Home »Abhivyakti »Editorial Article» ISRO Glorious Century Of Achievement Article By Editor

‘ઇસરો’ની ગૌરવવંતી શતકસિદ્ધિ

Editor | Feb 16, 2017, 04:35 AM IST

  • ‘ઇસરો’ની ગૌરવવંતી શતકસિદ્ધિ,  editorial article news in gujarati
ઇસરો કહેતાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા માટે હવે વિક્રમોની નવાઇ નથી રહી. અત્યંત કિફાયતી દરે મોટી સંખ્યામાં ઉપગ્રહો ભ્રમણકક્ષામાં મૂકી આપવામાં ઇસોરની કાબેલિયત ફક્ત ભારતમાં જ નહીં, વિદેશોમાં પણ પંકાયેલી અને સ્વીકારાયેલી છે. પરંતુ એક સાથે 104 ઉપગ્રહનો આંકડો ઇસરોના ધોરણથી પણ મોટો હતો. અલબત્ત, તેની આ સિદ્ધિને કેવળ વિક્રમના ખાનામાં નાખવાથી તેનો મહિમા કદાચ ન પણ સમજાય. કારણ કે આજકાલ અનેક પરચુરણ ચીજો પણ સારા કે નરસા વિક્રમ સર્જી કાઢે છે. ઇસરોની અસલી કમાલ તેની સ્વદેશી ટેકનોલોજી અને સસ્તા ભાવ સાથે આબાદ ચોક્સાઇમાં રહેલી છે. 

કુલ 104 ઉપગ્રહોમાં અમેરિકાના 96 ઉપગ્રહો ઉપરાંત કઝાકસ્તાન, નેધરલેન્ડ, િસ્વત્ઝર્લેન્ડ, યુનાઇટેડ આરબ અમીરાત અને ઇઝરાઇલના પણ ટચુકડા ઉપગ્રહોનો સમાવેશ થતો હતો. તેમનું લોન્ચિંગ સફળતાપૂર્વક પાર પડ્યા પછી ઇસરોના અધ્યક્ષે વાજબી રીતે સંયમ દાખવીને કહ્યું હતું કે તે આખી વાતને વિક્રમસર્જનના દૃષ્ટિકોણથી જોતા નથી. કેમ કે, આ પ્રકારની સિદ્ધિમાં વિક્રમનો ઉત્સાહ મુખ્ય ચાલકબળ હોઇ ન શકે. ઇસરોનો આશય ઉપગ્રહો મોકલવા માટે જે યાન મોકલવામાં આવે છે, તેમાં થતા ખર્ચનો મહત્તમ કસ કાઢવાનો હતો.
 
સાદી ભાષામાં કહીએ તો, પીએસએલવીના એક મિશન પાછળ જે નાણાં ખર્ચાવાનાં હોય, તેનાથી પૈસાવસુલ કામ થવું જોઇએ--અને ઇસરોએ એક સાથે ઉપગ્રહો મોકલવામાં સદી ફટકારીને, આ કામ અત્યંત સંતોષકારક રીતે કરી બતાવ્યું છે. ઇસરોની આંકડાકીય સિદ્ધિને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જોવા માટે એક સાથે સૌથી વધુ ઉપગ્રહો લોન્ચ કરવાના અગાઉના આંકડા વિશે જાણી લેવું જોઇએ. અવકાશક્ષેત્રે જૂના જોગી એવા રશિયાએ એક સાથે 37 ઉપગ્રહો સાથે મોકલ્યા હતા. ખુદ ઇસરોનો અગાઉનો વિક્રમ એક સાથે 23 ઉપગ્રહોનો હતો, જે 2015માં સિદ્ધ થયો હતો. પરંતુ આ વખતે ઇસરો પોતાના જ વિક્રમને હનુમાનકૂદકો લગાવીને વળોટી ગયું છે. 

ઇસરો કેટલા કિફાયતી ખર્ચમાં કામ કરે છે તેનો ઉત્તમ નમૂનો મંગળયાનના લોન્ચિંગ વખતે મળ્યો હતો. અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ મંગળયાન મોકલવા માટે 67 કરોડ ડોલરનો ખર્ચ કર્યો હતો, જ્યારે ઇસરોએ અમાનવ મંગળયાન 7.3 કરોડ ડોલરના, પ્રમાણમાં મામુલી કહેવાય એવા ખર્ચે રવાના કર્યું. ત્યારે એવી પ્રશંસાત્મક ટીપ્પણી પણ થઈ હતી કે ઇસરો હોલિવુડની સાયન્સ ફિક્શન ફિલ્મ કરતાં પણ ઓછા બજેટમાં મંગળયાન મોકલી શકીએ છીએ. 

પીએસએલવીની સિદ્ધિનું વાજબી ગૌરવ લેતી વખતે એ નોંધવું જોઇએ કે જીઓસિન્ક્રોનસ એટલે કે પૃથ્વીની ગતિ સાથે સમાંતર ગતિ ધરાવતી ભ્રમણકક્ષામાં ઉપગ્રહો મોકલવા માટેના વાહન જીએસએલવીમાં ઇસરોની કામગીરી સારી હોવા છતાં, તેમાં પીએસએલવીની હદની ખાતરીદાયક સિદ્ધિ મેળવવાની બાકી છે.
(Editorial Article Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Abhivyakti Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ISRO Glorious Century of Achievement Article by Editor
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended