વડગામ તાલુકાના રણછોડપુરા (ડાલવાણા) ગામમાં શનિવારે સાંજે ચક્રવાત આવતાં ગામના રહેણાંક મકાનો તેમજ ખેડૂતોના ખેતરમાં આવેલા મકાનો અને પશુ બાંધવા માટેના તબેલાઓની છત પણ ઉડી જતાં મોટુ નુકસાન થવા પામ્યું હતું. ચક્રવાતથી લોકોના રહેણાંક મકાનો પરથી પતરાં-નળીયાં ઉડી ગયા હતા. તેજ સમયે મૂશળધાર વરસાદના કારણે વરસાદનું પાણી સીધુ ઘરોમાં રેલાયું હતું.
જેથી ઘરોમાં પાણી ફરી વળતાં ઘરવખરી તેમજ ઘરોમાં રખાયેલા અનાજના જથ્થાનો બગાડ થવા પામ્યો હતો. આ ઉપરાંત ખેતરોમાં પણ મકાનો તેમજ તબેલા પરના પતરાંઓ ઉડી જતાં પશુઓ માટે સાચવીને રાખેલા સુકા ઘાસચારાનો પણ મોટા પ્રમાણમાં બગાડ થવા પામ્યો હતો.આ અંગે રવિવારે વડગામ નાયબ તાલુકા વિકાસ અધિકારી કેશરભાઇ ચૌધરી તેમજ એસ.ઓ.ગોવિંદભાઇ ચૌધરીએ રૂબરૂ મુલાકાત લઇ અસરગ્રસ્તોનો સરવે હાથ ધર્યો હતો.
આ ચક્રવાતના કારણે રણછોડપુરા ગામમાં લાખોનું નુકસાન થવા પામ્યું છે. તેમજ મૂશળધાર વરસાદની સાથે ચક્રવાતના કારણે ખેતીનો પાક પણ જમીનદોસ્ત થઇ જતાં ચોમાસુ પાકમાં પણ વ્યાપક નુકસાન થયું છે. તેમ રણછોડપુરાના ખેડૂત અમરસિંહ રાજપૂતે જણાવ્યું હતું.