Home »Abhivyakti »Editorial Article» Editorial Main Page Article On Divyabhaskar

રાષ્ટ્રપ્રેમ અને ગુંડાગીરી વચ્ચેની જાડી ભેદરેખા

Editorial | Feb 28, 2017, 21:46 PM IST

  • રાષ્ટ્રપ્રેમ અને ગુંડાગીરી વચ્ચેની જાડી ભેદરેખા,  editorial article news in gujarati
રાષ્ટ્રપ્રેમ અને ગુંડાગીરી વચ્ચેની જાડી ભેદરેખા
દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી વર્ષોથી ડાબેરીઓનો ગઢ ગણાવાની સાથોસાથ બૌદ્ધિકતાનું ઠેકાણું પણ ગણાતી રહી છે. ત્યાંના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ રાજકીય રીતે અત્યંત જાગ્રત હોય છે. ગુજરાતના સામાન્ય-સરેરાશ વિદ્યાર્થીઓમાં જોવા મળતી રાજકીય અને જાહેર જીવનની બાબતો અંગેની ‘નિર્દોષતા’ સારી કોલેજ-યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું લક્ષણ નથી હોતી. એટલે એનડીએની સરકારના શાસનમાં, વિદ્યાર્થીઓનાં વિરોધઆંદોલન વધી પડ્યાં લાગે છે. दिल्हीદિલ્હી યુનિવર્સિટી અને ગુરમેહર કૌર તેનો તાજો દાખલો છે.

સોશ્યલ મીડિયા પર સક્રિય લોકોને ગુરમેહર કૌર તેની યુદ્ધવિરોધી ઝુંબેશને કારણે યાદ હશે. તેના પિતા ફૌજી હતા અને કાશ્મીર મોરચે ત્રાસવાદીઓના હુમલામાં તે માર્યા ગયા હતા. ત્યારે ગુરમેહર કૌર માંડ બે વર્ષની હતી. યુદ્ધની નિરર્થકતા અને ભયાનકતા રાષ્ટ્રવાદના નારા પોકારનારા કરતાં મોરચા પર શહીદ થનારા વધારે સારી રીતે સમજી શકે. બધા ફૌજીઓ કે તેમનાં પરિવારજનોની પ્રતિક્રિયા સરખી ન હોય, પણ ગુરમેહર કૌર જેવી પ્રતિક્રિયા ધરાવતાં પરિવારજનોની લાગણીને પણ માન આપવું પડે.

વીસ વર્ષની ગુરમેહર કૌર અત્યારે તો રામજસ કોલેજમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના વિદ્યાર્થીઓની ગુંડાગીરીનો વિરોધ કરી રહી છે, પણ તેની એક ઝુંબેશ ભારત-પાકિસ્તાન વચ્ચે શાંતિભર્યા, સુમેળભર્યા સંબંધ સ્થાપવાની પણ છે. એ માટે તેણે લખ્યું હતું કે તેમના પિતાનો ભોગ પાકિસ્તાને નહીં, યુદ્ધે લીધો હતો.  ગુરમેહર કૌરે ખુલ્લેઆમ, બહાદુરીપૂર્વક ABVPના કેટલાક વિદ્યાર્થીઓ દ્વારાં રામજસ કોલેજ પર થયેલા હુમલાની ટીકા કરી. આ કોલેજમાં એક પરિસંવાદ માટે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના ઉમર ખાલિદને બોલાવવામાં આવ્યા હતા.

ગયા વર્ષે દેશવિરોધી સૂત્રોચ્ચારના વિવાદમાં સાચા ગુનેગારોની ઓળખ અજાણ જ રહી. છતાં, કનૈયાકુમાર અને ઉમર ખાલિદ જેવા કેટલાકને સગવડપૂર્વક દેશવિરોધી તરીકે ખપાવી દેવામાં આવ્યા. હવે તેમને બોલાવનાર કોલેજ કે વિદ્યાર્થીમંડળો પર દેશદ્રોહીનું લેબલ લગાડીને, દેશપ્રેમના નામે ABVPના લોકો ગુંડાગીરી આચરે છે. પરિષદના એક હોદ્દેદારે ભવ્ય શબ્દોમાં કહ્યું છે કે તે કેમ્પસનું તિરંગાકરણ કરવા માગે છે.

કમનસીબી એ વાતની છે કે રિજ્જુ જેવા મંત્રીઓને ABVP દ્વારા થતી ગુંડાગીરી દેખાતી નથી ને તેની સામે વાંધો પડતો નથી. તેમને ચિંતા એ વાતની થાય છે કે ગુરમેહર કૌર જેવાં વિદ્યાર્થીઓને કોઈ ગેરમાર્ગે દોરે છે. રાજકીય ખેંચતાણ પછી ગુરમેહર કૌરે કામચલાઉ ધોરણે દિલ્હી યુનિવર્સિટી બચાવો ઝુંબેશમાંથી અળગા થવાનો નિર્ણય લીધો છે, પરંતુ તેણે સ્પષ્ટતા કરી છે કે જે કહેવાનું હતું તે તેણે કહી દીધું છે. વિદ્યાર્થીઓના વિરોધપ્રદર્શનને સંબોધતાં યોગેન્દ્ર યાદવે યોગ્ય રીતે જ કહ્યું કે આ સવાલ ડાબેરી ને જમણેરીનો - લેફ્ટ અને રાઇટનો - નહીં, પણ ખરા ને ખોટાનો - રાઇટ અને રોંગનો - છે.
(Editorial Article Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Abhivyakti Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Editorial main page article on divyabhaskar
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended