Home »Daxin Gujarat »Latest News »Surat City» Surat Bhajiyawala It Survey: Income Tax Department Will Check 25,000 Bank Account

ભજીયાવાળાની કાળાધોળાની 'રેસિપી' જાણવા 25 હજાર ખાતા ચેક થશે

divyabhaskar.com | Dec 19, 2016, 13:46 PM IST

  • ભજીયાવાલાની મિલકતો પર આઈટીની ટીમ બારીકાઈપૂર્વક તપાસ કરી રહી છે.
સુરતઃઉધનાના માલેતુજાર ફાઇનાન્સર કિશોર ભજીયાવાળાને ત્યાં હાથ ધરવામાં આવેલાં સર્ચ ઓપરેશનના પાંચમા દિવસે 225 જેટલી સંપત્તિના દસ્તાવેજ કબજે કરાયા છે. રવિવારે હાથ ધરવામાં આવેલા સર્ચમાં 1.49 કરોડ રૂપિયાનું સોનું, 4.92 કરોડ રૂપિયાની સોનાની જ્વેલરી, 1.39 કરોડ રૂપિયાના અન્ય દાગીના અને 1.28 કરોડ રૂપિયાની ચાંદીની પાટો કબજે કરવામાં આવી છે. ઉપરાંત એવી પણ ચર્ચા છે કે 1.5 કરોડની નવી નોટો જપ્ત કરાઈ છે. અધિકારીઓની તૈયારી તો 25 હજાર એકાઉન્ટ ચેક કરવાની હોવાનું જાણવા મળી રહ્યું છે.
 
 
16 લોકરની તપાસ, 4 ઓપરેટ કરવાના બાકી
 
કિશોર અને તેના પરિવારે શહેરની આજુબાજુ તથા અમદાવાદમાં કરોડોની જમીનો ખરીદી હોવાનું પણ આઇટીના ધ્યાને આવ્યું છે. લોકોને વ્યાજે રૂપિયા આપ્યા બાદ આ મીલકતો પડાવી લીધી હોવાની આઇટીને શંકા છે. પીપલ્સ બેન્કની કામરેજ અને મહિધરપુરા શાખામાં પણ લોકર હોવાથી તેની તપાસ શનિવારે શક્ય બની ન હતી. કુલ 4 લોકર ઓપરેટ કરવાના હજી બાકી છે. 16 લોકરની અધિકારીઓ ખણખોદ કરી ચૂક્યા છે.
 
ડોક્યુમેન્ટ્સ અલગ-અલગ લોકર્સમાં હોવાની આઇટીને આશંકા

એક મીલકતમાંથી 125 કિલોના ચાંદીના વાસણો પણ આઇટી દ્વારા કબજે કરાયા છે. વ્યાજનો ધંધો કરીને કરોડપતિ બનેલા કિશોર ભજીયાવાલાની વધુ મીલકતો સામે આવે તેવી શક્યતા છે. તેણે શહેરની અલગ-અલગ બેંકમાં લોકર ખોલી રાખ્યા છે. કિશોરે જે મકાનમાં તમામ ડોક્યુમેન્ટ્સ અને લોકર્સની ચાવીઓ સંતાડી રાખી હતી તે મકાન આઇટીને મળી ગયું હતું. જેના કારણે આઇટીને એક પછી એક લોકર્સ તેમજ ડોક્યુમેન્ટ્સમાંથી કિશોરે જમા કરેલા કાળા નાણાની વિગતો સાંપડી રહી છે. 225 જેટલી મીલકતોની એક લીસ્ટ આઇટીના હાથે લાગ્યું છે, જેના ડોક્યુમેન્ટ્સ અલગ-અલગ લોકર્સમાં હોવાની આઇટીને આશંકા છે.

125 કિલો ચાંદીનાં વાસણો

ગઈકાલે રાત્રે આઇટીએ ચોકબજાર ખાતે આવેલી ભજીયાવાલાની એક મીલકતમાં સર્ચ કર્યું હતું. આ મીલકતમાં મૂકેલી તિજોરીમાંથી આઇટીએ 125 કિલો ચાંદીના વાસણો જપ્ત કર્યા હતા. આઇટીને આશંકા છે કે, આ ચાંદીના વાસણો નોટબંધી બાદ ખરીદવામાં આવ્યા હશે.

એક કલાક પણ વ્યાજ મોડુ થાય તો પેનલ્ટી

સુત્રોના જણાવ્યા અનુસાર કિશોર ભજિયાવાલા વ્યાજે રૂપિયા આપે ત્યારે તેને નક્કી કરેલી તારીખે તેને વ્યાજ મળી જવું જોઇએ. જો નક્કી કરેલી તારીખે નક્કી કરેલા સમયથી એક કલાક પણ વ્યાજ મોડું મળે તો તેની પાસેથી 500થી 1000 રૂપિયા પેનલ્ટી વસૂલતો હતો.

કિશોર પાસે મર્સીડીઝ સહિતની કારનો કાફલો

કિશોર ભજીયાવાળા પાસે લક્ઝરી કાર સહિતની કારોનો કાફલો છે. તેની પાસે મર્સીડીઝ ઉપરાંત ઇનોવા, ઇકો સ્પોર્ટસ અને શેવરોલેટ કંપનીની કાર હોવાનું સુત્રોએ જણાવ્યું છે.

વ્યાજે આપ્યા 2 લાખ ખંખેરી લીધા 6 લાખ

કિશોર ભજીયાવાલાએ કોટ વિસ્તારના લેસના એક વેપારીને થોડા વર્ષો પહેલા વ્યાજે 2 લાખ રૂપિયા આપ્યા હતા. વેપારીએ વ્યાજ અને મુદ્દલ સહિત 6 લાખ રૂપિયા આપ્યા હતા.

બે બેંકો માટે મિલકત ભાડે આપી

ઉધના વિસ્તારમાં આવેલી બે બેંકો જે મિલકતમાં ચાલે છે તે મિલકત કિશોર ભજીયાવાલાની હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. એક ખાનગી બેંક અને એક કો ઓપરેટીવ બેંક છે. આ બંને બેંકો માટેની જગ્યા કિશોર ભજીયાવાળાએ ભાડેથી આપ્યું હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.

સીબીઆઈને તપાસ સોંપાય તેવા સંકેત

ભજીયાવાલાએ બીજાના નામે કેશ ડિપોઝિટ કરાવી હોવાની વિગતો આઇટીને મળી છે. આ મામલે આઇટી સીબીઆઈને વિગતો આપશે આખા કેસની તપાસ સીબીઆઈને સોંપાય તેવા સંકેત મળ્યા છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો ભજીયાવાળાની એક હજાર કરોડની મિલકતની વેલ્યુનો અંદાજ
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Surat Bhajiyawala It Survey: Income Tax Department Will check 25,000 Bank Account
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext