વડોદરાનો સયાજી બાગ તેના મૂળ નામ કરતા કમાટી બાગ તરીકે વધુ જાણીતો છે. જે શહેરની મધ્યમાં વિશ્વામિત્રી નદીના કાંઠે 113 એકર જમીનમાં વિસ્તરેલો છે. ૧૮૭૯ની સાલમાં આ બાગ મહારાજા સયાજીરાવે બનાવડાવ્યો હતો, જેમાં બાગ સિવાય પ્રાણી સંગ્રહાલય, મ્યુઝિયમ, પ્લેનેટોરિયમ, સ્વાસ્થ્ય મ્યુઝિયમ, ફ્લોરલ ક્લોક, ટોય ટ્રેન વગેરે આકર્ષણના કેન્દ્રો છે. બાજુમાં એસ્ટ્રોનોમી પાર્ક આવેલો છે તેની મુલાકાત પણ લેવી રહી.
ફ્લોરલ ક્લોકની ખાસિયત એ છે કે તે જમીન પર બનેલી છે જે આશરે ૧૨ ફુટ મોટી અને હજી પણ કાર્યરત છે. જ્યારે ટોય ટ્રેન ફક્ત 2 ફૂટની ઊંચાઇ ધરાવતી ટ્રેન છે. આ ટ્રેન 10 ઇંચ પહોળા ટ્રેક પર ચાલતી બાળકો માટેની ટ્રેન છે.
કમાટી બાગમાં ઉછેરવામાં આવતા ફૂલ-છોડ દુર્લભ છે, જે ભાગ્યે જ ક્યાંય જોવા મળી શકે. તો પ્લેનેટોરિયમાં દિવસમાં ત્રણ સમયે ગુજરાતી, હિન્દી અનેઅંગ્રેજી ભાષામાં બ્રહ્માંડની સફર કરવાનો લ્હાવો મળે છે. કમાટી બાગના એકેએક ખૂણાની મુલાકાત લેવા માટે ઓછામાં ઓછો અડધો દિવસ ફાળવવો પડે. ખૂબજ નજીવી એન્ટ્રી ફી ભરીને આપ આ બાગની મુલાકાત લઇ શકો છો.