Home »Abhivyakti »Editorial Article» Uttar Pradesh Direct Climb Half Way In Election

ઉત્તર પ્રદેશઃ સીધાં ચઢાણમાં અડધે રસ્તે

Editorial Article | Feb 21, 2017, 02:23 AM IST

  • ઉત્તર પ્રદેશઃ સીધાં ચઢાણમાં અડધે રસ્તે,  editorial article news in gujarati
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે રહી ચૂકેલા, ‘ગુજરાતનો નાથ’ના લેખક કનૈયાલાલ મુન્શીની બે આત્મકથાનાં નામ ‘સીધાં ચઢાણ’ અને ‘અડધે રસ્તે’ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બરાબર લાગુ પડે છે.  કેન્દ્રમાં એનડીએ સરકારનાં અઢી વર્ષ પછી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી તેમના માટે અત્યાર લગીનો સૌથી મોટો પડકાર ગણાઈ છે. શરૂઆતના તબક્કે મોદીતરફી પવન વાતો હોવાનો કેટલાક રાજકીય નિરીક્ષકોનો અંદાજ ચૂંટણીના ત્રણ તબક્કા પૂરા થયા પછી જરા મોળો પડ્યો છે. 

રાજકીય દૃષ્ટિએ મોટી બેઠકસંખ્યાને કારણે ભારે મહત્ત્વ ધરાવતા આ રાજ્યમાં આ વખતે ચતુષ્પાંખિયો જંગ ટળી ગયો છે. કારણ કે કોંગ્રેસે સમાજવાદી પક્ષ સાથ હાથ મિલાવ્યા છે અને અખિલેશ યાદવ-રાહુલ ગાંધીની જોડી બની છે. તેમાંથી દેખીતી રીતે જ અખિલેશનું પલ્લું ભારે છે, કારણ કે વર્તમાન મુખ્ય મંત્રી હોવા ઉપરાંત તેમની છાપ એકંદરે સારી છે અને ખાસ તો, તે પક્ષનો જ નહીં, ઉત્તર પ્રદેશના અને કંઇક અંશે ભારતીય રાજકારણનો યુવા ચહેરો છે. રાહુલ ગાંધીજીની જેમ તે નેતાપુત્ર હોવા છતાં, જવાબદારી લેવામાં અને કપરા સંજોગો સાથે કામ પાડવામાં તેમનો અનુભવ-તેમની સજ્જતા ઘણાં વધારે છે. સમાજવાદી પક્ષ-કોંગ્રેસની યુતિથી ભાજપને ફાયદો થશે કે નુકસાન, એ વિશે પણ અભ્યાસીઓ એકમત નથી.
 
સામાન્ય છાપ એવી છે કે આ બન્નેએ હાથ મિલાવવાને કારણે ઉત્તર પ્રદેશમાં ભાજપ સામે મજબૂત પડકાર ઊભો થયો છે. તો કેટલાકને એવું પણ લાગે છેે કે કોંગ્રસ સાથે હાથ મિલાવવાથી અને તેને કદ કરતાં વધારે બેઠકો ફાળવવાથી સમાજવાદી પક્ષની હાલત નબળી પડી છે. અલબત્ત, કોંગ્રેસ-સમાજવાદી પક્ષની યુતિથી મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ થવાની સંભાવના મજબૂત બની છે. ધ્રુવીકરણની બાબતમાં વડાપ્રધાને પણ પોતાની જૂની કળાઓ અજમાવવાની શરૂ કરી હોય એવું તેમના રમઝાન-દિવાળી અને સ્મશાન-કબ્રસ્તાનને લગતા ઉદગારો પરથી લાગે છે. તેમની મૂળ ઉપસાવવાલાયક છાપ તો વિકાસપુરુષ તરીકેની હતી અને તેમાં એવી ખાતરી ભળેલી હતી કે નોટબંધીની સામાન્ય લોકો પર અસર નહીં થાય. પરંતુ ચૂંટણીના બે તબક્કા પછી તેમની અને તેમના ખાસ સાથીદારની અમિત શાહની એ ખાતરીમાંથી ઘણી કાંકરીઓ ખરી હોય એવું અત્યારે લાગી રહ્યું છે. તેમની આશા ઉત્તર પ્રદેશના ઓબીસી મતો અંકે કરવાની છે. 

ઉત્તર પ્રદેશના રાજકારણનો ચોથો ખૂણો એવાં માયાવતી માટે આ અસ્તિત્ત્વની લડાઈ છે. તેમની પાસે દલિત મતો છે. પણ સારા દેખાવ માટે મુસ્લિમ અને બીજા મતોની પણ આવશ્યકતા છે અને તેના વિશે માયાવતીને કે રાજકીય નિરીક્ષકોને ખાતરી નથી. સામાન્ય અંદાજ પ્રમાણે અત્યારના તબક્કે સપા-કોંગ્રેસ ગઠબંધન અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો જણાઈ રહ્યો છે, જેનાં પરિણામની અસર 2019ની લોકસભા ચૂંટણી ઉપર પણ પડી શકે છે.
(Editorial Article Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Abhivyakti Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Uttar Pradesh direct climb half way in election
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended