Home »Abhivyakti »Aas-Pass» Article Of Aas Pass By Kanti Bhatt

ઇશ્વરે આપેલી આત્માની બારી એટલે આંખ

Kanti Bhatt | Mar 16, 2017, 03:10 AM IST

  • ઇશ્વરે આપેલી આત્માની બારી એટલે આંખ,  aas-pass news in gujarati
મારી આંખોમાં 87ની ઉંમરે હજી મોતિયો આવ્યો નથી. માત્ર ભગવાન મને પેરેલિસીસ આપીને અટકી ગયો છે. પણ મારા શરીરનાં આંખોરૂપી રતનને યથાવત રાખ્યા છે. શેક્સપિયરે કહેલંુ કે ‘આય્ઝ આર વિન્ડો ટુ ધ સાઉલ.’ આંખ એ આત્માની બારી છે. મહાન રશિયન ફિલોસોફર સીસેરોએ કહેલું કે ‘માનવીનો ચહેરો તેના મનનો આખો નકશો બતાવે છે અને આંખ એ તમારા મનના ચહેરાની વાત ખુલ્લી કરે છે. ડૉ. અન્ના ગિથેન્સે ‘રિન્યૂ અમેરિકા’ મેગેઝિનમાં 18-10-2014ના લખ્યું છે કે ‘ધ આય્ઝ આર લેમ્પ્સ ઑફ ધ બોડી.’ 

આચાર્ય રજનીશ કહેતા કે કોઈની સાથે આંખ મિલાવશો નહીં. આંખની શક્તિ જબ્બર હોય છે. મસ્કાલીન નામની ઔષધિ આંખની શક્તિને અનેકગણી વધારી દે છે. કવિઓની કવિતામાં તેમજ ફિલ્મોના ગીતમાં જો વધુમાં વર્ણન થયુ હોય તો તે આંખનુ છે. પછી તે ફ્રેંચ કવિ હોય, હિન્દી કવિ હોય કે અંગ્રેજી કવિતા હોય કે નેધરલેન્ડનો કવિ હોય. િહન્દી કવિ અજ્ઞેય પ્રેમિકાને કહેતા કે તું મારી આંખની કીકી છો, પણ સૌથી યાદગાર આંખને માટે બેસાડનારું ફિલ્મી ગીત હતું તે મોહમ્મદ રફીએ ફિલ્મ ‘હમરાહી’ માટે શંકરજયકિશનના સંગીતમાં ગાયું હતું: ‘યે આંસુ મેરે દિલ કી જુબાન હૈ/ મૈં રોઉં તો રો દે આંસુ, મૈં હસ દૂં તો હસ દે આંસુ/ આંખ સે ટપકી ચિંગારી, હર આંસુ મેં છબી તુમ્હારી/ ચિર કે મેરે દિલ કો દેખો બહતે લહૂ મેં પ્રીત ઉતર આયી/ યે જીવન જૈસે સુલગતા તૂફાન હૈ!’

1843માં એક રશિયન કવિ નામે યેવહેન હૃેબિન્કાનું આંખ વિશે કાવ્ય લોકોને એટલું ગમી ગયું કે રશિયનમાંથી ફ્રેન્ચ ભાષામાં તે કાવ્યનો અનુવાદ થયો. ફ્રાન્સના પ્રેમીઓનાં હૃદયમાં આ કાવ્યે આગ લગાડી એટલે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ થયું અને પછી 27 ભાષામાં ભાષાંતર થયું છે. ઓહ ધીઝ ગોર્જિયસ આય્ઝ/ ડાર્ક એન્ડ ગ્લોરિયસ આય્ઝ બોર્ન-વિથ-પેશન-આય્ઝ હાઉ યુ હીપ્નોટાઈઝ હાઉ કેન આઈ એડોર યૂ યોર આય્ઝ હિપ્નોટાઇઝ મી આઈ કેનનોટ સી એનીથિંગ બટ યૂ. આમાં ‘હિપ્નોટાઇઝ’ શબ્દ આવ્યો એટલે મારા ઘરમાં મેં મોરારિબાપુની અદ્્ભુત આંખવાળી છબી રાખી છે.

આ આંખની જોઈએ તેટલી કાળજી લેવી જોઈએ. જાણે ઈશ્વરે સાવ મફતમાં આપી હોઈ ને તમે આંખોને જેમતેમ, જ્યાં ત્યાં વાપરશો નહીં. આંખો જે સહજ રીતે મળી છે તેની કિંમત કરજો. તમે ચોમાસામાં ઇન્દ્રધનુષ જોઈ શકો છો. પર્વતો નદીઓ અને કુદરતનાં અનેક સૌંદર્યો જોઈ શકો છે. 2005માં જગતમાં 5 કરોડ લોકો અંધ હતા. તે આ આંકડો મોટો થતો ગયો. મારા કાંદિવલીના ઘરથી થોડે દૂર વાપીના કેમિકલ કારખાનામાં તેમજ 30 વર્ષ પહેલાં ભોપાલના કેમિકલના કારખાનામાથી ઝેરી ગેસ છૂટ્યો ત્યારે ઘણા લોકો અંધ થઈ ગયા હતા. નવો આંકડો 2014માં મળે છે તે સાડા પાંચ કરોડનો છે. એક વહાલસોયી પત્ની જેનો પતિ વાપીના કારખાનામાં કામ કરતો હતો, તેની આંખમા કેમિકલ પડતાં અંધ થઈ ગયો. તેની સુંદર પત્ની અંધ પતિને છોડીને જઈ શકતી હતી, પણ અંધપતિની આંખો બનીને તેને આજેય સાચવે છે. જે રીતે જગતમાં કેમિકલ્સ ફેલાય છે, પર્યાવરણ બગડ્યું છે અને આપણે આંખને સાચવતા નથી.

આપણી કરુણતા એ છે કે જગતમા જે અંધની વસતિ છે તેમાંથી ચોથા ભાગના ભારતમાં છે. ઐશ્વર્યરાય જે અતિ સુંદર અને ભૂખરી હિપ્નોટિક આંખો ધરાવે છે. તે 122 વર્ષ જૂની વિક્ટોરિયા મેમોરિયલ સ્કૂલ ફોર બ્લાઇન્ડમાં અંધ બાળકોને જોવા ગઈ, ત્યારે અંધ બાળકોએ ઔશ્વર્યાને  કદી જોઈ નહોતી, પણ તેના સુંદર અને મધુર અવાજ ઉપરથી તેને કદી જોઈ નહોતી તો પણ તેને ઓળખી કાઢી. આ બાળકોની આંખો નહોતી, પણ તેમની આત્માની બારી ખૂબ જાગૃત હતી તેનાથી ઓળખી કાઢી.

મહાન ફિલસૂફ જ્યો પાલ સાર્ત્રને 79ની ઉંમરે આંખોની ઝાંખપ અને પછી અંધાપો આવ્યો, ત્યારે તેણે કોઈ પાસે અખબારો વંચાવવા પડતાં અને લેખ લખાવવા પડતાં. તેને કોઈએ પૂછ્યું કે આ બધું કેવું લાગે છે ત્યારે સાર્ત્રએ કહ્યું કે ખાસ તો જ્યારે હું રોમેન્ટિક કવિતા બીજા પાસે વંચાવતો હોઉં ત્યારે કોઈ સુંદરીના હોઠ ઉપર કાગળનું આવરણ મૂકીને ચુંબન કરવા જેવું લાગે છે! 

રજપૂતો આંખના સોગંદ ખાય છે. શિવની પૂજા કમળથી થતી હતી. એક કમળ ઓછું પડ્યું, ત્યારે રાવણે તેની એક આંખ કાઢીને એ પોતાનું નયન- કમળ શિવને ધરી દીધુ હતું. મહારાષ્ટ્રમા લોકો કાણી વ્યક્તિને સવારે જોવાનું ટાળે છે. પોલીસ સાથે જ્યારે કોઈ શંકાસ્પદ વ્યક્તિ આંખ મિલાવ્યા વિના વાત કરે, ત્યારે તેને ગુનેગાર માનવાનું સબળ કારણ માને છે. કોઈની પાસે ઉછીના પૈસા માગવા જઈએ અને તેણે ના પાડવી હશે તો તે આડું જોઈને ના પાડશે. આંખની શરમ ગજબની હોય છે પ્રકાશને સહન કરવામા કે પ્રકાશના વત્તા-ઓછા પ્રમાણમાં સ્ત્રી અને પુરુષની ક્ષમતા અલગ હોય છે. પુરુષો ઝાંખા પ્રકાશમાં વાંચી શકતા નથી. સ્ત્રી ઝાંખા પ્રકાશમાં વાંચી શકે છે. આકરા પ્રકાશને સ્ત્રી સાંખી શકે છે, પણ હવે 21મી સદીમાં સ્ત્રી-પુરુષ બન્ને આંખોની સંભાળમાં સરખા બેદરકાર બન્યાં છે એટલે ‘ભેદભાવ’ રહ્યો નથી.

મારી બે ભલામણ છે રોજ સવારે ઉઠીને આંખ ઉપર ભીના રૂમાલને લગાવીને પાંચ મિનિટ પડ્યા રહો અને જેને પામિંગ કહે છે (Palming) કહે છે તે બે હાથના આંગળાને ચપોચપ બંધ રાખી આંખ ઉપર પ્રકાશ ન આવે તે રીતે ઢાંકીને કોઈ મંત્ર પાંચ મિનિટ સુધી બોલો. આંખનાં દેવતા ખુશ થશે.
(Aas-Pass Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Abhivyakti Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Article of Aas Pass by Kanti Bhatt
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended