હાલ પાકિસ્તાન ક્રિકેટ ટીમના ત્રણ ખેલાડી સલમાન બટ્ટ, ઝડપી બોલર મોહમ્મદ આસિફ અને મોહમ્મદ આમિર સ્પોટ ફિક્સિંગના કથિત આરોપોનો સામનો કરી રહ્યાં છે. ત્યારે ન્યૂઝીલેન્ડના પૂર્વ ઝડપી બોલર સાઇમન ડોલે પાકિસ્તાનના મહાન પૂર્વ ખેલાડી વસીમ અકરમ વિરુદ્ધ ફિક્સિંગના આરોપ લગાવ્યા છે.
સાઇમન ડોલે એક ઇન્ટર્વ્યુ દરમિયાન જણાવ્યું હતું. વર્ષ 1994માં એક ટેસ્ટ દરમિયાન વસીમ અકરમ દ્વારા જાણી જોઇને 12 નો-બોલ ફેંકવામાં આવ્યા હતા. આ મેચ ન્યૂઝીલેન્ડ જીતી ગયું હતું.
સાયમને કહ્યું કે, વર્ષ 1994માં ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે એક ટેસ્ટ શ્રેણી રમાઇ હતી. જેમાં પાકિસ્તાનના આ પૂર્વ મહાન ખેલાડીએ શાનદર બોલિંગ પ્રદર્શન કર્યું હતું. જો કે, ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટમાં તેઓનું પ્રદર્શન ઘણું જ ખરાબ રહ્યું હતું. અને તેઓએ 12 જેટલા નો-બોલ નાંખ્યા હતા. જો કે, એ સમયે અમે વિજયની ઉજવણી મનાવી રહ્યાં હતા. ત્યારે તેના પર કોઇનું ધ્યાન પડ્યું ન હતું.
નોંધનીય છે કે, સ્પોટ ફિક્સિંગ અંગેના બ્રિટિશ અખબારના ચોંકાવનારા ખુલાસા બાદ પાકિસ્તાન ક્રિકેટના ત્રણ ખેલાડી સલમાન બટ્ટ, મોહમ્મદ આમિર અને મોહમ્મદ આસિફ વિરુદ્ધ સ્કોટલેન્ડ યાર્ડ પોલીસ દ્વારા તપાસ ચલાવાઇ રહી છે. અને હાલ આ ત્રણેય ખેલાડીઓને ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યા છે.