નિગમાનંદ સ્વામી ગંગા રક્ષાની માંગ માટે 19 ફેબ્રુઆરીથી અનશન ઉપર હતા
કાળા નાણા અને ભ્રષ્ટાચારના વિરોધમાં 9 દિવસ સુધી અનશન કરનારા બાબા રામદેવને આજે દેહરાદૂનની જોલી ગ્રાંટ હિમાલયન ઇન્સ્ટીટ્યૂટ હોસ્પિટલમાંથી રજા મળી જશે. પણ આ જ હોસ્પિટલમાં બાબા રામદેવના ડિલક્ષ રૂમથી થોડે દૂરના અંતરે અનશન ઉપર બેઠેલા નિગમાનંદ બાબાનું હોસ્પિટલમાં મોત નિપજ્યું છે.
-અનશન ઉપર બેઠેલા નિગમાનંદ બાબાનું હોસ્પિટલમાં મોત નિપજ્યું છે-સ્વામીના એક સહયોગીએ એવો આરોપ, સ્વામીનું કુદરતી મૃત્યુ નથી-સ્વામી ગંગા રક્ષાની માંગ હેઠળ માતૃસદનમાં અનશન ઉપર બેઠેલા હતા
અનશન ઉપર બેઠેલા માતૃસદનના સંત નિગમાનંદને તબિયત બગડતાં આ જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જોકે અફસોસની વાત એ છે કે બાબા રામદેવના અનશન તોડાવવા સમગ્ર ભારતમાંથી સાધુ-સંત અને રાજકીય અગ્રણીઓની લાંબી લાઇનો લાગી હતી પણ અનશન ઉપર બેઠેલા આ સંત નિગમાનંદની પરવા એકપણ વ્યક્તિને ન હતી. બીજી બાજુ સ્વામીના એક સહયોગીએ એવો આરોપ લગાવ્યો છે કે સ્વામીનું કુદરતી મૃત્યુ નથી થયુ પરંતુ તેમની ઝેર આપીને હત્યા કરવામાં આવી છે.
34 વર્ષના સ્વામી નિગમાનંદ ગંગા રક્ષાની માંગ હેઠળ ગઇ 19 ફેબ્રુઆરીથી માતૃસદનમાં અનશન ઉપર બેઠેલા હતા. અનશનના 68માં દિવસે એટલે કે 27 એપ્રિલે નિગમાનંદની તબિયત બગાડવાથી પ્રશાસને તેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ હોસ્પિટલમાં તેમની તબિયત વધુ લથડતાં તેમને હિમાલયન ઇન્સ્ટિટ્યૂટમાં રિફર કરવામાં આવ્યાં હતાં. જોકે તેમની પરિસ્તિથિમાં કોઇ સુધારો ન થયો અને તેઓ કોમામાં ચાલ્યાં ગયા હતા. સોમવારે રાત્રે બે વાગે નિગમાનંદનું મૃત્યુ થઇ ગયું હતું.
માતૃસદનના અધ્યક્ષ સ્વામી શિવાનંદ સરસ્વતીએ એવો આરોપ લગાવ્યો છે કે હોસ્પિટલમાં નિગમાનંદને ઝેર આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓના ઇશારે તેમની હત્યા કરવામાં આવી છે. તેમણે સ્વામીનું પોસ્ટમોર્ટમ સ્થાનિક ડોક્ટરો પાસે કરાવવાને બદલે એઇમ્સના ડોક્ટરો પાસે કરાવવાની માંગ કરી છે.
સ્વામી નિગમાનંદના ગુરૂ અને ભાઇ સ્વામી કૌશલેન્દ્રે પણ સ્વામી નિગમાનંદને ઝેર આપીને હત્યા કરવાની વાતને સમર્થન આપ્યું છે.