Home »Abhivyakti »Editorial Article» UP Election Indiscriminate Warm By Editorial Article

ઉ.પ્ર.ના ચૂંટણીપ્રચારમાં બેફામ વાણીવિલાસ

Editorial Article | Feb 25, 2017, 03:01 AM IST

  • ઉ.પ્ર.ના ચૂંટણીપ્રચારમાં બેફામ વાણીવિલાસ,  editorial article news in gujarati
ચૂંટણીનો સમય જાહેર સંવાદનું ધોરણ તળીયે બેસવાની મોસમ હોય છે. સૌથી વધારે અફસોસની વાત એ છે કે આ પ્રકારની શાબ્દિક કીચડઉછાળ અને ગલ્લાયુદ્ધની ભાષા પ્રયોજવામાં કોઈ પક્ષને અપવાદરૂપ થવું નથી. બધા પક્ષોની વચ્ચે એવી હરીફાઈ જોવા મળે છે કે બેફામ બોલવામાં અમે ક્યાંક પાછળ ન રહી જઈએ. અખિલેશ યાદવે અમિતાભ બચ્ચનની ગુજરાત ટુરિઝમની જાહેરખબરો યાદ કરીને શ્લેષ કર્યો કે બચ્ચને ગુજરાતના ગધેડાઓની જાહેરાત બંધ કરવી જોઈએ. વાક્પટુ વડાપ્રધાન બોલવામાં પાછા પડે? તેમણે ગધેડાનો મહિમા કરતાં કહ્યું કે તે ગધેડા જેવી વફાદારીથી અને મહેનતથી લોકોની સેવા કરે છે. 
 
આનું નામ વાક્ચાતુરી. તેને સિદ્ધાંત કે સામાન્ય સમજનાં બંધનો પણ નડતાં નથી. એટલે જ વડાપ્રધાને છેલ્લા ઘણા સમયથી, ખાસ કરીને તેમના મુખ્યમંત્રી તરીકેના અવતારમાં, ‘બૌદ્ધિક’ શબ્દને ગાળ બનાવી દીધો છે અને હવે ગધેડાનો મહિમા કરી રહ્યા છે. ગધેડાને મૂર્ખ તરીકે ચીતરવાનું યોગ્ય નથી એ સાચું છે, પરંતુ ગદ્ધામજૂરીનો પ્રચલિત અને સાચો અર્થ ઝાઝી અક્કલ ચલાવ્યા વિના કામ કરવું એવો થાય છે. વડાપ્રધાને ગુજરાતમાં અજમાવેલો એવો, હિંદુ તહેવાર-મુસ્લિમ તહેવારની સરખામણી દ્વારા છૂપી કોમી ઉશ્કેરણી કરવાનો દાવ ઉત્તર પ્રદેશની એક સભામાં પણ અજમાવ્યો.
 
ભાજપી પ્રચારમાં તદ્દન કોલેજની ચૂંટણીની કક્ષાની ટૂંકાક્ષરીઓ વહેતી મૂકવામાં આવી. તેમાં SCAM એટલે સમાજવાદી પાર્ટી, કૉંગ્રેસ, અખિલેશ અને માયાવતી તથા BSP એટલે બહેનજી સંપત્તિ પાર્ટી જેવાં નામકરણ કરવામાં આવ્યાં. અખિલેશે SCAM નો અર્થ આપ્યોઃ સેવ કન્ટ્રી ફ્રોમ અમિત (શાહ) એન્ડ મોદી. રાહુલે તેનો અર્થ સેવા, કરેજ, એબિલિટી, મોડેસ્ટી એવો કાઢ્યો. અવનવા નામકરણના ફઇબાકર્મમાં વડાપ્રધાન અને એકંદરે ભાજપી નેતાગીરી વિશેષ ઉત્સાહી છે એ દર્શાવતાં, ભાજપપ્રમુખ અમિત શાહે કહ્યું કે ઉત્તર પ્રદેશને તે કસાબથી છૂટકારો અપાવવા માગે છે - અને કસાબ એટલે કૉંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પક્ષ. આવો અત્યંત ઝેરીલો અંદાજ આપણા એકના એક રાષ્ટ્રીય પક્ષનો છે. 
 
અફસોસની વાત એ છે કે પ્રતિસ્પર્ધી નેતાગીરી પણ એ જ સ્તરે ઉતરી જાય છે અને શરૂ થાય છે કીચડલડાઈ. માયાવતી વડાપ્રધાનનું આખું નામ બોલીને તેમનું નેગેટિવ દલિત મેન જેવું તાલમેલિયું નવું નામ પાડે છે અને કહે છે કે મેં લગ્ન કર્યું નહીં ને લગ્ન કર્યાં પછી કોઇને તરછોડ્યું પણ નહીં. વડાપ્રધાને પોતાને ઉત્તર પ્રદેશના દત્તક પુત્ર તરીકે ઓળખાવ્યા ત્યારે કાૅંગ્રેસ-સપા યુતિએ કહ્યું કે ઉત્તર પ્રદેશને સગા પુત્રો છે અને દત્તક પુત્રની જરૂર નથી. માયાવતી અખિલેશને બબુઆ કહે છે ને અખિલેશ માયાવતીને બૂઆજી. આ બધાના વાણીવિલાસથી એ પણ સમજાય છે કે લોકોને કનડતા અસલી મુદ્દા વિશે આ મહાનુભાવોને જૂઠાં વચન આપવા સિવાય બીજું કશું કહેવાનું નથી. 
(Editorial Article Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Abhivyakti Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: UP election indiscriminate warm by Editorial Article
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended