Home »Abhivyakti »Editorial Article» Difference Between Optimism And Turn A Blind Eye

આશાવાદ અને આંખ આડા કાન વચ્ચેનો ફરક

Editorial | Mar 21, 2017, 04:33 AM IST

  • આશાવાદ અને આંખ આડા કાન વચ્ચેનો ફરક,  editorial article news in gujarati
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથની પસંદગી વિશે અનેક થિયરી સૂચવાઈ છે. તેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રભાવથી માંડીને અમિત શાહે તેમની પસંદગી કરી હોવાથી માંડીને 2019ની ચૂંટણી જીતી લેવાના વડાપ્રધાનના માસ્ટર સ્ટ્રોક સુધીની અટકળો ચાલે છે. આવી બાબતોમાં  એકથી વધુ થિયરી પણ ઓછેવત્તે અંશે સાચી હોઈ શકે છે. પરંતુ એકેય થિયરી યોગી આદિત્યનાથના વિવાદાસ્પદ અને કોમવાદી ભૂતકાળને ઢાંકી શકે તેમ નથી. ‘યોગી આદિત્યનાથ જે પ્રકારના હિંદુ ધર્મમાં માને છે, એ મારો હિંદુ ધર્મ નથી’- એમ કહીને છૂટી જવામાં શાહમૃગ વૃત્તિ છતી થાય છે. કારણ કે સવાલ આદિત્યનાથની અને બીજા ઘણા હિંદુઓની હિંદુ ધર્મની વ્યાખ્યાના તાત્ત્વિક તફાવતનો નથી, કાયદો-વ્યવસ્થા અને બંધારણનાં મૂલ્યોનો છે. 

યોગી આદિત્યનાથની સૌથી વધારે ટીકા તેમના બ્રાન્ડના હિંસક, વિભાજક અને કોમવાદી હિંદુત્વની થઈ છે. ભાજપમાં રહીને ભાજપની સામે પડવાથી માંડીને પોતાની ધોંસ જમાવવાના તથ્યવાળા આરોપ પણ તેમની પર છે. આવી ટીકા ફક્ત મીડિયા કરે એટલે એ ખોટી થઇ જાય? ખાસ કરીને એવા સંજોગોમાં જ્યારે ખુદ આદિત્યનાથ તેમની પર થતા અમુક પ્રકારના આરોપોને નકારતા ન હોય, બલ્કે પોતાની એવી છબી ઉભી થાય એમ જ ઇચ્છતા હોય. કોઈ એવું કહી શકે કે આ પ્રકારની ટીકાથી યોગી આદિત્યનાથનું ‘હિંદુહિતરક્ષક’ તરીકેનું બ્રાન્ડિંગ વધારે મજબૂત થાય છે - પરંતુ તેનાથી તેમણે કરેલું વાજબી ઠરી જતું નથી.

યોગી આદિત્યનાથ વિશે પહેલા દિવસથી ટીકા કરવી ન જોઈએ અને તેમને કામ કરવાની તક આપવી જોઈએ, એવું શાણપણપૂર્વક કહેવામાં આવે છે. સિદ્ધાંતમાં આ વાત સાચી લાગે અને મુખ્યમંત્રી આદિત્યનાથનાં નીવડ્યે વખાણ કે નીવડ્યે ટીકા થઈ શકે. પરંતુ તેનો મતલબ એવો હરગીઝ ન થાય કે અત્યાર સુધી લવજેહાદના કે ગોહત્યાના વિરોધના નામે યોગી આદિત્યનાથે જે ઝેર ફેલાવ્યું છે, તેનો ચોપડો બંધ કરી દેવો. અભ્યાસની રીતે ગણિતના સ્નાતક એવા યોગી આદિત્યનાથ પાંચ-પાંચ વખતથી લોકસભામાં ચૂંટાતા રહ્યા છે અને તેમની મુખ્ય અપીલ ધાર્મિક, બલ્કે ખરી રીતે આક્રમક, કોમવાદી ધાર્મિક જણ તરીકેની છે. વિકાસની વાર્તાઓ કરતા વડાપ્રધાન ચૂંટણી પહેલાં અને આદિત્યનાથના શપથ સમારંભ વખતે પણ વિકાસનાં ગાણાં ગાય છે. 

તેની સાથે યોગી આદિત્યનાથની અત્યાર લગીની ‘પ્રતિભા’નો જરાય મેળ ખાતો નથી. આટલા દેખીતા વિરોધાભાસને શી રીતે નજરઅંદાજ કરી શકાય? ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં મુસ્લિમ ઉમેદવારોની સદંતર પરેજી પાળનાર ભાજપ યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવીને વિકાસવાર્તા આદરે અને બીજા તેને માની લે એવું પણ ઇચ્છે, ત્યારે તેમના આત્મવિશ્વાસને વખાણવો કે પ્રજાની વિચારશક્તિ પરના તેમના અવિશ્વાસને દાદ આપવી, એ નક્કી કરી શકાતું નથી. યોગી આદિત્યનાથ જેવાને મુખ્યમંત્રી બનાવવા બદલ વડાપ્રધાનની ટીકા કરવાનું મોકુફ રાખીને, આદિત્યનાથના મંત્રીમંડળમાં એક મુસ્લિમ પ્રધાન હોય એને તેમના હૃદયપરિવર્તનની નિશાની તરીકે ગણીને રાજી થવું સામાન્ય સમજમાં ઉતરે એવું નથી. તેના માટે ભક્તિની હદની શ્રદ્ધા જોઈએ.
 
તંત્રી લેખ
(Editorial Article Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Abhivyakti Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: difference between optimism and turn a blind eye
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended