68 દિવસના આંદોલન બાદ કોમામાં સરી પડેલા સ્વામીનું ગુમનામ મોત
આ સ્વામી પણ બાબા રામદેવની જેમ અનશન ઉપર બેઠા હતા. પણ તેમની પાસે બાબા રામદેવની જેમ રૂ.1100 કરોડની ગંજાવર મિલકત ન હતી કે ન હતી બાબા રામદેવની જેમ ખાનગી ચેનલ ન હતી. બાબા રામદેવ જેવી સરકારના ઉચ્ચ અધિકારીઓ જેવી પહોંચ ન હતી કે ન હતા બાબા રામદેવની આગળ-પાછળ ફરતાં રહેલા રાજકારણીઓ. વળી પાછી તેમની ઓળખાણ દેશના હાઇ પ્રોફાઇલ સંતો સાથે પણ ન હતી. તેમનો વાંક એટલો જ હતો કે તે માત્ર એક સામાન્ય સંત હતા.
ભારતના કરોડો લોકોનું ધાર્મિક આસ્થા અને વિશ્વાસનું પ્રતિક એવી ગંગા નદીને બચાવવાની માંગ લઇને 68 દિવસ સુધી અનશન કરીને કોમામાં સરી પડેલા સ્વામી નિગમાનંદનું મોત નિપજ્યું છે. 2 મેથી તે દેહરાદૂનની તે જ હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ જોલીગ્રાંન્ટ હોસ્પિટલમાં દાખલ કરાયેલા હતા, જ્યાં બાબા રામદેવને દાખલ કરવામાં આવ્યાં હતા.
-નિગમાનંદની કોઇએ ખબર પુછી નહોતી -રવિવારે રાત્રે તેમનું ગુમનામ મોત થયું હતું -ક્રેશર કંપનીને કુંભ ક્ષેત્રમાંથી હટાવવાની માંગ કરી રહ્યા હતા
જોકે વિડંબના એ છે કે માત્ર 9 દિવસનું અનશન કરનારા બાબા રામદેવનો હાલ જાણવા માટે દેશભરનું મીડિયા અને હાઇ પ્રોફાઇલ સંત અને નેતાઓની લાઇનો લાગી ગઇ હતી, પણ બાબા રામદેવને જે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા તે જ હોસ્પિટલમાં કોમામાં સરી પડેલા અને જીવન-મૃત્યુ વચ્ચે જંગ લડી રહેલા નિગમાનંદની કોઇએ ખબર પુછી નહોતી અને રવિવારે રાત્રે તેમનું ગુમનામ મોત થયું હતું.
માતૃસદન સાથે જોડાયેલા 34 વર્ષના નિગમાનંદ ગંગા નદીમાં ચાલી રહેલા ખોદકામ અને હિમાલયન સ્ટોન ક્રેશર કંપનીને કુંભ ક્ષેત્રમાંથી હટાવવાની માંગ કરી રહ્યા હતા. તેમણે 19મી ફેબ્રુઆરીએ અનશન શરૂ કર્યો હતો. અનશનના 68માં દિવસે એટલે કે 27મી એપ્રિલે તેમની તબિયત લથડતાં સરકારે તેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાવ્યાં હતા. 2જી મેના રોજ તે કોમામાં સરી ગયા હતા અને ત્યાર બાદ તેમને હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ જોલીગ્રાંટ હોસ્પિટલમાં રિફર કરી દેવામાં આવ્યાં હતા.
વેદ પુરાણના અભ્યાસુ નિગમાનંદે આ પહેલા પણ 2001માં દેહરાદૂનના ગાંધી પાર્કમાં ભ્રષ્ટાચારના વિરોધમાં 73 દિવસ અનશન કર્યુ હતું. તેમણે 2008માં પણ 68 દિવસનું અનશન કર્યુ હતું. લોહારીનાગપાલા જળ વિદ્યુત પરિયોજનાને રદ કરવાની માંગ સાથે તે પ્રો.જે.ડી.અગ્રવાલે કરેલા અનશન દરમિયાન પણ સક્રિય હતા.
નિગમાનંદની મોતથી વ્યથિત થયેલા માતૃસદનના અધ્યક્ષ સ્વામી શિવાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે સરકાર અને ન્યાયિક વ્યવસ્થા હવે ભ્રષ્ટ થઇ ચૂકી છે. ગંગા બલિદાન માંગી રહી છે અને તે બલિદાન હું આપીશ. તેમણે નિગમાનંદનું પોસ્ટમોર્ટમ એઇમ્સ હોસ્પિટલના ડોક્ટરો પાસેથી કરાવવાની માંગ કરી છે. વધુમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે રાજ્ય સરકારના ઉચ્ચ પદ ઉપર બેઠેલા અધિકારીઓના ઇશારે નિગમાનંદને ઝેર આપીને મારી નાંખવામાં આવ્યાં છે.
સ્વામી શિવાનંદે હરિદ્વારની મુખ્ય ચિકિત્સા અધિક્ષક ડો. પી.કે. ભટનાગર અને ક્રેશરના માલિક જ્ઞાનેશ કુમાર સામે 11મી મેના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે 30મી એપ્રિલે સારવાર દરમિયાન નિગમાનંદને ઝેર આપવામાં આવ્યું હતું અને તેના કારણે તેઓ 2જી મેના રોજ કોમામાં સરી પડ્યાં હતા.