Home »Abhivyakti »Editorial Article» Mumbai Elections Is National Dhumadhadaka By Editorial Article

મુંબઈની ચૂંટણીના રાષ્ટ્રીય ધૂમધડાકા

Editorial Article | Feb 18, 2017, 02:40 AM IST

  • મુંબઈની ચૂંટણીના રાષ્ટ્રીય ધૂમધડાકા,  editorial article news in gujarati
એક પક્ષ લેખે શિવસેનાની ખાસિયત અને ભારતીય રાજકારણની લાક્ષણિકતા ગણાય કે મુંબઈ મહાનગરમાં પોતાની સત્તા દ્વારા તે રાષ્ટ્રવ્યાપી અવાજ અને ઓળખ ઊભી કરી શક્યો. નજીકના ભૂતકાળમાં સૌથી નજીકનું સામ્ય આમઆદમી પક્ષમાં લાગે, પરંતુ કેજરીવાલ દિલ્હી વિધાનસભા જીતીને રાષ્ટ્રીય સ્તરે મહત્ત્વના બન્યા, જ્યારે બાળ ઠાકરે અને તેમની શિવસેના મુંબઈ-પૂના જેવાં શહેરોમાં સત્તા પ્રાપ્ત કરીને, મુંબઈના આર્થિક પાટનગર તરીકેના દરજ્જાના જોરે અને અન્ય રાજકીય પક્ષોની ગરજાઉ નબળાઈ થકી રાષ્ટ્રીય સ્તરે પ્રસ્તુત બન્યા. 

બાળ ઠાકરેની હિંદુત્વવાદી, સગવડીયા વિચારસરણીને ભાજપનો ટેકો પ્રાપ્ત થયો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હજુ પણ બાળ ઠાકરેને અંજલિઓ આપ્યા કરે છે. તેમના પુત્ર ઉદ્ધવ ભલે ભાજપ વિશે બેફામ બોલતા હોય. વાસ્તવમાં, તેમને પછાડવા માટે પણ ઠાકરે સિનિયરને અંજલિઓ આપવી જરૂરી છે. અત્યારની પરિસ્થિતિ જોકે વિલક્ષણ છે. ભાજપ અને શિવસેના જૂના સાથીદારો છે. વાજપેયી-અડવાણી જેવા ભાજપના જૂના જોગીઓએ બાળ ઠાકરે સાથે મુસ્લિમવિરોધના હિંદુત્વના મામલે હાથ મિલાવ્યા હતા અને મુંબઈ-મહારાષ્ટ્રમાં તેમની આણનો સ્વીકાર કર્યો હતો. ત્યારથી શરૂ થયેલા તેમના સહજીવનમાં અનેક ચઢાવઉતાર આવ્યા છે. જીભછૂટા ઠાકરે ઘણી વાર આડુંઅવળું બોલતા, પરંતુ કોંગ્રેસ-ભાજપ જેવા રાષ્ટ્રીય પક્ષોની એ સદંતર નિષ્ફળતા કહેવાય કે તેમણે ઠાકરે જેવા સ્થાનિક હોઈ શકતા નેતાને અને શિવસેના જેવા તદ્દન પ્રાદેશિક ચરિત્ર ધરાવતા પક્ષને રાષ્ટ્રીય ઓળખ આપી અને એ સ્તરે જાણીતો બનવા દીધો. 

હવે બાળ ઠાકરે નથી, વાજપેયી નથી બરાબર છે અને અડવાણીને મોદીએ નથી બરાબર કરી નાખ્યા છે. ત્યારે ભાજપ-શિવસેનાનાં સમીકરણ ખોરવાયાં લાગે છે. સેનાપ્રમુખ, ઠાકરેપુત્ર ઉદ્ધવ ભાજપ વિરુદ્ધ બેફામ બોલે-લખે છે. અમિત શાહની મિલકત જાહેર કરવાના આહ્વાનોથી માંડીને મુખ્યમંત્રી ફડણવીસ સામે ભ્રષ્ટાચારના આરોપ મૂક્યા છે. યાદ રહે કે મહારાષ્ટ્રમાં ફડણવીસના નેતૃત્વ તળે ભાજપ-સેનાની ગઠબંધન સરકાર હજુ ચાલે છે, પરંતુ મુંબઈ મહાપાલિકાની ચૂંટણીમાં બન્ને પક્ષ વચ્ચે સમજૂતી થઈ નહીં, એટલે તે પોતપોતાના ઉમેદવારો લડાવશે અને તેથી બન્ને વચ્ચે અાક્ષેપોની છૂટા મોંએ આપ-લે થઈ રહી છે. ઠાકરેએ ભાજપ પર છૂપી કટોકટી જેવી સ્થિતિ પેદા કરવાનો આરોપ મૂક્યો છે. 

ભાજપ-સેના વચ્ચે, ખાસ તો શિવસેનાની પહેલથી શરૂ થયેલી શાબ્દિક લડાઈમાં કોંગ્રેસ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનો અભિપ્રાય સરખો છે. બન્ને માને છે કે આ ફિક્સ્ડ લડાઈ છે અને મહાપાલિકાની ચૂંટણી પૂરી થયા પછી બન્ને પક્ષો પાછા એક થાળીમાં જમતા થઈ જશે. રાજકારણમાં આવું બનવું જરાય અસંભવ નથી અને શિવસેના તેની ઉગ્ર અભિવ્યક્તિ પાછળની ગંભીરતા માટે કદી જાણીતી રહી નથી. મરાઠી અસ્મિતા અને મરાઠી માણૂંસની વાત કરી શિવસેેેના ઘડીકમાં ગુજરાતીઓને તો ઘડીકમાં ઉત્તર પ્રદેશ-બિહારના લોકોને મુંબઈના મરાઠીઓની દુર્દશા માટે જવાબદાર ઠેરવતી રહી છે. ધિક્કારઝુંબેશ એ શિવસેનાની ફાવટનું ક્ષેત્ર છે.
 
વેલેન્ટાઇન ડે પ્રસંગે તેમના કાર્યકરો દ્વારા કરાતી તોડફોડથી માંડીને બીજા ઘણા સાંસ્કૃતિક મામલે શિવસૈનિકો જે ઉત્સાહથી ધસી જાય છે, તેમાં વિચાર કે લાગણીના તત્ત્વ કરતાં, આદેશનું આજ્ઞાંકિતતાથી પાલન કરવાની તત્પરતા વધારે દેખાય છે. છેક બાળ ઠાકરેના જમાનાથી આ વિરોધાભાસ રહ્યો છે. મુંબઈમાં દુકાનોનાં પાટિયાં અંગ્રેજીને બદલે મરાઠીમાં કરાવવાનો આગ્રહ રાખનાર અને અંગ્રેજીને મરાઠી અસ્મિતાના શત્રુ તરીકે રજૂ કરનાર ઠાકરે માઇકલ જેક્સનને  પોતાના બંગલે બોલાવવામાં ગૌરવ અનુભવતા. રાજકારણમાં આ પ્રકારના સગવડીયા વલણની નવાઈ નથી, પરંતુ શિવસેના માટે હવે બાળ ઠાકરેની બિનહયાતિમાં અસ્તિત્ત્વનો સંઘર્ષ પણ મોં ફાડીને ઊભો છે. બાળ ઠાકરેની વિદાય પછી તેમની શૈલી સાથે વધુ સામ્ય ધરાવતા ભત્રીજા રાજ ઠાકરે ત્રીજા પરિબળ તરીકે ઉભર્યા હોય ત્યારે ઉદ્ધવ ઠાકરેનું કામ વધે છે.
(Editorial Article Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Abhivyakti Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mumbai elections is National dhumadhadaka by Editorial Article
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended