અત્યંત જાડું શરીર હોય અને પાતળા થવાનું તબીબો કહે તો માની શકાય કે ડાયેટિંગ કરવું પડે, પરંતુ માત્ર ઝીરો ફિગર મેળવવાની લહાયમાં છોકરીઓ હદ બહારનું ડાયેટિંગ કરે છે, તેની સાઇડ ઇફેકટ ઘણી વધુ અને નુકસાનકારક હોવાનું તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે.
વિદેશની યુનિ.માં હાથ ધરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, હદ બહારનું ડાયેટિંગ લાંબાગાળે હાડકાને નુકસાન કરે અને ઓસ્ટિયોપોરોસિસ થવાની શક્યતા અનેકગણી વધી જાય. ચાર હજાર છોકરીઓ પરના સર્વેમાં જાણવા મળ્યું હતું કે, ચરબી હાડકાની બનાવટમાં જરૂરી છે.
કરીનાએ ક્રેઝ ફેલાવ્યો
બોલિવૂડ હોટ્ટી કરીના કપૂરે સાઇઝ ઝીરો ફિગરનો ક્રેઝ છોકરીઓમાં ફેલાવ્યો અને ફિલ્મ ટશનમાં બિકિની પહેરવા માટે થઇને તેણે પૂરા આઠ કિલો વજન ઉતાર્યું હતું. સેલિબ્રિટિઝ ભલે સાઇઝ ઝીરોની ક્રેડિટ લ્યે, યંગ છોકરીઓ શરીરને નુકસાન જ નોતરે છે.
અનેક અભિનેત્રીને કડવા અનુભવ
૨૦૦૬માં બ્રાઝિલિયન મોડેલ એન્ના કેરોલિના રેસ્ટને વધુ પડતા ડાયેટિંગને લીધે ઉરુગ્વે ફેશનવિકમાં રેમ્પ પર જ ઢળી પડી જીવ ખોયો હતો, તો એલિઆના અપૂરતા પોષણક્ષમ આહારને લીધે બેડરૂમમાં જ ઢળી પડી હતી. કેટ મોસે પણ આકરું ડાયેટિંગ અપનાવી શરીર બગાડયું તો નિકોલ ડિહાઇડ્રેશનને લીધે સેટ પર ‘લાંબી’ થઇ ગઇ હતી.
સંધિવાનું જોખમ ત્રણ ગણું વધે
હાડકાની મજબૂતાઇ માટે ચરબી મહત્વની છે. આથી જે છોકરીઓ ડાયેટિંગનો સહારો લે છે, તેમનામાં પુરુષોની તુલનામાં સંધિવા થવાનું જોખમ ત્રણ ગણું વધી જાય છે.
પાતળા કરતાં તંદુરસ્ત દેખાવું સારું
અભિનેત્રી ગુલ પનાગ આ અંગે જણાવે છે કે, જો તમે ખૂબ પાતળા હશો તો પોસ્ટર ગર્લ જેવા જ લાગશો. શરીર એકદમ સુસ્ત દેખાશે જે સારી તંદુરસ્તીની નિશાની નથી. આથી પાતળા કે માંદા દેખાવા કરતાં તંદુરસ્ત દેખાવું વધુ સારું.