Home »Abhivyakti »Aas-Pass» Farmasi Business From In Disease Depression

ડિપ્રેશન : ફાર્મસી ઉદ્યોગે ઊપજાવી કાઢેલો રોગ

Kanti Bhatt | Oct 17, 2012, 01:30 AM IST

આધુનિક્તાની ઉપાધિઃ એન્ટિડિપ્રેશન દવાનો વપરાશ ૪૦૦ ટકાના દરે વધ્યો છે અને કુલ દર્દીમાં ૧૧ ટકા ૧૨ વર્ષનાં બાળકો છે જગતમાં ૬૦૦ અબજ ડોલરનો દવાનો વકરો ધરાવનારા ડ્રગઉદ્યોગે હવે દર વર્ષે ડીપ્રેશન-ડે ઊજવવાનું તૂત ઘાલ્યું છે ત્યારે બે વર્ષ પહેલાં ડો. ગેરી ગ્રીન બર્ગએ ધડાકો કર્યો કે ડિપ્રેશન એ કોઈ રોગ નથી. અમેરિકાના દવાઉદ્યોગે એન્ટિ ડિપ્રેશન દવાની ૧પ અબજ ડોલરનાં બજારને વધારવા માટે આ માનસિક અશાંતિ અને હાલના કપરાકાળમાં ચિંતા, વ્યગ્રતા વગેરે કુદરતી હાલતને રોગ ઠોકી બેસડયો છે. એમના પુસ્તકનું નામ હતું ''મેન્યુફેક્ચરિંગ ડિપ્રેશન’’ તેનું પેટા મથાળું મઝેદાર હતું. એ જર્ની ઈન્ટુ ઈકોનોમિ ઓફ મેલંકલી.’’ આખા જગતનું અર્થતંત્ર, સામાજિક વ્યવસ્થા, પ્રેમસંબંધો એ તમામ માનવને મેલંકલીમાં પાડાનારું છે એટલે કે વિષાદ, ગ્લાનિ, ઉદ્વેગ, ગુસ્સો, અવસાદ અને ઉદાસીમાં પાડનારું છે. ડો. ગેરી ગ્રીનબર્ગએ મઝેદાર રીતે આલ્બર્ટ આઈનસ્ટીનને ટાંકીને કહેલું કે આજે માનવીના જ્ઞાન કરતાં તેની કલ્પનાશક્તિ અગર કોમનસેન્સ વધુ મહત્ત્વનાં બન્યાં છે. જ્ઞાન તો મર્યાદાવાળું છે અને એલોપેથીની દવાનું ''જ્ઞાન’’ તો ખાડામાં ઉતારનારું અને દવાકંપનીઓને કમાવનારું ''ઊંધું જ્ઞાન છે.’’ જ્ઞાન મર્યાદાવાળું છે પણ ઈમેજીનેશનથી વગર પૈસે તમે સમસ્યાઓનો ઉકેલ કરી શકો છો. પણ ના અમેરિકનો અને તેને પગલે પગલે ભારતમાં પણ ડિપ્રેશન નામના કહેવાતા રોગે કાઠિયાવાડી ભાષામાં ઘો ઘાલી છે. એમાં વળી વર્લ્ડ હેલ્થ ઓર્ગોનાઈઝેશનના ભણેલા છતાં, ગણેલા-નહીં એવા આરોગ્યના ધૂંરધરો કહે છે કે ૨૦૨૦ની સાલમાં ''ડિપ્રેશનનો રોગ’’ હૃદયરોગનાં દર્દ કરતાં ઉગ્ર બની વધી જશે. ''વર્લ્ડ ઓફ ડાયરેક્ટર ટુ કન્ઝયુમર’’ નામની સંસ્થા કહે છે કે આજે ૧૦માંથી એક અમેરિકન એન્ટિડિપ્રેશન્ટ દવા ઉપર છે અને ઘણા ત્રણ ત્રણ જાતની ટીકડી લે છે. એન્ટિડિપ્રેશન દવાનો વપરાશ ૨૦૦૮થી ૨૦૧૧ સુધીમાં ૪૦૦ ટકાના દરે વધ્યો છે અને કુલ ડિપ્રેશનના દર્દીમાં ૧૧ ટકા દર્દી તો ૧૨ વર્ષની ઉંમરના સ્કૂલનાં બાળકો છે ડો. ગેરી ગ્રીનબર્ગ કહે છે કે વી વોન્ટ ઇન્સ્ટન્ટ ફિકસીસ અર્થાત જરા અમસ્તી બેચેની જણાવા માંડી ત્યાં આપણે એન્ટિડિપ્રેશનની ટીકડી ગળવા દોડીએ છીએ. અમેરિકામાં આયુર્વેદની પ્રેક્ટિસ કરતા ડો. પકંજ નરમ પાસે ૭૦ ટકા દર્દી ડીપ્રેશનના હોય છે તેમને આયુર્વેદની દવાથી ૧૦૦ ટકા સારું થાય છે. આયુર્વેદની દવા આડ અસર કરતી નથી. ''માનસશક્તિ’’નામની આયુર્વેદની ફોમ્ર્યુલા કામ કરે છે. રોજ સવારે ગરમ પાણીમાં ગાયનું ઘી એક ચમચી લેવાનું અને કોળાનો રસ પીવાનો.બ્રિટનમાં તો છેક ૧૦ વર્ષ પહેલાં ડો. ડેવિડ રોઝે જાહેર કર્યું કે ''બ્રિટન હેઝ બીકમ પ્રોઝેક-નેશન’’ અર્થાત્ દર વર્ષે બ્રિટનમાં એન્ટિડિપ્રેસન દવાનાં ૩.૧ કરોડ પ્રિસ્ક્રિ‌પશન લખાય છે અને પ્રોઝેક નામની દવા સૌને મોઢે થઈ ગઈ છે. બાળકો પણ પ્રોઝેક નામની દવાની ટીકડીનું નામ જાણી ગયો છે ૧૦ વર્ષ પહેલાં બ્રિટિશરો ૨૯.૧૨ કરોડ સ્ટર્લિંગ પાંૈડની એન્ટિડિપ્રેશન દવા ખાઈ ગયેલા. આજે ૪૦૦ ટકાને વેગે તમે ગણી જુઓ. બ્રિટિશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિ‌લથી માડીને મુંબઈમાં કવિ સુરેશ દલાલ અને બીજા સાહિ‌ત્યકારો ડિપ્રેશનથી પીડાતા હતા. બ્રિટનમાં ડિપ્રેશન જાણે ફેશનનો રોગ થઈ જતાં ત્યાં વર્ષે ૧૭ અબજ પૌંડ એટલે કે રૂ. ૧૬૦ અબજની એન્ટિડિપ્રેશન દવા ખપે છે પરંતુ લંડનના 'ઓબ્ઝર્વયર’નામના રવિવારના અખબારમાં ડો. પોલ કીડવેલ નામના ''મૂડ ડીસઓર્ડર’’ના નિષ્ણાત ડોક્ટર કહે છે કે ડિપ્રેશનથી ડરો નહીં. ''ડિપ્રેશન મેઈક યુ સ્ટ્રોન્ગર’’ ડિપ્રેશનમા જે બેચેની કે ગમગીની આવે છે તે માત્ર તમને મજબૂત જ નહીં પણ તમને ક્રિએટિવ બનાવે છે. તમારી સર્જનશક્તિ અને કલ્પનાશક્તિ વધારે છે. ડો. પોલ કીડવેલ કહે છે કે જ્યારે પણ પ્રેમમાં નિષ્ફળ ગયા હોય ત્યારે નબળામનનાં ''પોદળા’’ જેવા પુરુષ આપઘાતને રસ્તે જાય છે કે થોકબંધ એન્ટિડિપ્રેશન દવાની ટીકડીઓ આરોગે છે. પણ મજબૂત મનના લોકોને ડિપ્રેશન થકી રેડિકલ ઈનસાઈટ મળે છે. તેનામાં ક્રાંતિકારી આંતર પરીક્ષણની શક્તિ આવે છે. જિંદગીમાં જે પડકારો આવે તેને પહોંચી વળવાની તાકાત આવે છે. હા, ટૂંકાગાળામાં તમને ક્યાંય ચેન ન પડે. પણ જો તમે આવી હાલતને પહોંચી ન વળો તો તમે સ્ત્રી કરતાં પણ નબળા ગણાઓ કારણ કે સ્ત્રીઓ તમારા કરતાં સ્ટ્રેસફુલ અને ચિંતાજનક હાલતને સારી રીતે પહોંચી વળે છે. વળી જો તમે બરાબર ડિપ્રેશનની હાલતને પહોંચી વળો તો તમને જીવનમાં નવું પરસ્પેક્ટિવ- નવી દૃષ્ટિ મળે છે. ડો. કીડવેલ કહે છે કે હોલેન્ડમાં (નેધરલેન્ડઝ) પુખ્તવયના દર્દીનું સર્વેક્ષણ કરાયું તો જણાયું કે અમુક માનસિક ઉપચાર (દવા વગરનો ઉપચાર) કે મેડિટેશન કે સંગીતનો નવો નાદ લગાવ્યો ત્યારે ઊલટાના તે લોકો ડિપ્રેશનમાંથી બહાર નીકળી વધુ તંદુરસ્ત બની ગયા તેમનાં આહારને સુધાર્યો તેનાથી પણ જબ્બર ફેર પડયો. ડિપ્રેશનની હાલતમાં કુદરતી આહાર લો, ઉપવાસ કરો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનો અંદાજ છે કે આજે ૨૦૧૨માં ૩પ કરોડ લોકો જગતભરમાં ડિપ્રેશનથી પીડાય છે. પણ તમે ડો. કીડવેલની વાત માનજો. ડિપ્રેશન કોઈ રોગ નથી. ડો. કીડવેલના પુસ્તકના ધ્વનિને ટેકો આપતું પુસ્તક ડો. એગ્લીવર જેમ્સએ પ્રગટ કર્યું છે તેનું નામ ''એફલુએન્ઝા’’ રાખેલું છે તેનો સાર છે કે આપણું કલ્ચર-કોમ્પિટિશન અને કન્ઝમ્પશનનું કલ્ચર છે અર્થાત્ સ્પર્ધા અને ઉપભોગનું કલ્ચર છે. આપણે બધુ જ બાચકા ભરીને ઝૂટવી લેવું છે અને ચાર હાથે આરોગવું છે. ખાસ નવી વાત એ કરેલી કે વધુ પડતો આશાવાદ એ પણ રોગ છે. થોડુંક પેસીમીઝમ અર્થાત નિરાશાવાદ તો ઔષધરૂપ બને છે ડિપ્રેશનના રોગને જવા દો કોઈ પણ નાની મોટી શરીરની ફરિયાદ માટે જાતે જ આપણે પ્રિિસ્ક્રપશન લઈને દવા લેવા દોડવા માડયાં છીએ. એન્ટિડિપ્રેશન દવાનું નામ જાણીને જાતે જ દવા લેનારી બાઈઓનાં વજન એ દવા થકી જ વધુ પડતા ઓવરવેઈટ થઈ જાય છે. તેને કારણે ૩૩ વર્ષની એક બાઈ દિલ્હીમાં રાત્રે ઊંઘી જ શક્તી નહીં કે જાગી પણ શક્તી નહીં. આજે ઈન્ટરનેટ ઉપર ૨,૩૭,૦૦૦ જેટલી મેડિકલ સાઈટસ છે. મેડિકલ રિપ્રેઝેન્ટિટિવના ટોળા ફાર્માસ્યુટિકલ કંપની વતી જાય છે તેની અમેરિકામાં ૮૧૦૦૦ની સંખ્યા છે તે બધા પાસે એન્ટિડિપ્રેશનની દવાના થોકડા હોય છે. ભારતની ફાર્માસ્યુટિકલ ઈન્ડ્રસ્ટ્રી આજે જગતમાં સૌથી મોટી ત્રીજા નંબરે છે અને ફાર્મસીઉદ્યોગનો ભારતનો ટર્નઓવર (વકરો) મને મળેલા આંકડા પ્રમાણે ૨૦૦૮થી ૨૦૦૯ વચ્ચે ખાસ્સો ૨૧.૦૪ અબજ ડોલરનો હતો બોલો આનાથી રાજી થવું કે ખરખરો કરવો હા, એટલા પૂરતાં રાજી થાઓ કે આપણી દવાની નિકાસ લગભગ વર્ષ ૧૦ અબજ ડોલરની થવા આવી છે. સીપલા ૧૩૪.૮ કરોડ, રેનબક્સી ૧૩૨.૭ કરોડ, ડો. રેડ્ડી ૧૧૭.૮ કરોડ, ડાબર ૭૦ કરોડ ડોલર અને કેડીલાનો વકરો ૬૨.૯ કરોડ ડોલરનો હતો. તેમાં એન્ટિડિપ્રેશનની દવાનું, પ્રમાણ વધતું જાય છે, એવો અંદાજ છે કે ૨૦૨૦ સુધીમાં ભારતની ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રિનું વેચાણ ૭પ અબજ ડોલર થશે તેમાં એન્ટિડિપ્રેશનનું પ્રમાણ મોટું હશે. પણ કૃપા કરી તમે આમાંથી એક પાઈની પણ ઘરાકી કરાવશો નહીં. ચિતામુક્ત-કુદરતી અને સાદું જીવન રાખજો. અબળખાઓ ઓછી રાખજો. ડિપ્રેશન સો ગજ દૂર રહેશે.
(Aas-Pass Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Abhivyakti Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: farmasi business from in disease Depression
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended