દિવાળી પર ધનની દેવી મહાલક્ષ્મીની પૂજાની સાથે- સાથે શ્રી ગણેશ અને દેવી સરસ્વીતીની પૂજા કરવાનું વિધાન છે.મહાલક્ષ્મીનાં આશીર્વાદથી ભક્તને ધન, યશ, માન- સન્માન પ્રાપ્ત થાય છે. આ દિવસે ખાસ કરીને લક્ષ્મી પૂજાનું વિશેષ મહત્વ હોય છે. મા લક્ષ્મીની સાથે ગણેશજી અને સરસ્વતીની પૂજા કરવા પાછળ ધાર્મિક કારણ મનાય છે.
લક્ષ્મી ધનની દેવી છે તો શ્રી ગણેશ રિદ્ધિ અને સિદ્ધિનાં દેવતા છે જ્યારે માતા સરસ્વતી બુદ્ધિ અને વિદ્યાની દેવી છે. લક્ષ્મીની કૃપા એટલે કે ધનની પ્રાપ્તિ ત્યારે જ થઇ શકે છે જ્યારે શ્રી ગણેશ અને સરસ્વતીની કૃપા પણ પ્રાપ્ત થાય છે કારણ કે ધન કમાવવા માટે બુદ્ધિની પણ જરૂર હોય છે.પ્રખર બુદ્ધિમાન વ્યક્તિ જ બુદ્ધિ થકી વધારે ધન પ્રાપ્ત કરી શકે છે જ્યારે સારી વિદ્યા મેળવવા માટે મા સરસ્વતીની આરાધના કરવામાં આવે છે. તેમના આશીર્વાદથી જ આપણને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને આ જ્ઞાનથી જ દરેક સુખ- સમૃદ્ધિ અને માન- સન્માન પ્રાપ્ત થાય છે.
શ્રી ગણેશ રિદ્ધિ અને સિદ્ધિનાં દેવતા માનવામાં આવે છે. તેમની કૃપાથી દરેક વ્યક્તિના ઘરમાં બરકત અર્થાત સમૃદ્ધિ બની રહે છે. જીવનમાં ક્યારેય ધનનો અભાવ ના વર્તાય અને દરેક સુખોને પામીએ તે માટે ભગવાન ગણેશની પૂજા કરવી જોઇએ. જ્યારે લક્ષ્મીની પ્રાપ્તિ માટે મા લક્ષ્મી અને જ્ઞાન સાથે માન- સન્માન માટે મા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. આ કારણથી દિવાળીમાં માત્ર મહાલક્ષ્મીની પૂજા ના કરતાં નવા વર્ષમાં લક્ષ્મી સાથે રિદ્ધિ- સિદ્ધિ અને જ્ઞાન- માન મળે તે શ્રી ગણેશ અને સરસ્વતીની પૂજા પણ કરવામાં આવે છે.