Home »Abhivyakti »Aas-Pass» Aas-Pass Article Of Kanti Bhatt

જીવનમાં એકાંતને પચાવતા શીખવું જરૂરી છે

Aas-Pass, Kanti Bhatt | Mar 21, 2017, 04:23 AM IST

  • જીવનમાં એકાંતને પચાવતા શીખવું જરૂરી છે,  aas-pass news in gujarati
મારી સામે ‘સોલિટ્યુડ’ નામનું ડો. એન્થની સ્ટોરનું પુસ્તક પડ્યું છે. તેનું પેટામથાળુ છે- ‘અ રિટર્ન ટુ ધ સેલ્ફ’ માણસે પોતાની જાત તરફ વળી જવું. અંગ્રેજીમાં બે શબ્દો છે. ‘લોનલીનેસ’ આમાં પીડા સમાયેલી છે. બીજો શબ્દ છે. સોલિટ્યુડ. એ ઉમદા શબ્દ છે. માનવીની એકલતાને ઉમદા પણ બક્ષે છે. મોટા ભાગના લેખકો કે ફિલોસોફરો ચારેકોર ઘેરાયેલા હોય તો પણ એકલા છે. નંદીગ્રામ રહેવા ચાલ્યા ગયેલા કવિ મકરંદ કહેતા કે આપણે ચારેકોર ઘેરાયેલા હોઈએ તો પણ એકલા છીએ. આલ્બર્ટ આઇન્સ્ટાઇને કહેલું કે એ કેવી કઢંગી વાત છે કે તમે દુનિયામાં ચારેકોર જાણીતા હો છતાં એકલા છો. રશિયન વાર્તાકાર એન્ટોની ચેખોવે કહેલું કે તમે જો એકલતાથી કે સોલિટ્યુડથી ગભરાતા હો તો પરણશો નહીં! કેવો સરસ કટાક્ષ કહે છે કે માનવી જિંદગીમાં બેકલો બનવા પરણે છે. તેને જીવનસાથીની ભૂખ હોય છે પણ તેને ખબર નથી કે તે આખરે એકલો જ થઈ જવાનો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રથમ મહાસચિવ દાગ હેમરશિલ્ડે બહુ સરસ વાત કરેલી કે ‘હું તો ઈચ્છુ છું કે હું એકલતાથી પીડાઉ કારણ કે માનવ જ્યારે એકલતાથી પીડાય છે ત્યારે તેને જિંદગીમાં જીવવા માટેનો કોઈ મસાલો મળે છે કે મરવા માટે નક્કર મિશન મળે છે.

ડૉ. એડવર્ડ ગિબન નામના ફિલોસોફરને ‘સોલિટ્યુડ’ પુસ્તકના લેખકે તેના પ્રથમ પ્રકરણમાં જ ટાંકયા છે ડૉ. ગિબને કહેલું કે ‘માણસ જે બીજાના સંગાથમાં બુદ્ધિમંત વાર્તાલાપમાં પડે છે ત્યારે તેને કંઈક નવું જાણવાનું મળે છે પણ તેણે જો સ્કૂલ ઓફ જિનિયસ અર્થાત્ પ્રખર બુદ્ધિમંતોની મંડળીમાં ભળવું તો તેણે સોલિટ્યુડ પસંદ કરવુ જોઈએ. મોટા ભાગના કવિઓ, નોવેલિસ્ટો, સંગીતના કંપોઝરો, પેન્ટરો અને શિલ્પીઓ એ તમામ એકલા હોય છે. એકલતા તેની કળાને પોષે છે. ડૉ. ગિબન પણ એકલા હતા. એકલતા માનવીની ક્રિએટિવિટી, તેની કલ્પનાશીલતા, તેની સર્જનશીલાને પોષે છે. ગુજરાતનાં રાજપુરુષ નરેન્દ્ર મોદીએ તેમની એકલતામાંથી ઘણું મેળવ્યું છે.

પુસ્તકમાં એન્થની સ્ટોર પ્રસ્તાવનામાં લખે છે ‘આધુનિક જગતનો માનવી માને છે કે સાચું સુખ કોઈ સાથે તમને ઇન્ટિમેટ એટેચમેન્ટ હોય-ગાઢ પ્રેમબંધન હોય તેમાંથી સુખ મળે છે. પણ પછી જ્યારે આ ઇન્ટિમેટ એટેચમેન્ટ મળે છે, ત્યારે તે તેના કામ સાથે એટલો એટેચ થઈ જાય છે કે તેના કામની લગનીમાં લાગી જાય છે કે સ્ત્રી કે પુરુષ તેમના સંગાથને રેઢો છોડી દે છે. ડૉ. ગિબન માટે પણ એવું જ થયેલું કે તેના સુખનો પ્રથમ સ્રોત તેની સેલ્ફ એસ્ટીમ અગર તો તેના કામમાંથી મળતો હતો. આજે સામાન્ય માનવ માને છે કે પ્રેમ અને મિત્રતા એ બન્ને સુખની પ્રથમ ચાવી- પ્રથમ શરત છે, પરંતુ જ્યારે તે અસાધારણ થવા માગે છે. પ્રખ્યાત લેખક કે રાજપુરુષ થવા માગે છે ત્યારે તેની જાણ વગર તે એકલા હોય છે. માનવી એકલો નહીં બેકલો જ હોય તે જાણે સમાજનો નિયમ છે. બાળકો માને છે કે દાદા હોય તો દાદી હોવાં જોઈએ, કાકા હોય તો કાકી, મામા હોય તો મામી એમ કોઈ તો હોવું જ જોઈએ. બીજા અર્થમાં એકલું રહેવું તે પાપ છે, દોષ છે, ગુનો છે કે દુ:ખી થવાની વાત છે ક્યાંકથી પ્રેમ તો મળવો જ જોઈએ.

એન્થની સ્ટોરે તેનાં પુસ્તકમાં લખે છે, ‘લવ એન્ડ ફ્રેન્ડશિપ આર એન ઇમ્પોર્ટંન્ટ પાર્ટ ઑફ વ્હોટ મેક્સ લાઇફ વર્થવ્હાઇલ.’ જીવન જીવવા જેવું તો જ બને જો માનવીને પ્રેમ અને મિત્રતા મળે. અરે પશ્ચિમના સમાજમાં માનવી જ્યારે કોઈ લગાવ વગરનો રહે એટલે કે ડિટેચમેન્ટમાં રહે, એકલો રહે તે એક જાતની માનસિક બીમારી છે તેમ મનાય છે. ઘણાને એકલો રહેનારાને લાંબો વખત એકલો રહે તો તેને માનસિક દર્દી માનીને જબરદસ્તીથી હોસ્પિટલમાં દાખલ કરી દેવાય છે. માનવીમાં કેપેસિટી-ટુ-બી-અલોન અર્થાત્ એકલા રહેવાની ક્ષમતા હોવી જ જોઈએ. તેમ ભારતીય તેમજ પશ્ચિમના ફિલોસોફરો એકસરખું માનતા, પરંતુ ભારતના ફિલોસોફરો એકલતાને વધુ ઉમદા માનતા અને એકલા રહેનારને વખાણતા. નૃવંશશાસ્ત્રીઓ સમાજશાસ્ત્રીઓ અને મનોવિજ્ઞાનીઓ એ તમામ કબૂલ થાય છે કે માનવી એક સામાજિક પ્રાણી છે તેને બીજા માનવ સાથીદારની ભૂખ છે. 

સમગ્ર જીવનપર્યંત માનવીને જ્ઞાનની ભૂખ સાથે આ જીવનસાથીની ભૂખ રહે જ છે. એકલતા કરતા લગાવ, પ્રેમ, પ્રેમમાં નિષ્ફળતા, કોઈનો અભાવ ઉપર વધુ લેખો કે કાવ્યો લખાયાં છે. વિરહ ઉપર લખાયાં છે એટલા એકલતા ઉપર લખાયા નથી. તેથી જ ડૉ. પીટર મેરિસ નામના મનોવિજ્ઞાનીએ કહ્યું છે કે જે માનવીને પ્રિયજનના અભાવથી જીવવું પડે કે જે માણસનું પ્રિયપાત્ર આ દુનિયા છોડી ચાલ્યું ગયું હોય તેને જિંદગી તદ્દન અર્થહીન- મીનિંગલેસ લાગે છે. 
 
ત્યારે આપણને પ્રતીતિ થાય છે કે જ્યારે આપણે ચોક્કસ વ્યક્તિને ગુમાવીએ છીએ ત્યારે જ આપણને ભાન થાય છે કે એ ગુમાવેલી વ્યક્તિની આસપાસ  આપણું જીવન આજુબાજુ જ ઘુમતું હતું. બીજી એક વાત જે સૌએ વિરોધીભાસી છે છતાં સમજવી જોઈએ. કઈ રીતે? તમે પુખ્ત વયના થાઓ ત્યારે તમને બચપણમાં જ ‘ટુ બી કેપેબલ ઓફ લોનલીનેસ’ જ તાલીમ મળે છે. કોઈની હાજરીમાં એકલતાને માણતા શીખવાનું બચપણમાં આપણને મળે છે. કોઈની હાજરીમાં એકલા રહેતા આવડે તે ભાયડો થઈ ગયો સમજવો. ભગવાન બુદ્ધ સહિત અનેક મહાપુરુષોએ કહ્યું છે કે સોલિટ્યુડ પ્રોમોટ્સ ઇનસાઇટ માનવીને એકાંત તેના આત્મામાં ઝાંખવાની શક્તિ આપે છે. માટે જીવનમાં એકાંતને ઝંખતા અને પચાવતા શીખી જાઓ.

આસપાસ, કાન્તિ ભટ્ટ
(Aas-Pass Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Abhivyakti Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Aas-Pass article of Kanti Bhatt
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended