Home »Daxin Gujarat »Latest News »Surat City» હજીરા કઠઈ આગની તપાસ કરશે ઉચ્ચસ્તરીય કમિટીઃવિરપ્પા મોઈલી

હજીરા કઠઈ આગની તપાસ કરશે ઉચ્ચસ્તરીય કમિટીઃવિરપ્પા મોઈલી

Pankaj Ramani | Jan 06, 2013, 14:19 PM IST

- આગનો તપાસ અહેવાલ ૨૦ જાન્યુઆરી સુધીમાં
 
- આઈઓસીમાં આગને પગલે પેટ્રોલિયમ મંત્રી વિરપ્પા મોઇલી સુરત દોડી આવ્યા
 
- મૃતકોના પરિવારોને પ લાખનું વળતર જાહેર કરાયું
 
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના હજીરા નજીક કવાસ ખાતેના ડેપોમાં લાગેલી ભીષણ આગની ઘટનાને પગલે દિલ્હીથી કેન્દ્રીય ગેસ અને પેટ્રોલિયમ મંત્રી રવિવારે બપોરે સુરત દોડી આવ્યા હતા. ઘટના સ્થળની મુલાકાત લઇને તેમણે આ સમગ્ર દુર્ઘટના અંગે ઉચ્ચ સ્તરીય તપાસ કમિટી નિમવા સાથે મૃતકોના પરિવારને આર્થિ‌ક સહાયની જાહેરાત કરી હતી.
 
કેન્દ્રીય ગેસ અને પેટ્રોલિયમ મંત્રી વિરપ્પા મોઇલી બપોરે ૧૧-૩૦ કલાકે કવાસ ઓએનજીસીના હેલિપેડ પર હેલિકોપ્ટર મારફત આવ્યા હતા. તેમની સાથે આઇઓસીના ચેરમેન આર.એસ. બુટાલા અને માર્કેટીંગ મેનેજર એમ. નેને સાથે ઓએનજીસીના સીએમડી સુધીર વાસુદેવાએ પણ આઇઓસી પ્લાન્ટની મુલાકાત લીધી હતી.
 
પત્રકારોને વિગતો આપતા વિરપ્પા મોઇલીએ જણાવ્યું હતું કે, આઇઓસીના ટેન્ક નંબર-૪માં લાગેલી આગ ૨૪ કલાક બાદ કાબુમાં આવી ગઇ છે. આ આગ ક્યા કારણોસર લાગી છે તેની કોઇ પ્રાથમિક વિગતો હજુ સુધી ધ્યાન પર આવી નથી પરંતુ સમગ્ર ઘટનાની તપાસ એક ઉચ્ચ સ્તરીય કમિટી દ્વારા કરવામાં આવશે. આ કમિટી દ્વારા આગામી ૨૦મી જાન્યુઆરી સુધીમાં પોતાનો રિપોર્ટ સબમિટ કરી દેશે. આ રિપોર્ટ આવ્યા બાદ જ ઘટના પાછળ ક્યા કારણો જવાબદાર છે તે નક્કી થઇ શકશે.
 
વધુમાં મોઇલીએ જણાવ્યું હતું કે, આઇઓસીના આ પ્લાન્ટમાં અત્યાર સુધીમાં રૂપિયા ૩પ કરોડનો પેટ્રોલનો જથ્થો બળી ગયો છે. આ સિવાય ઓઇલ ટેન્ક સહિ‌તની મશીનરીને જે નુકસાન થયું છે તેનો આંક રૂપિયા ૧૦ કરોડ છે એટલે ગઇ કાલથી લાગેલી આ આગમાં કુલ રૂપિયા ૪પ કરોડનું નુકસાન થયું છે.
 
- મૃતકોના પરિવારને રૂ.પાંચ-પાંચ લાખની સહાય
 
આઇઓસી ટેન્કમાં લાગેલી આગમાં મોતને ભેટેલા ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓરિસ્સાના વતની એવા ત્રણ નાગરિકોને આઇઓસી દ્વારા રૂપિયા પાંચ-પાંચ લાખની સહાય આપવામાં આવશે એવી જાહેરાત વીરપ્પા મોઇલીએ કરી હતી. જાલંધર ચૌધરી, રાહુલ સ્વાઇ અને દેવેન્દ્ર રાજારામ ગીરીસાથો સાથ મૃતકોના પરિવારજનોને વતન જવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવશે.
 
- આગને કાબુમાં લેવાની કાર્યવાહીની સરાહના
 
કેન્દ્રીય મંત્રીએ સુરત ક્લેક્ટર જયપ્રકાશ શિવહરે અને તેમની ટીમ સહિ‌ત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિ‌ત કોર્પોરેટ કંપનીઓએ આગને કાબુમાં લેવા માટે કરેલી કાર્યવાહીની સરાહના કરી હતી. ખાસ કરીને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને સુરત મહાનગર પાલિકાના ફાયર બ્રિગેડના જવાનોએ તેમજ હજીરા પટ્ટીના રિલાયન્સ, ક્રિભકો, ઓએનજીસી સહિ‌તની કંપનીઓએ પોતાના ફાયર ઇક્વીપમેન્ટ મોકલીને સ્થિતી ઉપર કાબુ મેળવ્યો છે.
 
- જયપુરની જેમ બધુ ફના થઇ જવાની રાહ જોવાને બદલે આગને પ્રસરતી અટકાવાઇ છે
 
વર્ષ ૨૦૦૯માં જયપુર ખાતેના આઇઓસીના ડેપોમાં આગ લાગી ત્યારે આગ પર કાબુ મેળવવા પ્રયાસો થયા હતા. પરંતુ એ પ્રયાસો પુરતા ન હતા અને બધુ ફના થઇ જાય ત્યાં સુધી રાહ જોવાઇ હોય એવુ લાગતું હતું. પરંતુ સુરતના આઇઓસી પ્લાન્ટની આગમાં આગને પ્રસરતી અટકાવવા સાથે પરિસ્થિતી ઉપર ઝડપથી નિયતંત્રણ મેળવવામાં તંત્રને સફળતા મળી છે.
 
- વિરપ્પા મોઇલી આવ્યા અને મૃતકના પરિવારને આઇઓસીમાં લઇ જવાયા
 

શનિવારે બપોરથી ગુમ થયેલા જાલંધર ચૌધરીના પત્ની અને તેના પાંચ માસુમ સંતાનો સહિ‌ત રાહુલ અને દેવેન્દ્રના પરિવારજનોને આઇઓસીના ગેટ પર બેઠા હતા. ગઇ કાલથી આ પરિવારને કોઇ જવાબ આપનાર ન હતું. પરંતુ જેવા કેન્દ્રીય મંત્રી વિરપ્પા મોઇલી આવ્યા એવા જ આ પરિવારના તમામ સભ્યોને વિરપ્પા મોઇલીને મળવાનું છે એવા બહાને આઇઓસીમાં લઇ જવામાં આવ્યા હતા. કંપની પરિસરમાં મંત્રીએ આ પરિવારજનોને સાંત્વના આપી હતી.(તસ્વીરો જીતેન્દ્ર જડીયા)

વધુ ફોટો જોવા સ્ક્રોલ કરો

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: હજીરા કઠઈ આગની તપાસ કરશે ઉચ્ચસ્તરીય કમિટીઃવિરપ્પા મોઈલી
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext