Home »Daxin Gujarat »Latest News »Navsari» New RTO's Opening By Modi

'આદિવાસીઓના ચરણોમાં આવી બેઠી છે આખી ગુજરાત સરકાર'

Bhaskar News, Saputara | Jan 26, 2013, 00:21 AM IST

- ડાંગ પ્રવાસનમાં રોજગારી આપશે: નરેન્દ્ર મોદી
- ડાંગ જિલ્લાના વઘઈમાં નવી આરટીઓનું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ
 
ડાંગના પ્રવેશદ્વાર વઘઈ ખાતે શુક્રવારે પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ યુવા સંમેલનને સંબોધતા જણાવ્યું કે ગુજરાતના કૌશલ્યવર્ધક કેન્દ્રો દેશ માટે મોડલરૂપ બન્યા છે. જેથી યુવાનોએ હુન્નર કૌશલ્યમાં સામર્થ્ય બતાવી રાજ્યની ઉત્પાદન ક્ષમતાની નવી તાકાત ઉભી કરી છે. ડાંગ જિલ્લો પ્રવાસન ક્ષેત્રે રોજગારીના નવા દ્વારો ખોલશે.
 
વઘઈ ખાતે સ્વામી વિવેકાનંદ યુવા પરિષદમાં ભાગ લેવા નરેન્દ્ર મોદીએ યુવાશક્તિનું અભિવાદન કર્યું હતું. તેમણે નવો જાહેર થયેલ તાલુકો વઘઈમાં નવી આરટીઓ કચેરીનું લોકાર્પણ કર્યું હતું તેમજ વિવેકાનંદ યુવા કેન્દ્રો માટે રમતના સાધનોનું વિતરણ કર્યું હતું. પ્રજાસત્તાક પર્વની અંત:કરણથી શુભેચ્છા આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે દુર દુર ડુંગરાળ પ્રદેશમાં વસતા આદિવાસીઓના ચરણોમાં આખી ગુજરાત સરકાર આવી બેઠી છે. ગુજરાતની પ્રજાએ ચોથીવાર અખૂટ વિશ્વાસ મુકી અમને સેવાનો અવસર આપ્યો છે, જેથી ડાંગના વિકાસને હવે કોઈ પણ રોકી નહીં શકે. હાલની યુવાપેઢી હુન્નર-કૌશલ્યની તાલીમો લઈ દેશની પ્રગતિમાં સહભાગી બન્યા છે.
 
અગાઉ તેમણે વઘઈને તાલુકો જાહેર કર્યો હતો અને આગામી દિવસોમાં ડાંગના સુબીરને પણ તાલુકો બનાવવાના ચક્રો ગતિમાન કર્યા છે. દેશમાં જ્યારે સ્ત્રીભ્રૂણ હત્યાનું કલંક છે ત્યારે ડાંગ જિલ્લાના આદિવાસીઓમાં દર હજાર પુરૂષોએ ૧૦૦૭ સ્ત્રીઓની સંખ્યાથી મુખ્યમંત્રી મોદી માત્ર ખુશી જ વ્યક્ત નહીં કરી પણ ડાંગમાં માતા તરીકે પુજાતી સ્ત્રીઓને તેમણે નમન કર્યા હતા. તેમણે ગુજરાત માટે આ ગૌરવની બાબત ગણાવી હતી.
 
મુખ્યમંત્રીએ જણાવ્યું કે સરકારના પ્રયાસોથી આદિવાસીઓની સ્થળાંતરની ટકાવારી ૪૦ ટકાથી ઘટીને ૧૪ ટકા થઈ છે, અનાજનું ડાંગમાં ઉત્પાદન ૭૩૦૦૦ ટનમાંથી સવા લાખ ટન સુધી પહોંચ્યું છે. ડાંગના ૩૧૧માંથી ૩૦પ ગામોના રસ્તાઓ માટે ૧પ૦ કરોડ જેટલી રકમ ખર્ચ કરવામાં આવી છે. ડાંગના પ્રભારી સચિવ એસ.કે. નંદાએ મુખ્યમંત્રીને સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું સિમાચિન્હ ભેટ કર્યું હતું. વ્યસન મુક્તિની શપથ લેનાર ૭૦૦૦ જેટલા યુવાનોના શપથપત્રો મુખ્યમંત્રીને એનાયત કરવામાં આવ્યા હતા.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: new RTO's opening by modi
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext