Home »Abhivyakti »Parde Ke Pichhe» Time Of Life In River Flows Together Three Times By Jaiprakash Chouksey

જીવનરૂપી સમયની નદીમાં ત્રણેય કાળ એકસાથે વહે છે

jaiprakash chouksey | Mar 20, 2017, 04:59 AM IST

  • જીવનરૂપી સમયની નદીમાં ત્રણેય કાળ એકસાથે વહે છે,  parde ke pichhe news in gujarati
ભારતના નકશામાં જયપુર અને કોલ્હાપુર અમુક ઈંચના જ અંતરે  છે, પરંતુ જમીન પર આ અંતર ઘણું મોટુ છે. જયપુર રાજસ્થાનમાં છે અને કોલ્હાપુર મહારાષ્ટ્રમાં. જયપુર પોતાના ઇતિહાસ માટે અને કોલ્હાપુર  ચપ્પલ માટે પ્રસિદ્ધ છે, પરંતુ મરાઠા ઇતિહાસમાં કોલ્હાપુરનું મહત્ત્વ જયપુરથી ઓછું નથી. ફિલ્મ ઇતિહાસમાં પણ કોલ્હાપુરનું ઘણું મહત્ત્વ છે, ત્યાં ક્યારેક ફિલ્મ નિર્માણનો સ્ટુડિયો હતો અને સંભવત: લતા મંગેશકરે પણ આ પ્રકારની પહેલ કરી હતી. જોકે, ફિલ્મકાર સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવતી’નું શૂટિંગ બંને શહેરોમાં શક્ય ન થઈ શક્યું. જયપુરમાં કરણી સેનાએ વિરોધ દર્શાવ્યો કે ફિલ્મમાં પ્રામાણિક ઇતિહાસ નથી. ધન્ય છે એ લોકો, જેમણે પટકથા વાચ્યા વિના વાંધો ઉઠાવીને ફિલ્મનું શૂટિંગ ન થવા દીધું. આ જ રીતે કોલ્હાપુરમાં ‘પદ્માવતી’ના સેટ પર તોડફોડ કરાઈ અને આગ લગાવી દીધી.
 
સંભવત: તર્કહીનતા અને અંધવિશ્વાસમાંથી આપણે ક્યારેય આઝાદ થવા માગતા નથી. જયપુર અને કોલ્હાપુરમાં હલ્લો મચાવનારાઓ વચ્ચે કોઈ ભાઈચારો કે સંબંધ નથી. આ કોઈ યોજનાબદ્ધ કામ નથી અને એ લોકોની ભણસાલી સાથે કોઈ વ્યક્તિગત દુશ્મની નથી. તેમને એ પણ નથી ખબર કે સંજયના સિનેમા પર મહાન દિગ્દર્શક શાંતારામની ઊંડી અસર છે. એકચ્યુઅલી, શાંતારામે ઘણી લાંબી ઈનિંગ રમી છે અને જો આપણે સિનેમાને એક દિવસ માની લઇએ તો એમ કહેવું પડશે કે તેઓ સૂર્યોદયની થોડીવાર પછી આવ્યા અને સૂર્યાસ્તના થોડા સમય પહેલાં જ ગયા. ભણસાલી પર તેમની ‘નવરંગ’ અને ‘ઝનક ઝનક પાયલ બાજે’નો પ્રભાવ હોઈ શકે છે પરંતુ શાંતારામની ‘દુનિયા ન માને’(1937), ‘આદમી’(1941), અને ‘દો આંખે બારહ હાથ’નો કોઈ પ્રભાવ નથી. શાંતારામે પોતાની લાંબી ઈનિંગમાં કાવ્યમય ફિલ્મો સાથે ગદ્યમય ફિલ્મો તથા નીરસ ‘ગ્રામરમય’ ફિલ્મો પણ બનાવી.
સંજય લીલા ભણસાલીના પિતાએ એક નિષ્ફળ ફિલ્મ બનાવ્યા બાદ દારૂમાં પોતાને ડૂબાડ્યા અને તેમની માતા લીલાએ તેમને સાચવ્યા. લીલાએ ગુજરાતી નાટકોમાં નૃત્ય દિગ્દર્શન કર્યું હતું. પોતાની માતા પ્રત્યે શ્રદ્ધાને અભિવ્યક્ત કરવા માટે જ તેઓ સ્વયંને સંજય લીલા ભણસાલી કહે છે. ભારતના કેટલાંક વિસ્તારોમાં મકાનોનાં નામ ‘માતૃકૃપા’, ‘માતૃછાયા’ વગેરે રખાય છે. મા પ્રત્યે આ આદરભાવ સારો છે, પરંતુ હકીકતમાં અનેક માતાઓ વૃદ્ધાશ્રમમાં રહે છે. ભારત પ્રતિકારો અને વિસંગતિઓનો દેશ છે, જે ઉકેલી ન શકાય એવી પહેલી જેવો પણ છે. 

મલિક મોહમ્મદ જાયસીએ ‘પદ્માવત’નામનું મહાકાવ્ય લખ્યું, જેમાં સૂફી રીતે આત્મા(મનુષ્ય) પ્રેમિકા છે અને ઈશ્વર પ્રેમી છે. એ શક્ય છે કે ભણસાલીએ આ મહાકાવ્ય ન વાંચ્યું હોય અને ન રાજસ્થાનના મોહન કાવ્યાને એ ક્યારેય મળ્યા હોય, જેમણે આ વિષયનો  અભ્યાસ કર્યો છે. ઇતિહાસકાર પદ્માવતીના વિષયમાં એકમત નથી. અમુકનું કહેવું છે કે આખો પ્રસંગ જ કાલ્પનિક છે. ઇતિહાસ પ્રેરિત ફિલ્મો કાલ્પનિક જ હોય છે. મુગલ સામ્રાજ્યમાં કોઈ અનારકલી નહોતી, પરંતુ સલીમ સાથે તેની પ્રેમકથા કે. આસિફની ‘મુગલ-એ-આઝમ’નો આધાર છે. લાહોરમાં એક અનારકલી બજાર પણ છે.

આ આખો મામલો વિચિત્ર છે. 1912માં ટાઇટેનિક દુર્ઘટના ઐતિહાસિક સત્ય છે, પરંતુ તેનાં 14 વર્ષ પૂર્વે મૉર્ગન રૉબર્ટ્સને એક નૉવેલ લખી હતી, જેમાં ટાઇટેનિક નામની શિપ દુર્ઘટનાગ્રસ્ત થઈ અને દુર્ઘટનાનું સ્થાન તથા મરનારાઓની સંખ્યા પણ લગભગ સરખી છે. આ કઈ રીતે થયું? મારો વિચાર છે કે સમયની નદીમાં ઉપરનો પટ વર્તમાન છે, જેની અંદર વહે છે ભૂતકાળમાં ઘટેલી વાતો અને અંદરની સપાટી પર ભવિષ્ય છે તથા ક્યારેક-ક્યારેક હવાની ગતિ, દિશા અને ધરતીના ફરવાના કારણે ત્રણેય સપાટી ઉત્તુંગ લહેરમાં એકસાથે દેખાય છે. એ વખતે સર્જનશીલ વ્યક્તિ સમયની નદીના આ ખેલને જોઈને ભવિષ્ય પણ જાણી લે છે. આપણા દેશમાં ભૃગુસંહિતામાં જન્મોજન્મની વાતો છે. એક આખું બ્રહ્માંડ મનુષ્યની અંદર વિદ્યમાન છે.
(Parde Ke Pichhe Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Abhivyakti Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Time of life in River flows together three times by jaiprakash chouksey
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended