- સમગ્ર સંસારનું સંચાલન લક્ષ્મી માતા કરે છે. આપણા ધર્મગ્રંથોમાં વિષ્ણુ પ્રિયા માતા લક્ષ્મીના પ્રાગટ્યની ઘણી કથાઓ જોવા મળશે. આવી જ એક કથા આ પ્રકારે છે –
- એકવાર ભગવાન શંકરના અંશાવતાર મહર્ષિ દુર્વાસા ક્યાંક જઇ રહ્યા હતાં ત્યારે તેમણે એક કન્યાના હાથમાં પારિજાતનાં ફૂલોની એક સુંદર માળા જોઇ. મહર્ષિએ ફૂલોની માળા તે કન્યા પાસેથી માંગી. તે કન્યાએ ઘણા આદરભાવ સાથે આ માળા મહર્ષિને આપી. મહર્ષિએ આ માળા દેવરાજ ઇન્દ્રને આપી. ઇંન્દ્રએ તે માળા એરાવતના મસ્તક પર નાખી અને એરાવતે આ માળા પૃથ્વી તરફ ફેંકી. આ જોઇ દુર્વાસા મુનિ અત્યંત ગુસ્સે થયા.
તેમણે ઇન્દ્રને શ્રાપ આપ્યો કે જેટલી ધન- સંપત્તિ પર તારો અધિકાર છે તે બધી નષ્ટ થશે. દુર્વાસાનાં શ્રાપ અનુસાર ત્રણેય લોકની લક્ષ્મી નષ્ટ થઇ ગઇ. દાનવોએ આ તક ઝડપી સ્વર્ગ પર પોતાનો કબજો જમાવ્યો. આ જોઇ દરેક દેવતા ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાન વિષ્ણુએ દેવતાઓને દાનવની સાથે મળીને સમુદ્રનું મંથન કરવા કહ્યું. ભગવાનના આદેશને પામીને દેવતાઓએ દાનવો સાથે સમુદ્રનું મંથન કર્યુ તો તેમાંથી કામધેનુ, વારુણીદેવી, કલ્પવૃક્ષ અને અપ્સરાઓ પ્રગટ થઇ.
-તેના પછી ચંદ્રમા નીકળ્યા. આ પ્રકારે અન્ય રત્નો પણ નીકળ્યાં. સૌથી અંતમાં ભગવતી લક્ષ્મીદેવી પ્રગટ થયાં.દરેક દેવતાઓએ મળીને માતા લક્ષ્મીની સ્તુતિ કરી જેનાથી પ્રસન્ન થઇ તેમણે દેવતાઓને સ્વર્ગ પાછું મળે તેવું વરદાન આપ્યું અને ત્યારપછી મા લક્ષ્મી ભગવાન વિષ્ણુના ચરણોમાં સમર્પિત થઇ ગઇ.આ જ માતા લક્ષ્મી વિષ્ણુના રામ અવતારમાં સીતા અને શ્રી કૃષ્ણ અવતારમાં રુકમણિના રૂપે અવતરિત થઇ.