ધર્મમાં લીન શ્રદ્ધાળુઓ માટે નારાયણસરોવરની મુસાફરી સાર્થક પુરવાર થાય તેમ છે. અહીંથી કોટેશ્વર મંદિર ખૂબજ નજીક હોવાથી પ્રવાસીઓ ત્યાંના દર્શનનો લાભ લઇ શકે છે.
કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું નારાયણ સરોવર હિન્દુ ધર્મના પાંચ પવિત્ર સરોવર પૈકીનું એક છે. (અન્ય ચાર સરોવરોમાં તિબેટનું માનસરોવર, કર્ણાટકનું પમ્પા, ઓરિસ્સાનું ભૂવનેશ્વર અને રાજસ્થાનના પુષ્કર સરોવરનો સમાવેશ થાય છે.) માટે તેનું આધ્યાત્મિક મહત્વ અપરંપાર છે. ભારતના પશ્વિમ છેડા પર આવેલા આ સરોવર સુધી પહોંચવા કચ્છથી 100કિમી જેટલી મુસાફરી કરવી પડે.
કહેવાય છે કે ભગવાન નારાયણના જમણા પગના અંગુઠામાંથી અહીં જળવહન થયું હતું, તે જ પવિત્ર પાણીએ નારાયણ સરોવરનું સ્વરુપ ધારણ કર્યું. સમુદ્ર કિનારે આવેલું આ જળાશય અત્યંત વિશાળ હતું પરંતું વર્ષો પહેલા આવેલા વિનાશક ભૂકંપથી તે મીઠા પાણીમાંથી ખારા પાણીમાં ફેરવાઇ ગયું. બાદમાં હાલ જે સરોવર છે તે બનાવવામાં આવ્યું. અનેક તપસ્વીઓએ અહીં તપ કર્યા હોવાનું જાણવા મળે છે.
એક સમયના મહારાણી બાઇ રાજબાએ નવા બંધાયેલા જળાશય નજીક કેટલાક મંદિરો બનાવડાવી પોતાની ધાર્મિકતાના દર્શન કરાવ્યા હતા. જેમાં ત્રિકમરાયજી, લક્ષ્મીનારાયણ, ગોવર્ધનનાથજી, દ્વારકાનાથ, આદિત્યનારાયણ, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરોનો સમાવેશ થાય છે. માટે જ ધર્મમાં લીન શ્રદ્ધાળુઓ માટે નારાયણસરોવરની મુસાફરી સાર્થક પુરવાર થાય તેમ છે. અહીંથી કોટેશ્વર મંદિર ખૂબજ નજીક હોવાથી પ્રવાસીઓ ત્યાંના દર્શનનો લાભ લઇ શકે છે.
નારાયણ સરોવર પહોંચવા માટે ભૂજથી દિવસમાં બે વાર ઉપડતી બસની મદદ લઇ શકાય. બાકી તો ખાનગી વાહન લઇને જવા ઇચ્છતા મુસાફરો સડક માર્ગે જઇ શકે છે.