ટકા મતદાન નોંધાયું છે. સમાચાર ચેનલોના અહેવાલ પ્રમાણે, બપોરે ત્રણ વાગ્યા સુધીમાં રાજ્યમાં સરેરાશ 56 ટકા મતદાન થયું છે, જે વર્ષ 2002 અને વર્ષ 2007ની ચૂંટણીઓ કરતાં વધુ ટકાવારી સૂચવે છે. 

3.20 કલાકના અપડેટ

બપોરે ત્રણ કલાકની સ્થિતિ પ્રમાણે, અમદાવાદમાં સરેરાશ 56 ટકા મતદાન થયું છે. દરમિયાપુરમાં 41 ટકા, મણિનગરમાં 34 ટકા, દાણીલિમડામાં 37 ટકા મતદાન થયું હોવાનું જાણવા મળે છે. બપોરે ત્રણ કલાકની સ્થિતિ પ્રમાણે અહીં વર્ષ 2002 તથા વર્ષ 2007ની ચૂંટણીનો રેકોર્ડ તૂટ્યો હતો. 

3.10 કલાકના અપડેટ

બપોરે એક વાગ્યાની સ્થિતિ પ્રમાણે ખેડા જિલ્લામાં બપોરે એક કલાકે સરેરાશ 38 ટકા મતદાન થયું હતું. માતર 46.39, નડિયાદ 32.17, મહેમદાવાદ 40.99, મહુધા 41.58, ઠાસરા 28.00, કપડવંજ 47.69 અને બાલાસિનોરમાં 27.35 ટકા મતદાન થયું હતું. બપોરે એક વાગ્યાની સ્થિતિ પ્રમાણે આણંદમાં સરેરાશ 36 ટકા મતદાન થયું હતું. ખંભાતમાં 38.34, બોરસદમાં 39.00, આંકલાવમાં 37.07,ઉમરેઠમાં  26.33માં, આણંદમાં 32.50, પેટલાદમાં 42.00 અને સોજિત્રામાં 38.24 ટકા મતદાન થયું છે. 

આ પહેલાનું ન્યૂઝ અપડેટ જાણવા માટે તસવીરો બદલતાં જાવ...

વાંચો:
જાણો બીજા તબક્કાની 95 બેઠક ઉપર કેટલું મતદાન થયું?
 

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: voting begins for the second phase of gujarat election
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext