Home »Abhivyakti »Aas-Pass» Article Of Aas Pass By Kanti Bhatt

ભાષા કદાચ લુપ્ત થાય, પણ ગાળ નહીં!

Kanti Bhatt | Apr 18, 2017, 01:45 AM IST

  • ભાષા કદાચ લુપ્ત થાય, પણ ગાળ નહીં!,  aas-pass news in gujarati
અમારા સૌરાષ્ટ્રમાં તો હાલતાં-ચાલતાં ગાળો બોલાય છે. ઝવેરચંદ મેઘાણી અને કવિ ત્રિભુવન ગૌરીશંકર વ્યાસે લખેલું કે શેરીમાં છોકરો થોડો મોટો થઈને જાય પછી પ્રથમ ગાળ બોલતા (અપશબ્દ) શીખે છે. હવે તો પીએચ.ડી. છોકરો કે છોકરી રીસ પડે ત્યારે સહેજમાં ગાળ બોલી નાખે છે. સૌરાષ્ટ્રમાં હોળી-ધૂળેટીનો તહેવાર આવે પછી ગામડામાં હોળી પ્રગટાવે પછી નાની વયના કુમારો અને બહેનો હોળીની પૂજા કરીને ચાલ્યા જાય પછી યુવાનીયાઓ અપશબ્દો-ગાળોની બઘડાટી બોલાવે છે.

દર વર્ષે નવી નવી ગાળો શોધાય છે. સૌરાષ્ટ્રના કાંઠાના પ્રદેશના લોકો નિખાલસ છે. મનમાં આવે તે શબ્દ-અપશબ્દ બોલી નાખે છે. તેને ખબર નથી કે સાહિત્યકારો તેની ગાળોના ભંડારને તેના હૈયામાં સંઘરે છે. સમાજ પ્રત્યેનો ધિક્કાર ગાળરૂપે બહાર નીકળે છે. કોઈને અપશબ્દો કે ગાળોની નવી નવી તરેહનો સંગ્રહ કરીને ભાવિ પેઢી માટે રાખવો હોય તો ધૂળેટીના દિવસે ગામડામાં ચાલ્યા જાય. તેમને નવી નવી ગાળો અને અનેક તરેહના અપશબ્દો જાણવા મળશે.

‘ગાળ’ માટે મેં ભગવદગોમંડળનો આધાર લીધો, તો ગાળ શબ્દ માટે ત્રણ પાનાં ભરીને જુદા જુદા ભદ્ર-અભદ્ર કે તમે ન જાણ્યા હોય તેવો અર્થો (Other Words) નીકળ્યા:

- ગાળ એટલે વાડીમાં કૂવો ગાળની વખતે જે કચરો નીકળે તેને ‘ગાળ’ કહે છે. આનો અર્થ એમ થયો કે માનવના હૈયામાં ધિક્કાર કે કટુતા સંઘરી હોય તે ગાળરૂપ કચરો બહાર નીકળે. { ગાળ એટલે પ્રવાહીમાં તળિયે ઠરેલો મેલ- અવશેષ- મતલબ કે માણસમાં સ્ત્રી કે પુરુષે હૈયામાં સંઘરી રાખેલી રીસ શબ્દો રૂપે બહાર નીકળે છે. { ગાળ એટલે કોઈને અપશબ્દ કહેવો તે. (ભ. ગો. મંડળ પાનું 2820) ભૂંડું વેણ, બિભત્સ શબ્દ- ગાળ ગલોચ. એક નવો શબ્દ છે. ‘ગાળ ભેળ’- એટલે હલકું વચન કે ભૂંડુ વચન.

- એક અજાણ્યો ભદ્ર અર્થ છે. સોના રૂપાને ગાળે તે પછી ‘મેલ’ નીકળે તેને ગાળ કહે છે. { આઝાદી પહેલાં ગામના ચોરામાં લોકો ભેળા થતા ત્યારે ભાવનગર-ગોહિલવાડ રાજ્યના ભાવસિંહજી મહારાજા, તેમના પિતા તખ્તસિંહજી અને પૌત્ર કૃષ્ણકુમાર 1947 સુધી અફીણ ઘૂંટવાની છૂટ આપતા. અફીણ ઘુંટાયા પછી તેનો રસ કાઢીને રૂનાં પુમડાંમાં રસ ભરી લેતા, તે ‘ગાળ’ કહેતા. { ઢોકળાં કે પૂડલાં કે એવી વાનગી બનાવવાની હોય તેને માટે જે ખીરૂ (ખમીર) તૈયાર કરાતું તે ડોયેલા લોટને ગાળ કહેવાતો.

- રોમન કવિ સરવન્ટીસે 1617માં કહેલુ કે જ્યારે પણ માનવ ખીજાય અને ભલે મોટો વિદ્વાન હોય પણ તેને રીસ ચડે તો તે ગાળ બોલી નાખે છે. સંગીતકારનું સંગીત ઘોઘાટીયંુ બની જાય છે. વ્હેન અ સિંગર હેઝ બેડ ટેમ્પર સૉલ ઇઝ આઉટ ઓફ ટ્યૂન ઍન્ડ ઑલ મ્યુઝિક બિકમ્સ નોઇઝ. બરાબર ચારસો વરસ પહેલાં રોમન ફિલસૂફ સરવન્ટીસે કહેલું કે માણસ ક્યારે ગાળ બોલે છે? તેનો આત્મા તેની ભદ્રતા સાથે તાલમાં હોતો નથી ત્યારે તેનું સંગીત આઉટ ઑફ ટ્યૂન બને છે. વધુ સંગીત ઘોંઘટ બને છે અને શ્રોતામાંથી ભદ્ર લોકો ત્યારે ગાળ બોલી ઉઠે છે.

- ડૉ. ઇરવિંગ વૉશિંગ્ટન નામના વિદ્વાનને કોઈએ કહ્યું કે માણસ વયસ્ક થાય, વૃદ્ધ થાય ત્યારે તે ગાળને ભૂલી જાય છેને? તો વોશિંગ્ટને કહેલું કે ઉલટાનો વૃદ્ધ માણસ વાતવાતમાં ગાળો બોલે છે. વૃદ્ધ માણસનું માન કુટુંબના સભ્યો ન જાળવે ત્યારે તે બધાને ગાળો દે છે. અર્થાત્ ફાસ્ટ ટેમ્પર નેવર મેલોઝ (ઠંડુ પડવું) વિથ એઇજ, શાર્પ ટંગ ઇઝ ધ ઓન્લી ટૂલ ધેટ ગિવ્ઝ પાવર ટુ ઓલ્ડમેન. વૃદ્ધ માણસ વિચારો શું કરે? ગાળ બોલીને મનની રીસ કાઢે છે. તેની પાસે ગાળ નામનું તીક્ષ્ણ શસ્ત્ર હોય છે. પણ, ગ્રીક ફિલસૂફ પ્લેટો કહેતો કે શાંત મનના માણસને ઉંમર નડતી નથી. પણ જ્યારે તેની સામે યુવાન માણસ આવે છે ત્યારે તેની યુવાની અને પોતાની હાલની ઊણપ યાદ આવતા ગાળ બોલી નાખે છે.

- સ્વતંત્રતાની લડાઈ વખતે પહેલાં બ્રિટિશરોને અમે ટીનેજરો ગાળો દેતા. તે વખતે ‘લિબર્ટી’ને નામે અમે અભદ્ર બની જતા, પણ ડાહ્યા માણસો અને ડૉ. રાજેન્દ્ર પ્રસાદ (આપણા પ્રથમ રાષ્ટ્રપ્રમુખ) અને સર્વપલ્લી રાધાકૃષ્ણન કહેતા કે માનવનાં નસીબ જેટલો જ માણસનો ટેમ્પરામેન્ટ (સ્વભાવ- મિજાજ) મહત્ત્વનો છે. શાંત ટેમ્પરામેન્ટવાળો ગરીબ છતાં ધનિક છે. ડૉ. જુલે- રેનાર્ડે કહેલું કે માનવ માટે જીવનમાં સારા અને ખરાબ સમય હોય છે, પણ આપણો મૂડ (મિજાજ) નસીબ કરતાં વધુ ખરાબ થાય છે. મૂડ ખરાબ કરો તો નસીબ ખરાબ થાય છે તમે જ તમને ગાળ આપીને તમારી અવદશા કરો છો.

- જૂના જમાનાના લોકો હાલતા ચાલતા ગાળ બોલતા. માલિક તેના નોકરને માનથી બોલાવતો નહીં. ગામડાની સ્ત્રીઓ પરસ્પરને એક કૉમન શબ્દ કહે છે- તારું નખ્ખોદ જાય,- નભ્ભાઈ (ભાઈ વગરની). એવી જ રીતે આશીર્વાદનાં વચનો પણ છે- માડી તું અખંડ, ચૂડલે જાજે, સાત દીકરાની મા થાજે, તારી દીકરીને ઘેર દૂઝાણ બંધાય.

- મારી બા એક સમાન શબ્દ બોલતાં. 80 વર્ષ પહેલાં ઘરમાં બળતણ, લાકડાં કે છાણાંનો તાપ કરવા માટે છાણાં ન હોય ત્યારે મારી બા બોલી ઉઠતા કે ‘છાણાં નથી તો હવે શું હું મારા પગ બાળીશ?’ અપશબ્દો કે ગાળોનો સ્ટોક કોઈ પણ દેશમાં ખૂટશે તો પણ રિ-પ્લેસ થઈ જશે!
(Aas-Pass Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Abhivyakti Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Article of Aas Pass By Kanti Bhatt
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended