દિલ્હી ડેર ડેવિલ્સ ૬/૧૮૮, કાર્તિક ૬૯, રાજસ્થાન રોયલ્સ ૧૨૧, મિશ્રાની ત્રણ વિકેટ
દિનેશ કાર્તિકની શાનદાર બેટિંગ બાદ લેગ સ્પિનર અમિત મિશ્રા અને મહારુફની ચુસ્ત બોલિંગ વડે દિલ્હી ડેર ડેવિલ્સે પોતાના ઘરઆંગણે રમાયેલી આઇપીએલ-૩ની લીગ મેચમાં રાજસ્થાન સામે ૬૭ રનથી આસાન વિજય મેળવ્યો હતો.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર દિલ્હીની ટીમે છ વિકેટે ૧૮૮ રનનો સન્માનજનક સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં રાજસ્થાન ૧૭.૪ ઓવરમાં૧૨૧ રન નોંધાવી શકતા ટૂર્નામેન્ટમાં તેની વિજયકૂચ અટકી હતી.
જંગી સ્કોર સામે મેદાને પડેલી રાજસ્થાનની ટીમે યુસફ પઠાણ સહિત ૬૬ રનમાં પાંચ વિકેટ ગુમાવી દેતાં તેની બેટિંગ લાઇન-અપ વેરવિખેર બની થઈ ગઈ હતી. ઓપનર નમન ઓઝાએ ૧૪ બોલમાં ૨૭ રન, યુસુફ ૧૪ બોલમાં બે બાઉન્ડ્રી અને બે સિક્સર વડે ૨૪ રન ફટકાર્યા હતા.
રાજસ્થાનના ત્રણ બેટ્સમેન ખાતું ખોલાવ્યા વિના આઉટ થયા હતા. મઘ્યમ હરોળના બેટ્સમેન દિનેશ કાર્તિક અને સુકાની ગૌતમ ગંભીરે પાંચમી વિકેટ માટે નોંધાવેલી મહત્ત્વપૂર્ણ ૭૯ રનની ભાગીદારી વડે દિલ્હી ડેર ડેવિલ્સે છ વિકેટે ૧૮૮ રનનો સન્માનજનક સ્કોર નોંધાવ્યો હતો.
સેહવાગ ૧૨ બોલમાં ૧૯ રન બનાવીને આઉટ થતાં દિલ્હીએ ૨૫ રનમાં બીજી વિકેટ ગુમાવી હતી. સુકાની ગંભીર તથા કાર્તિકે ઇનિંગ્સને આગળ વધારીને ૭૯ રનની ભાગીદારી નોંધાવી હતી. કાર્તિકે છ બાઉન્ડ્રી અને ચાર સિક્સર વડે ૬૯ રન ફટકાર્યા હતા. ગંભીર ૪૩ રન બનાવ્યા હતા.