Home »Abhivyakti »Aas-Pass» Bower And Doves Is Nature Messenger By Kanti Bhatt

કુંજ અને કબૂતર: કુદરતનાં સંદેશાવાહક

Kanti Bhatt | Apr 19, 2017, 02:51 AM IST

  • કુંજ અને કબૂતર: કુદરતનાં સંદેશાવાહક,  aas-pass news in gujarati
આજે ઘણાને કુંજલડી જેવું વહાલસોયું પક્ષી શું છે, તેની કદાચ ખબર નહીં હોય. તમે વિકિપીડિયા જુઓ કે ગમે તે જુઓ ક્યાંય કુંજલડી નહીં જોવા મળે. દિવાળી પછીની ઋતુમાં કુંજલડીઓ લાઈનબંધ કતારમાં ઉડીને આવતી તે સૌપ્રથમ તો ભાવનગરના બોર તળાવમાં ઊડીને આવતી. તેને લગતો રાસ પણ ઘડાઈ ગયેલો. ક્યાંક તળાવડાં હોય તો કદાચ કુંજલડી ગઈ પછી સૌરાષ્ટ્રમાં હોય. માત્ર બોટાદમાં જન્મેલા ઝવેરચંદ મેઘાણી કુંજલડીનુ લોકગીત ઘડ્યું છે પણ તે કુંજલડી જુદી હતી. અમારા પંથકની કુંજલડી, ‘વાલમા’ કે ‘પિયુ’ને સંદેશા નહીં મોકલતી. અમારી બહેનની ખાસ કુંજલડીને તો વીરો વહાલો હતો. અને વીરાને માટે બહેન સંદેશો મોકલતી: કુંજલડી રે જાજે વીરાના દેશમાં/ એટલું કે જે સંદેશમાં...
 
બસ પછી રાસમાં સંદેશો મોકલનાર બહેન ચૂપ થઈ જાય છે. ભાઈને બહેન કુંજલડી દ્વારા કહે છે કે જો તું સાનમા સમજી જતો હોય, તો અને બહેનનાં હેત યાદ આવતા હોય, તો મારતે ઘોડે આવીને મને લઈ જાજે...આજે મોબાઇલ યુગમાં મને આ અમારા તળાજા-ઝાંઝમેર પંથકમાં ગવાતું લોકગીત યાદ આવી ગયું. મોબાઇલે વિરહના સંદેશા મોકલવાની મીઠાશને મારી નાખી છે. મોબાઇલે સપનાનેય મારી નાખ્યા છે. કુંજલડીને અમારા તળાજા-બોટાદ ભાવનગર પંથકના સાહિત્યકારો અને મેઘાણી જાણતા. બાકી હું મુંબઈમાં જે-જે સાહિત્યકારને પૂછું તો કહે કે કુંજલડી એટલે કોયલ વળી બીજું શું? કદાચ અમારી જેવા કેટલાક વાચકો ભાગ્યશાળી નથી. કુંજ પક્ષી આમ તો આરબ દેશમાંથી કે ક્યાંથી આવતા તે ખબર નથી, પણ દિવાળી પછી ભાવનગરના બોર તળાવમાં કતારબંધ ઊડીને આવતાં, તે અમે બાળપણમાં જોઈ રહેતા.

આટલા તમારી શાબ્દિક પાસે ‘અંગત લાડ’ કરી આપણે પક્ષી જગતની વાત હવે માંડીને કરીએ. તેમાં સૌ પ્રથમ હૈયે આવે છે તે પારેવડાં છે- કબૂતરો છે. અહીં કાંદિવલીમાં સસ્તામાં સસ્તી જુવારથી લોકો પારેવાંની તબિયત બગાડે છે, તેથી મારું હૈયુ કપાય છે. ખરેખર બાળાસાહેબ ઠાકરે જીવતા હોત તો મુંબઈ શહેર વિસ્તારમાં લોકો કબૂતરને સસ્તી જુવારનું ‘પુણ્ય કરે છે’ તે બંધ કરાવત. ખરેખર તે પુણ્ય નથી, પણ કબૂતરની ઘોર ખોદનારું ચણ છે.બાઇબલમાં પક્ષીઓ અને ખાસ કરીને પારેવડાંને હેવનલી મેસેન્જર્સ ઓફ ગોડ કહેવાતા. રોમિયો અને જુલિયેટના નાટકમાં જુલેયટે તેના લખાણ પ્રમાણે કબૂતરને વિંગ્ડ મેસેન્જર ફ્રોમ હેવન કહે છે. પાંખવાળા સ્વર્ગના સંદેશાવાહક એટલે પારેવાં. આજના શહેરી ધર્મિષ્ઠ લોકોએ કબૂતરોનું હેવનલીનેસ વંઠાવી નાખ્યું છે. પ઼ુણ્ય કરવું હોય, તો એરકંડિશન્ડ ફ્લેટમાં બેસીને અગાશી ઉપર જુવાર ફેંકવાને બદલે ગામડાના ઝાંપે ઝાંપે કબૂતરખાનાં બંધાવો અને કબૂતરોને શહેરમાં આવતા બંધ કરો.
 
એટલું સારું છે કે ‘પારેવડા’ અંગેનું લોકગીત ‘મીઠા ઉજાગરા’ નામના લોકગીતોના સંગ્રહમાં વિનયકાંત દ્વિવેદીએ 62મે પાને લીધું છે. સિવાય મને ક્યાંક પારેવડાનું ગીત દેખાયું નહીં. તમને આ ગીત યાદ કરવાનું પુણ્ય આજે લઉં છું:પારેવડા જાજે વીરાનાં દેશમાં/ આટલું કહે જે સંદેશમાં.../ પારેવડા જાજે વીરાના દેશમાં/ વીરા સીધાવ્યો માતુભૂમિને વારણે/ કોઈ પ્રેમહીણા પ્રદેશમાં/ કહેજે કે બહેનડીએ લીધી છે બાધા/ રહી રહું છું બાળા વેશમાં/ ભાઈ મારી ભાભી તારા પુસ્તકોની આરતી ઉતારે/ વેણી નથી બાંધતી કેશમાં...
 
આ ગીતમાં પ્રભુલાલ દ્વિવેદીએ દેશભક્તિ વણી છે, પણ ખરેખર ઘણા રાસમાં પારેવડું નવવધૂના વ્હાલમા માટેનો સંદેશો લઈને જાય છે. અરે! ગ્રીક કવિ એનેક્રીઓન જે 2000 વર્ષ પહેલાં થઈ ગયા, તે કબૂતરને પ્રિયતમા માટેના લવલેટર લઈ જનારા કહે છે. આજના મોબાઇલ યુગે આ લવલેટર લખવાની કળા તેમજ જૂના રાસ ભૂલાવી દીધા છે.પ્રથમ વિશ્વયુદ્ધમાં બ્રિટિશરોના ઇન્ટેલિજન્સ સર્વિસે કબૂતરોનો ઉપયોગ કોડવર્ડવાળા જાસૂસી સંદેશા તાલીમ આપેલાં કબૂતરો દ્વારા મોકલવાનું રાખ્યું હતું. આજે તો સંયુક્ત રાષ્ટ્રસંઘ કે વ્હાઇટ હાઉસમાં કબૂતરોને માત્ર સિમ્બોલ ઑફ પીસ તરીકે ગણવામાં આવે છે. હું ગામડામાં જન્મ્યો છું એટલે આજે બોરિવલી અને કાંદિવલીના લોકો ઉપર ભારે ગુસ્સો છે. અમારા કબૂતરો ઝાંઝમેરના દરિયાના ખડકોમાં, ડુંગરામાં અને ઠેર ઠેર તળાવ નજીકના શુદ્ધ કબૂતરો હતાં અને તે ઈન્ટેલિજન્ટ હતાં. તેમનામાં ‘હોમિંગ ઈન્સ્ટિક્ટ’ હતી. દા.ત. મુંબઈથી મારી બહેન 600 માઇલ દૂર મહુવા પાસે મોરારિબાપુના ગામ નજીક ભાદરોડ રહે છે તેને કબૂતર દ્વારા સંદેશો મોકલું તો એક્ઝેક્ટલી સંદેશો આપીને અચૂક પાછું કાંદિવલી આવી જાય. તેને ‘હોમિંગ ઇન્સ્ટિક્ટ’ કહે છે.
 
લેખની મુલાયમતાને થોડી રુક્ષ બનાવીએ. અમેરિકાના યુદ્ધખાતા પેન્ટાગોને કબૂતરોનો ગુપ્ત સંદેશા માટે જાસૂસ તરીકે ઉપયોગ કરેલો. પેન્ટાગોનમાં એક આખો કબૂતર વિભાગ હતો. ત્રણ કબૂતરોને ગુપ્ત સંદેશા માટે મોકલાતા. બે કબૂતરોને જર્મનો મારી નાખે કે રશિયા મારી નાખે તો પણ એક તો સંદેશો પહોંચાડતું જ. કલાકના 70 માઇલની ઝડપે ઉડતું કબૂતર ઘાયલ થાય, તો પણ તેની સ્પીડ ઘટવા દેતું નથી. રોમોન્ટિક પ્રેમીઓ વચ્ચેના સંદેશામાં કબૂતરને કોણ જાણે ખ્યાલ હોય છે કે તે ઘવાયેલા- દિલવાળી પ્રેમિકાનો સંદેશો લઈ જાય છે. એટલે કબૂતરનો પોતાનો ઘા પ્રેમિકાના હૃદયના ઘા જેવો જ સહન થાય તેવો હોય છે.
(Aas-Pass Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Abhivyakti Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bower and doves is nature messenger by Kanti Bhatt
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended