લક્ષ્મીજી ધનની દેવી છે. કુબેર ધનના મહારાજા છે. જ્યારે ભગવાન ધન્વંતરિ દેવોના વૈદ્ય છે. લક્ષ્મીજી અને કુબેરજીની આરાધનાથી દરિદ્રતાનો નાશ થાય છે. જ્યારે ધન્વંતરિની આરાધનાથી શારીરિક રોગો દૂર થાય છે અને જીવન આરોગ્યપ્રદ બને છે.
ધનતેરસના દિવસે લક્ષ્મીજી, કુબેરજી અને ધન્વંતરિ એમ ત્રણેયની પૂજા કરવાનો અનેરો મહિમા છે. ધનહીનતાની દશામાં સગુણ-સાકાર લક્ષ્મીદેવીનાં દર્શન અને કૃપા પ્રાપ્ત કરવાં જોઇએ. પછી કોઇ દારિદ્રય, દીનતા કે ધનહીનતા અનુભવાતી નથી.
ધનતેરસ એ ધનવાન થવાની પ્રત્યેક ઉરની સહજ આકાંક્ષાને પરિપૂર્ણ કરવાનો પરમ પ્રસંગ છે. કુબેર ધનના મહારાજા છે. મહાદેવ કુબેરના મિત્ર, માર્ગદર્શક અને ગુરુ છે. લક્ષ્મી ધનની દેવી છે. ભગવાન શ્રીહરિ લક્ષ્મીનું પરમધન છે. સોનું, ચાંદી, હીરા-માણેક, મોતી અને રત્નો એ લક્ષ્મીનું સ્થૂળ, પરિચ્છિન્ન અને અસ્થાયી અધ્યસ્ત રૂપ છે. કાગળની નોટો અને ધાતુના સિક્કા એ લક્ષ્મીનું માનવિનર્મિત, સ્વપ્નમય, કલ્પિત અને કામચલાઉ ચલણ છે. જેમ દ્રવ્ય ધનનું સ્થૂળ રૂપ છે અને સિક્કા ઇત્યાદિ તેનું સૂક્ષ્મ રૂપ છે, તેવી રીતે દારિદ્ર કે ધનહીનતા એ ધનનાં બે રૂપોના આકાર વગરનું ધનનું હોવાપણું છે. ત્યાં ધનના અધ્યસ્ત નામ-રૂપનો અભાવ હોવાથી ધનનું અસ્તિત્વ જ નથી રહેતું તેવો આત્યંતિક આભાસ થાય છે. આવી ધનના નામ-રૂપના અભાવવાળી કલ્પિત અવસ્થાને ‘ગરીબી’ કે ‘દરિદ્રતા’ કહેવાય છે.
એવી ગરીબી અને દીનતા તથા દારિદ્રની સ્થિતિ સાચા અર્થમાં તો એક ઉન્નત દશા છે, જ્યાં ધન પ્રાપ્તિની કામનાનો આવિષ્કાર થાય છે. સ્થૂળ અને સૂક્ષ્મ ધનની કામના પણ પૂર્ણ થઇ શકે અને પ્રાર્થનાપૂર્વક અરજથી ધન તેના અભાવ (સુષુપ્ત), સ્થૂળ અને સૂક્ષ્મ એમ ત્રણેય રૂપોથી પૃથક એવા મૂળરૂપે પણ પ્રાપ્ત થઇ શકે. ધનનું મૂળ રૂપ એ જેમ સ્થૂળ કે સૂક્ષ્મ નથી તેમ તે બંનેનો અભાવ થવાથી જણાતી શૂન્યતા કે ધનહીનતા, ગરીબી કે દીનતા અથવા દારિદ્ર પણ નથી જ.
ધનહીનતાની આવી કલ્પિત દશામાં સગુણ-સાકાર લક્ષ્મીદેવીનાં દર્શન અને કૃપા પ્રાપ્ત કરવાં જોઇએ. જ્યારે તેમ થાય છે ત્યારે લક્ષ્મી માતા પોતાના સંતાન પર કૃપા કરી તેઓનું પરમ ધન કે મૂળ રૂપ વિષ્ણુ સ્વરૂપ પ્રકટ કરે છે. એ ના સાક્ષાત્કાર પછી કોઇ દારિદ્રય, દીનતા કે ધનહીનતા અનુભવાતી નથી અને પરમ ધનરૂપ હોવાનો શાશ્વત આનંદ પ્રાપ્ત થાય છે.
એ ધનની વૈભવી ધન્યતાનો શાશ્વત સાક્ષાત્કાર ધનના આભાસી રૂપોથી આકૃષ્ટ કરી શકતો નથી. નામ અને રૂપવાળા મૂલ્યહીન ધન પર માલિકી કે કબજો કરનારાઓ પર દયા આવે છે અને એ અમૂલ્ય ધનના ખજાનાનો નકશો આવા ધનપતિઓ પછી બીજાને પણ બતાવે છે. એ મૂળભૂત ધન આખરે કોની માલિકીનું છે? તેના નામ-રૂપી મિથ્યાનો ત્યાગ કરીને તેના અસ્તિ, ભાતિ, પ્રિય એવા મૂળ ‘સચ્ચિદાનંદ’, સ્વરૂપને ભોગવવું એ જ અધિકૃત જીવન છે.
લક્ષ્મીજીનું પૂજન :
બાજઠ ઉપર સફેદ વસ્ત્ર પાથરી તેના પર કલમગઠ્ઠાની માળા મૂકી તેના ઉપર મહાલક્ષ્મીજી માતાનો ફોટો મૂકી કેસર-ચંદનનું તિલક કરી, કંકુ, ચોખા-અબીલ-ગુલાલ તથા ફૂલ પધરાવીને નીચે આપેલા મંત્રનું પઠન કરવાથી અચૂક અને અમોધ ફળ પ્રાપ્ત થાય છે. આપની પાસે જુના ચલણી સિક્કા કે દાગીનાને પહેલા પંચામૃતથી ત્યારબાદ શુદ્ધ જળથી ધોવા. ત્યારબાદ બાજોઠ ઉપર મૂકીને કંકુ, ચોખા-અબીલ-ગુલાલ તથા ફૂલ ચઢાવવાં. માતાજીને દૂધની કોઇપણ બનાવટનો ભોગ ધરાવીને આરતી કરવી.
આ ઉપરાંત ધનતેરસના દિવસે ભગવાન કુબેરજીની પણ પૂજા-અર્ચના કરવામાં આવે છે.ભગવાન કુબેરજીની આરાધના કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે. ઘરમાં અખૂટ લક્ષ્મીનો વાસ થાય છે. વ્યક્તિને તમામ પ્રકારનાં સુખોની પ્રાપ્તિ થાય છે.
આ દિવસે દેવોના વૈદ્ય ભગવાન ધન્વંતરિની આરાધના કરવાથી શારીરિક રોગો દૂર થાય છે અને જીવનમાં નવું જોશ આવે છે. જીવન આરોગ્યપ્રદ બને છે.